National

મની લોન્ડ્રિંગ કેસમાં એલ્વિશ યાદવની મુશ્કેલીઓ વધી, EDએ કેસ નોંધ્યો

નવી દિલ્હી; બીગ બોસ ઓટીટીની (Bigg Boss OTT) બીજી સીઝન જીત્યા બાદ યુટ્યુબર એલ્વિશ યાદવ (Elvish Yadav) લાઇમ લાઇટમાં આવ્યો હતો. તેમજ થોડા સમય અગાવ રેવ પાર્ટી અને કોબ્રા કાંડના મામલામાં 5 દિવસ જેલમાં વિતાવ્યા બાદ, હવે ફરી એક વાર એલ્વિશની મશ્કેલીઓ વધી છે. હવે એલ્વિશને દિલ્હી મની લોન્ડ્રિંગ કેસમાં (Money Laundering Case) મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. કારણકે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (Enforcement Directorate) એલ્વિશ વિરુધ્ધ કેસ ફાઇલ કર્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ EDની લખનૌ ઝોનલ ઓફિસ ટૂંક સમયમાં એલ્વિશની પૂછપરછ કરવાની તૈયારી કરી રહી છે. નોઈડામાં 2 નવેમ્બરે નોંધાયેલા કેસના આધારે મની લોન્ડરિંગનો કેસ નોંધવામાં આવ્યો હતો. તેમજ આ કેસમાં હવે EDની ટીમ યુટ્યુબરની પૂછપરછ કરે તેવી સંભાવના છે.

એલ્વિશ યાદવ ફરી વિવાદમાં
યુટ્યુબર એલ્વિશ યાદવની મુશ્કેલીઓનો અંત આવવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. કોબ્રા કેસ બાદ તે ફરી એકવાર ચર્ચામાં છે. ઇડીએ મની લોન્ડરિંગ કેસમાં યુટ્યુબર વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. તેમજ આ કેસ અંતર્ગત ઇડી એલ્વિશ યાદવ પાસે રહેલી મોંઘી કારોના કાફલા અંગે તપાસ કરી શકે છે.

અગાવ 17 માર્ચે યુટ્યુબરની નોઇડા પોલીસે કોબ્રા કાંડ કેસમાં ધરપકડ કરી હતી, ત્યારબાદ તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. હાલ તે જામીન પર જેલથી બહાર આવ્યો છે. પરંતુ હવે EDએ તેમની સામે કાર્યવાહી કરવાની તૈયારી શરૂ કરી દીધી છે.

આ મામલે યૂટ્યુબર દ્વારા હજુ સુધી કોઈ નિવેદન જારી કરવામાં આવ્યું નથી. જેલમાંથી બહાર આવ્યા બાદ એલ્વિશે પોતાની ઉપર લાગેલા આરોપોને ફગાવી દીધા હતા. યુટ્યુબરે કહ્યુ હતું કે કેટલાક લોકોને તેની સફળતા પસંદ નથી આવી રહી. એટલા માટે તેને બિનજરૂરી રીતે ફસાવવામાં આવી રહ્યો છે.

શું છે મામલો?
8 નવેમ્બરે નોઈડા પોલીસે રેવ પાર્ટીમાં સાપના ઝેરના ઉપયોગના મામલામાં એફઆઈઆર નોંધી હતી. આ કેસમાં યુટ્યુબર એલ્વિશ યાદવને પણ આરોપી જાહેર કરવામાં આવ્યો હતો. તેમજ આ કેસમાં પોલીસે પાંચ લોકોની ધરપકડ કરી હતી. જેમાં રાહુલ, તિતુનાથ, જયકરણ, નારાયણ અને રવિનાથનો સમાવેશ થાય છે. આ પાંચ પૈકી પોલીસને રાહુલના નામે 20ml ઝેર મળી આવ્યું હતું.

Most Popular

To Top