Charotar

નડિયાદ પોલીસની દારૂની મહેફિલનો મુદ્દો હાઈકોર્ટ પહોંચશે


ત્રણેય પોલીસ ઇન્સ્પેક્ટર સામે પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવા માગ
નડિયાદ : ખેડા જિલ્લા પોલીસ બેડાના ત્રણ પોલીસ ઇન્સ્પેક્ટર્સ દારૂની મહેફિલ માણવા બેઠા હતાં, તે દરમિયાન બે વહીવટદારો વચ્ચે થયેલી માથાકૂટના ઘેરા પડઘા પડયાં હતાં. જોકે, આ કેસમાં પોલીસ અધિકારીઓને બચાવવા ઉચ્ચ અધિકારીઓ દ્વારા કોઇ કસર છોડવામાં આવી નથી. પરંતુ સોશિયલ મિડિયામાં વિડીયો વાયરલ થયા બાદ ત્રણેયને સસ્પેન્ડ કરી તપાસ શરૂ કરવામાં આવી હતી. જોકે, આ વાતને લાંબો સમય થવા છતાં કોઇ પગલાં ભરાયાં નથી. બીજી તરફ સમગ્ર મામલે ગુનો દાખલ થાય તે માટે હાઈકોર્ટના દ્વાર ખખડાવવાની તૈયારી હાથ ધરવામાં આવી છે.
ખેડા જિલ્લા પોલીસ બેડાના ત્રણ પોલીસ ઇન્સ્પેક્ટર હરપાલસિંહ ચૌહાણ, યશવંત ચૌહાણ અને આર.કે. પરમાર તથા તેમના વહીવટદારો સાથે મહેફિલ માણી રહ્યાં હોવાનો વિડીયો વાયરલ થયો હતો. આ વિડીયોમાં કોઇ વાતચીતને લઇ આણંદ ભાજપના મિડીયા સેલનો મનીષ અને અન્ય શખ્સ વચ્ચે બોલાચાલી થઇ હતી અને વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી. આ વાયરલ વિડીયો આધારે જિલ્લા પોલીસ વડાએ તાત્કાલિક ત્રણેય પીઆઈને સસ્પેન્ડ કરી તપાસ નાયબ પોલીસ અધિક્ષકને સોંપી હતી. જોકે, આ બધુ માત્ર પોલીસ અધિકારીઓને બચાવવા ખાડાં ખખડાવ્યાં હોવાનું સાબિત થયું છે. આ તપાસને લાંબો સમય થવા છતાં હજુ સુધી કોઇ ઠોસ કાર્યવાહી કરવામાં આવી નથી.
આ સમગ્ર કેસ બાબતે જાગૃત નાગરીક દ્વારા પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવા માટે રજુઆત કરવામાં આવી હતી. પરંતુ તે રજુઆતને ધ્યાને લેવામાં આવી નથી. જેના કારણે આ મામલે હાઈકોર્ટના દ્વાર ખખડાવવાની તૈયારી હાથ ધરવામાં આવી છે.

Most Popular

To Top