National

સુરત અને ઇન્દોર બાદ હવે પુરીમાં કોંગ્રેસને ઝટકો, શા માટે કોંગી ઉમેદવારે ચૂંટણી લડવાની ના પાડી?

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીનું (Lok Sabha Elections) 2 તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ગયું છે. તેમજ ત્રીજા તબક્કામાં 12 રાજ્યોની 94 બેઠકો પર મતદાન થશે. ત્યારે સુરત અને ઈન્દોર બાદ હવે કોંગ્રેસને (Congress) ફરી એક ઝટકો લાગ્યો છે. ત્રીજા તબક્કાના મતદાન પહેલા જ પુરીના કોંગ્રેસ ઉમેદવાર સુચરિતા મોહંતીએ (Sucharita Mohanty) ચૂંટણી લડવાની ના પાડી દીધી છે. આ સાથે જ તેમણે તેમના આ નિર્ણય પાછળનું કારણ પણ જણાવ્યું હતું

વાસ્તવમાં કોંગ્રેસના ઉમેદવાર સુચરિતા મોહંતીએ ઓડિશાની પુરી લોકસભા સીટ પરથી ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધી હતી. મોહંતીએ આરોપ લગાવ્યો હતો કે પાર્ટી તેમને ચૂંટણી લડવા માટે કોઈ આર્થિક મદદ કરી રહી નથી. તેણીએ કહ્યું કે પાર્ટી દ્વારા પૂરા પાડવામાં આવેલ ભંડોળ વિના પ્રચાર કરવો મારા માટે શક્ય નથી, તેથી જ હું ચૂંટણી લડવાનો ઇનકાર કરી રહી છું.

સુચરિતા મોહંતીએ ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો હતો
આજે 4 મે ના રોજ મોહંતીએ ફંડ ન મળવા પર નારાજગી વ્યક્ત કરી હતી. તેમજ આ સંદર્ભે તેમણે લોકસભાની ટિકિટ પણ પરત કરી દીધી હતી. જણાવી દઈએ કે ભારતીય જનતા પાર્ટીએ પુરી લોકસભા સીટ પરથી સંબિત પાત્રાને પોતાના ઉમેદવાર બનાવ્યા છે.

કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલને લખેલા પત્રમાં સુચરિતા મોહંતીએ જણાવ્યું હતું કે પુરી સંસદીય ક્ષેત્રમાં અમારું ચૂંટણી અભિયાન ખરાબ રીતે પ્રભાવિત થયું છે. તેની પાછળનું કારણ એ છે કે પાર્ટીએ મને ચૂંટણી પ્રચાર માટે ફંડ આપવાની ના પાડી દીધી છે. જ્યારે આ અંગે ઓડિશા કોંગ્રેસના પ્રભારી ડૉ.અજોય કુમારને કહેવામાં આવ્યું તો તેમણે કહ્યું કે તમે જાતે જ તેની વ્યવસ્થા કરો.

સુરત અને ઇન્દોરના ઉમેદવારોએ ઉમેદવારી પાછી ખેંચી હતી
આ પહેલા સુરત અને ઈન્દોરમાં પણ આવી ઘટનાઓ બની હતી. સૌ પ્રથમ સુરતના ઉમેદવારે પોતાની ઉમેેદવારી પાછી ખેંચી હતી. ત્યારે બાદ ઈન્દોરમાં કોંગ્રેસને ઝટકો લાગ્યો હતો. ઇન્દોર લોકસભાના ઉમેદવાર અક્ષય કાંતિ બમ નામાંકન પાછું ખેંચવાના છેલ્લા દિવસે પોતાનું નામાંકન પાછું ખેંચી લીધું હતું.

આ પછી તેઓ ભાજપમાં જોડાયા હતા. તેમજ મધ્ય પ્રદેશ ભાજપે સોશિયલ મીડિયા વેબસાઈટ X પર ટ્વિટ કર્યું હતું કે કોંગ્રેસના ઉમેદવાર અક્ષય બમએ ઈન્દોર લોકસભા બેઠક પરથી પોતાનું નામાંકન પાછું ખેંચી લીધું છે. આ પછી મધ્યપ્રદેશના મંત્રી અને બીજેપી નેતા કૈલાશ વિજયવર્ગીયએ ટ્વીટ કરી હતી કે અક્ષય કાંતિ બમ બીજેપીમાં જોડાઈ ગયા છે.

Most Popular

To Top