Gujarat

ક્ષત્રિયોનો આક્રોશ યથાવત- જામનગરમાં 500થી વધુ ભાજપના યુવા કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

ગાંધીનગર: (Gandhinagar) ક્ષત્રિય સમાજ રૂપાલાના વિરોધની સાથે હવે ખુલ્લેઆમ ભાજપના (BJP) વિરોધમાં ઉતરી પડ્યો છે, ત્યારે જામનગરમાં ક્ષત્રિયોમાં ખૂબ રોષ જોવા મળી રહ્યો છે. રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાનો વિરોધ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત પછી પણ શાંત થયો નથી. જામનગરમાં ક્ષત્રિય સમાજના 500થી વધુ યુવા કાર્યકર્તાઓ ભાજપ છોડીને આજે કોંગ્રેસમાં જોડાયા હતા. ક્ષત્રિય સમાજના યુવા કાર્યકરોએ ભાજપ વિરુદ્ધ મતદાન કરવાના સોગંધ પણ લીધા હતા.

  • કોંગ્રેસના પોસ્ટર ઉતારાતા ક્ષત્રિયાણીઓ રણચંડી બની
  • જામ સાહેબે કોઈ અપીલ કરી નથી- રાજવીઓ ટેકો આપે કે ના આપે ક્ષત્રિય સમાજને કોઈ ફરક પડતો નથી

જામનગરના ક્ષત્રિય યુવા અગ્રણી હરેન્દ્રસિંહ જાડેજાએ કોંગ્રેસમાં જોડાયા બાદ જણાવ્યું હતું કે અમે 500થી વધુ ક્ષત્રિય સમાજના તેમજ અન્ય સમાજના યુવાનો ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા છીએ. અમે ભાજપ વિરુદ્ધ મતદાન કરીને ભાજપને હરાવવાનું પાકું કરી લીધું છે.

કોંગ્રેસ ઉમેદવારના પોસ્ટર હટાવતા ક્ષત્રીયાણીઓ રણચંડી બની, પોસ્ટર ઉતારનારાઓને ભગાડ્યા
જામનગરના રસ્તા ઉપર કોંગ્રેસ ઉમેદવારના બેનરો, પોસ્ટરો લગાડવામાં આવ્યા છે. આ પોસ્ટર બેનરો હટાવવાની કામગીરી કરવામાં આવતી હતી, ત્યારે ક્ષત્રિય સમાજની મહિલાઓએ કોંગ્રેસના પોસ્ટર ઉતારતા લોકોને આડેહાથ લીધા હતા, અને શા માટે પોસ્ટરો ઉતારો છો તેમ કહી તેમને પોસ્ટર ઉતારતા અટકાવ્યા હતા. બીજી તરફ જે લોકો પોસ્ટર ઉતારતા હતા તેમનું કહેવું હતું કે કલેક્ટરનો આદેશ છે, ત્યારે ક્ષત્રિયણીઓએ કહ્યું હતું કે કલેક્ટરને અહીં બોલાવો. જો કોંગ્રેસના પોસ્ટર હટાવાશે, તો ભાજપના પોસ્ટર પણ હટાવાશે. કોઈપણ સંજોગોમાં આવો પક્ષપાત ચલાવી લેવામાં આવશે નહીં. પ્રચાર કરવાનો હક તમામ રાજકીય પાર્ટીઓને છે. કોંગ્રેસના પોસ્ટરો ફરી પાછા જ્યાં હતા ત્યાં લગાવી દેવા માટે ક્ષત્રિયણીઓએ ભારે હોબાળો- દબાણ કરતા ક્ષત્રિયાણીનું આક્રમક રૂપ જોતાં પોસ્ટર ઉતારનાર કર્મચારીઓ ત્યાંથી રફુ ચક્કર થઈ ગયા હતા.

ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનું સમાપન, ભાજપ વિરુદ્ધ મતદાન કરવા આહવાન
ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપનો વિરોધ કરવા માટે ક્ષત્રિય અસ્મિતા ધર્મરથ રાજ્યભરમાં ફેરવાયો હતો, આ રથનું સમાપન ગઈકાલે થયું હતું. જેમાં જામનગરમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં ક્ષત્રિય સમાજના આગેવાનોએ ભાજપ વિરુદ્ધ મતદાન કરવા આહવાન કર્યું હતું.

મત એ જ શસ્ત્ર
ક્ષત્રિય સમાજ સંકલન સમિતિના પ્રવક્તા કરણસિંહએ જણાવ્યું હતું કે ક્ષત્રિયોનો સ્વભાવ હંમેશા વિવેકી રહ્યો છે. તેમના ઘરે કોઈ પણ આવે, પછી તે દુશ્મન પણ કેમ ન હોય, તેઓને આદર સત્કાર અને સન્માન આપતા હોય છે. જામ સાહેબને મળવા ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જામ સાહેબે પાઘડી પહેરાવી સત્કાર કર્યો હતો. પરંતુ વડાપ્રધાન મોદીએ જાહેર સભામાં જામ સાહેબે પાઘડી પહેરાવી તેવું કહી, ક્ષત્રિયોની વોટ બેંક મેળવવા માટે આદર સત્કારનું માન પણ જાળવ્યું ન હતું. જામસાહેબે ભલે વડાપ્રધાનને પાઘડી પહેરાવી હોય પણ પરંતુ જામ સાહેબ કંઈ પણ બોલ્યા નથી કે ક્ષત્રિય સમાજને કોઈ અપીલ પણ કરી નથી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જો ક્ષત્રિય સમાજ માટે આટલો જ પ્રેમ હોય તો વડાપ્રધાનની કોઈપણ સભામાં તેઓ ક્ષત્રિયોનો ક્ષ પણ બોલ્યા નથી. એ જ બતાવે છે કે વડાપ્રધાનમાં કેટલો અહંકાર આવી ગયો છે. ભાજપને દેશના 24 કરોડ ક્ષત્રિયોની જરૂર નથી, તેઓને માત્ર એક વ્યક્તિને જ ખુશ કરવા છે. હવે ક્ષત્રિય સમાજ પોતાની અસ્મિતાની લડાઈ લડવા માટે મેદાને છે, ત્યારે મતપેટીમાં પરિણામ બતાવીને જ રહેશે.

રાજકોટમાં રાજવીઓના સંમેલન અંગે કરણસિંહે કહ્યું હતું કે રાજવીઓના ટેકા કે ના ટેકાથી સમાજને કોઈ જ ફરક પડતો નથી. ક્ષત્રિય સમાજનું આંદોલન હવે ગામડે ગામડે પ્રવેશી ચૂક્યું છે, હવે યુદ્ધ છેડાઈ જ ગયું છે, ત્યારે મત એ જ શસ્ત્ર દ્વારા આગામી સાતમી તારીખે ભાજપ વિરુદ્ધ મતદાન કરી ક્ષત્રિય પોતાની તાકાતનો પરચો બતાવશે.

Most Popular

To Top