SURAT

સાચ્ચે, શું અમદાવાદ કરતાં સુરતની વસતી વધારે છે?, આ આંકડા તો એવું જ કહે છે..

સુરત: જ્યારે ગુજરાત રાજ્યની રચના થઈ ત્યારે વસતીના પ્રમાણમાં સુરત શહેરનો ક્રમ રાજ્યમાં ત્રીજો હતો પરંતુ હવે છ દાયકા બાદ સુરતની વસતી રાજ્યના તમામ શહેરો કરતાં વધારે હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. સુરત શહેરને વિશ્વમાં ચોથા ક્રમના સૌથી ઝડપથી વિકસતા શહેર તરીકે ઓળખવામાં આવ્યું જ છે ત્યારે તાજેતરમાં ગુજરાતમાં વસતીને પુરો પાડવામાં આવતાં પાણી પુરવઠાના આંકડાને આધારે સુરતની વસતી આખા રાજ્યમાં સૌથી વધુ હોવાનો અંદાજ મુકવામાં આવ્યો છે. સુરતમાં હાલમાં 82 લાખ લોકોને પીવાનું પાણી પુરૂં પાડવામાં આવી રહ્યું છે.

  • અમદાવાદમાં 80 લાખ તો સુરતમાં 82 લાખ લોકોનો રોજ પાણી પુરવઠો પુરો પાડવામાં આવે છે
  • પાણી વપરાશને આધારે સુરતની વસતી 82 લાખ, રાજ્યમાં સૌથી વધારે
  • રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા 8 મહાપાલિકા વિસ્તારોમાં વપરાતા પાણીના આંકડાઓ જાહેર કરવામાં આવ્યા
  • સુરતનો વાર્ષિક વસતી વધારો 3.29 ટકાનો છે, 2011માં સુરતની વસતી 46.45 લાખ હતી

હજુ ત્રણેક દાયકા પહેલા સુરતની વસતી માત્ર 15 લાખની આસપાસ જ હતી પરંતુ સુરત શહેરમાં દેશના મોટાભાગના રાજ્યોમાંથી ઠલવાતા લોકો અને સાથે સાથે ગુજરાતમાં પણ સૌરાષ્ટ્રથી શરૂ કરીને ઉત્તર ગુજરાતના મહેસાણા સહિતના શહેરોમાંથી આવતા પરપ્રાંતિયોને કારણે સુરતની વસતી કૂદકેને ભૂસકે વધી રહી છે.

અગાઉ જ્યારે 2011માં વસતી ગણતરી કરવામાં આવી ત્યારે સુરત શહેરની વસતીનો આંક 4645384નો હતો. આ દાયકામાં વધેલી વસતીને આધારે સુરતનો દર વર્ષનો વસતી વધારાનો દર પણ આશરે 55.29 ટકા હોવાનો અંદાજ મુકવામાં આવ્યો હતો. બીજી તરફ સને 2011માં રાજ્યના સૌથી મોટા શહેર તરીકે મનાતા અમદાવાદ શહેરની વસતી 5577490 નોંધાઈ હતી. અમદાવાદમાં આ દાયકામાં વધેલી વસતીને આધારે તેનો દર વર્ષનો વસતી વધારાનો દર આશરે 22 ટકાનો હોવાનો અંદાજ મુકવામાં આવ્યો હતો.

આ અંદાજને આધારે જ એવું માનવામાં આવી રહ્યું હતું કે, સને 2021ની જ્યારે વસતી ગણતરી થશે ત્યારે અમદાવાદ અને સુરત શહેર વચ્ચે વસતીના પ્રમાણમાં મોટો તફાવત નહીં હોય. ખેર, 2021માં તો વસતી ગણતરી થઈ જ નહીં પરંતુ અંદાજીત વસતીનો આંક જોવામાં આવે છે. સુરતની વસતી અમદાવાદની વસતીની આસપાસ જ હોવાનું માનવામાં આવતું હતું પરંતુ હવે સુરત વસતીના મામલે અમદાવાદથી આગળ નીકળી ગયું હોવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે.

તાજેતરમાં રાજ્યમાં આઠ મહાપાલિકામાં જે તે શહેરના લોકોને આપવામાં આવતા પાણી પુરવઠાના આંકડા રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા રજૂ કરાયા હતા. આ આંકડાઓ પ્રમાણે અમદાવાદમાં 80 લાખ લોકોને પાણી પુરું પાડવામાં આવે છે. જ્યારે સુરતમાં આજ આંક 82 લાખનો છે.

અમદાવાદ વિસ્તારની દ્રષ્ટિએ સુરત કરતાં મોટું પણ વસતીમાં સુરત વધારે
અમદાવાદ વિસ્તાર અને વસ્તીની દ્રષ્ટિએ સુરત કરતાં મોટું છે. અમદાવાદ 480 સ્કે.મીટરમાં ફેલાયેલું છે તેની સામે સુરત 460 સ્કે.મીટરમાં પથરાયેલું છે. તેમ છતાં પાણી સપ્લાયના આંકડા દર્શાવે છે કે અમદાવાદની 80 લાખની વસતી સામે સુરત 82 લાખથી વધુ લોકોને રોજ પાણી પુરવઠો પહોંચાડી રહ્યું છે.

