SURAT

સુરતના રસ્તા પર 1 કરોડની આ કાર દોડે ત્યારે લોકો જોતા રહી જાય છે, PM મોદી સાથે છે કનેક્શન

સુરત: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અનેક ચાહકો છે. સુરતમાં નરેન્દ્ર મોદીના ચાહના અલગ લેવલની છે. હાલમાં લોકસભા ચૂંટણી ચાલી રહી છે ત્યારે સુરતના એક કાપડના વેપારીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યેનો પોતાનો પ્રેમ 1 કરોડની કાર પર મોદીનું ચિત્ર ચિતરાવીને વ્યક્ત કર્યો છે.

લોકસભાની ચૂંટણીને પગલે દેશમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. દરેક પક્ષ પોતાની રીતે પ્રચાર પ્રસાર કરી રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુરતના એક ચાહકે અનોખી રીતે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે.

સુરતમાં ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા સિદ્ધાર્થ દોશીએ પોતાની 1 કરોડની જેગુઆર કારને તિરંગામાં રંગાવી છે. કાર પર ખાસ પ્રકારનું વેપ્રિંગ પ્રિન્ટિંગ લેમિનેશન કરાવ્યું છે, જેમાં તિરંગાનો રંગ છે. કારના બોનેટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર પ્રિન્ટ કરાવી છે. કાર પર હર હર ઘર મોદીના સ્લોગન લખાવ્યા છે. મોદી સરકારની સિદ્ધીઓ વર્ણવી છે. જેમાં ચંદ્રયાન, રામ મંદિર, ટ્રીપલ તલાક, કલમ 370 અને જી20નો ઉલ્લેખ કરાયો છે.

સિદ્ધાર્થ દોશીએ કહ્યું હું વડાપ્રધાન મોદીનો ખૂબ મોટો ફેન છું. તેમના માટે હું કંઈ પણ કરી શકું છું. મોદીજી માટે કંઈક અલગ કરતા રહેવાની મારી હંમેશા ઈચ્છા હોય છે. હાલમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે તેથી મોદીજી માટે ખાસ ડિઝાઈનર કાર તૈયાર કરી છે. જેથી રસ્તા પરથી જ્યારે પણ મારી કાર પસાર થાય તો લોકો જોતા રહે. ચૂંટણી પુરી થયા બાદ અન્ય રાજ્યોમાં પણ આ કાર લઈ જઈશ.

દોશીએ વધુમાં કહ્યું કે, આખી કાર પર ખાસ પ્રકારનું વેપ્રિંગ પ્રિન્ટિંગ લેમિનેશન કરાવવામાં આવ્યું છે. તિરંગા રંગમાં કાર પર પ્રિન્ટિંગ કરાવ્યું છે. આ ઉપરાંત મોદીજીની સિદ્ધિઓ વર્ણવવામાં આવી છે. મોદીજી મારા પ્રેરણા સ્ત્રોત છે.

Most Popular

To Top