SURAT

સુરતમાં બે દિવસમાં ત્રણ મર્ડર, જૂની સબજેલની સામે જાહેર રોડ પર યુવકની હત્યા

સુરત: પોલીસ કમિશનર વિનાના સુરત શહેરમાં ગુનાખોરી ચિંતાજનક હદે વધી રહી છે. અહીં ચોરીચપાટીની જેમ મર્ડર થઈ રહ્યાં છે. બે દિવસમાં ત્રણ મર્ડર થયા છે. વરાછા અને લિંબાયતમાં બે યુવકોની હત્યાની ઘટનાના 24 કલાકમાં જ સુરતમાં રિંગરોડ પર આવેલી જૂની સબજેલની નજીક જાહેર રોડ પર એક યુવકની હત્યાની ઘટના બની છે. આ બનાવના પગલે ખટોદરા પોલીસ દોડતી થઈ ગઈ છે.

રવિવારે રાત્રે લિંબાયતમાં બહેન સાથે પ્રેમસંબંધની શંકામાં મિત્રએ મિત્રની હત્યા કરી હતી. સોમવારે વરાછાની માધવપાર્ક સોસાયટીમાં બહેનના પ્રેમીને ભાઈ, પિતરાઈ અને કાકાએ ઢોર માર મારી તેનો જીવ લઈ લીધો હતો. આ ઘટનાઓની તપાસ હજુ ચાલી જ રહી હત્યાં તો સોમવારે રાત્રે ખટોદરા પોલીસ મથકના વિસ્તારમાં જૂની સબજેલ નજીક જાહેર માર્ગ પર એક યુવકની હત્યાનો બનાવ બન્યો છે. ત્રણ આરોપીઓએ ભેગા મળી ચપ્પુના ઘા મારી એક યુવકને જાહેરમાં રહેંસી નાંખ્યો છે.

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર માનદરવાજા વિસ્તારમાં રહેતા 30 વર્ષીય હનિફ અમીર ખાનની હત્યા થઈ છે. જૂની સબજેલ નજીક ત્રણ લોકોએ મળીને હનિફને જાહેરમાં જ ચપ્પુના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો છે. હનિફની હત્યા કર્યા બાદ આરોપીઓ બાઈક પર ફરાર થઈ ગયા હતાં. હાલ પોલીસે આરોપીઓને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે.

મૃતકના ભાઈ શાહરૂખે કહ્યું કે, મારા ભાઈને તેના મિત્રો ઘરેથી ઉપાડી ગયા હતાં. સબજેલ પાસે લઈ ગયા હતા. ત્યાં જઈને મિત્રોએ આરીફને ફોન કરી બોલાવ્યો હતો. આરીફે પોલીસનો બાતમીદાર હોવાનો આક્ષેપ મુકી હનિફને માર્યો હતો. આરીફ સાથે એઝાજ, અહેમદે માર માર્યો હતો. આરોપીઓ એમડી ડ્રગ્સ વેચતા હોવાનો આરોપ પણ શાહરુખે મૂક્યો હતો. હત્યા કર્યા બાદ ત્રણેય ભાગી ગયા હતા.

Most Popular

To Top