માથાદીઠ 237 લીટર પાણીના વપરાશ સાથે રાજ્યમાં વડોદરા સૌથી આગળ છે
યુડીડી રિપોર્ટ રાજ્યની આઠ મોટી મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં માથાદીઠ લિટર (lpcd) માં માપવામાં આવતા પાણીના વપરાશમાં અસમાનતાનો રિપોર્ટ તૈયાર કરે છે. વડોદરા 220.3 ચોરસ કિમીના ક્ષેત્રફળ સાથે 237 એલપીસીડીના વપરાશ સાથે આગળ છે, ત્યારબાદ ભાવનગર 213 એલપીસીડી સાથે બીજા ક્રમે છે.

બીજી તરફ આઠ મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં જૂનાગઢને સૌથી ઓછો 57 એલપીસીડી પાણી મળે છે. રસપ્રદ વાત એ છે કે, અમદાવાદને રોજનું 1,600 મિલિયન લિટર પાણી (MLD) 200 એલપીસીડી ઉપલબ્ધ થાય છે. તેનાથી વિપરિત સુરતીઓને માથાદીઠ રોજનું માત્ર 182 લીટર જ મળે છે. પરંતુ સુરતની 1,500 MLDની પાણીની સમગ્ર માંગ નર્મદાને બદલે કાયમી તાપી દ્વારા પૂરી કરવામાં આવે છે, એમ યુડીડીના એક સિનીયર અધિકારીએ જણાવ્યું હતું.

સુરતમાં પાણી પુરવઠો તાપી પર, જ્યારે અમદાવાદ અને વડોદરા નર્મદા નદી પર આધારીત છે
અમદાવાદની જેમ રાજ્યના અન્ય મોટા શહેરો સંપૂર્ણપણે નર્મદાના પાણી પર નિર્ભર નથી. ઉદાહરણ તરીકે, વડોદરામાં 640 એમએલડી પાણી પુરવઠામાંથી માત્ર 11% જ નર્મદા દ્વારા સપ્લાય કરવામાં આવે છે. રાજકોટ 375 એમએલડી સપ્લાય કરે છે જેના માટે તે 36% નર્મદા પર નિર્ભર છે અને તેમ છતાં અમદાવાદ કરતા માથાદીઠ 209 એલપીસીડી વધુ પાણી સપ્લાય કરે છે.

ભાવનગર શહેર 10 એમએલડીની અછતનો સામનો કરી રહ્યું છે અને છતાં 170 એમએલડીનો દૈનિક પુરવઠો એ ​​સુનિશ્ચિત કરે છે કે દરેક નાગરિકને દરરોજ 213 લિટર મળે, જે રાજ્યમાં બીજા નંબરનો સૌથી વધુ પુરવઠો છે. ભાવનગરને દરરોજ પીવા માટે નર્મદાનું માત્ર 45% પાણી મળે છે. બાકીનું સંચાલન આજી અને શ્રેતુંજી ડેમ દ્વારા કરવામાં આવે છે, એમ યુડીડીના સીનિયર અધિકારીએ જણાવ્યું હતું.

માથાદીઠ પાણીનો પ્રતિદિનનો વપરાશ 135 લીટરનો હોવો જોઈએ
2016ના નેશનલ બિલ્ડીંગ કોડ (NBC) એ નક્કી કર્યું હતું કે શહેરોને પાણીનો પુરવઠો 150 થી 200 લિટર પ્રતિ દિવસથી ઘટાડીને 135 લિટર પ્રતિ દિવસ કરવો જોઈએ. યુડીડીના સિનીયર અધિકારીએ જણાવ્યું હતું કે, દિવસના માથાદીઠ 150 થી 200 લિટરમાંથી, માથાદીઠ 45 લિટરનો ઉપયોગ ફ્લશિંગ જરૂરિયાતો માટે અને બાકીના અન્ય ઘરગથ્થુ હેતુઓ માટે થઈ શકે છે.

આ ડેટા સૂચવે છે કે ગુજરાતના મુખ્ય શહેરોમાં જળ સંસાધનોના વધુ સમાન વિતરણની જરૂર છે. વપરાશ પેટર્ન ખૂબ ઊંચી છે. 2009 પછી મોટા મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં સમાવિષ્ટ ઘણા પેરિફેરલ વિસ્તારોમાં હજુ સુધી સ્થિર પાણી પુરવઠા જોડાણો પ્રાપ્ત થયા નથી. વાસ્તવિક રીતે પુરવઠો લગભગ 80 થી 100 એલપીસીડી હોવો જોઈએ. અમને શંકા છે કે ઘણું પાણી વેડફાઈ રહ્યું છે.

રાજ્યના 8 મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પાણીના સપ્લાયના આંકડા
શહેર વિસ્તાર (સ્કે.કિમી) વસતીને સપ્લાય (લાખમાં) માથાદીઠ વપરાશ નર્મદામાંથી સપ્લાય

  • અમદાવાદ 480 80 200 1400
  • સુરત 462.14 82.32 182 0
  • વડોદરા 220.3 27.05 237 75
  • ભાવનગર 108.3 8 213 77
  • રાજકોટ 170 17.97 209 135
  • જામનગર 125 7.65 183 25
  • ગાંધીનગર 326 5.3 170 60
  • જુનાગઢ 160 3.83 57 0

નોંધ: માથાદીઠ પ્રતિદિન વપરાશ લિટરમાં.

Most Popular

To Top