Vadodara

વડોદરા ગેસે CNG અને PNG ના ભાવમાં રૂ. 2નો વધારો ઝીંક્યો

વડોદરા અને છોટાઉદેપુરમાં આજથી CNG-PNG મોંઘા, VGL દ્વારા ભાવમાં વધારો ઝીંકાયો

કેન્દ્ર તરફથી મળતા સસ્તા ગેસના ક્વોટામાં ઘટાડો થતાં અને ખુલ્લા બજારમાં ખરીદી મોંઘી પડતાં કંપનીએ આખરે લીધો નિર્ણય

(પ્રતિનિધિ), વડોદરા. તા.1

વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં પાઇપલાઇન દ્વારા રાંધણ ગેસ (PNG) અને સીએનજી (CNG) પૂરો પાડતી સરકારી કંપની ‘વડોદરા ગેસ લિમિટેડ’ દ્વારા ગ્રાહકોને મોટો ઝાટકો આપવામાં આવ્યો છે. ગેસની ખરીદી કિંમતમાં સતત થઈ રહેલા વધારા અને કેન્દ્ર સરકાર તરફથી મળતી ફાળવણીમાં કાપને પગલે કંપનીએ આજથી એટલે કે તા. 01 જૂન, 2026 થી સીએનજી અને પીએનજીના દરોમાં મર્યાદિત વધારો કરવાની સત્તાવાર જાહેરાત કરી છે.

VGL દ્વારા બહાર પાડવામાં આવેલી સત્તાવાર યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, કેન્દ્ર સરકાર તરફથી કંપનીને જે સસ્તો કુદરતી ગેસ ફાળવવામાં આવતો હતો, તેના જથ્થામાં તાજેતરમાં નોંધપાત્ર ઘટાડો કરવામાં આવ્યો છે. આ ઘટાડાને કારણે કંપનીએ ગ્રાહકોની જરૂરિયાત પૂરી કરવા માટે ખુલ્લા બજાર માંથી મોંઘા ભાવે ગેસ ખરીદવો પડી રહ્યો છે. લાંબા સમયથી કંપની આ વધારાનો ખર્ચ પોતે ભોગવતી હતી જેથી ગ્રાહકો પર બોજ ન પડે, પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં વહીવટી સંતુલન જાળવવા માટે આ મર્યાદિત વધારો કરવો અનિવાર્ય બન્યો છે.

કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે, ઇનપુટ કોસ્ટમાં જે પ્રમાણમાં મોટો વધારો થયો છે, તેની સરખામણીએ ગ્રાહકો પર બહુ જ સીમિત અને ઓછો બોજ નાખવામાં આવ્યો છે. આમ, ગ્રાહકોના હિતને ધ્યાનમાં રાખીને જ આ નવો રેટ નક્કી કરવામાં આવ્યો છે.

કંપનીના જણાવ્યા અનુસાર, આ મામૂલી વધારા છતાં પણ પર્યાવરણમિત્ર, સુરક્ષિત અને સુલભ ઇંધણ તરીકે CNG અને PNG હજુ પણ પેટ્રોલ-ડીઝલ કે પરંપરાગત LPG સિલિન્ડર જેવા અન્ય ઇંધણોની સરખામણીએ વધુ અનુકૂળ, સુરક્ષિત અને આર્થિક રીતે કિફાયતી (સસ્તા) વિકલ્પો છે.

વડોદરા ગેસ લિમિટેડ વડોદરા શહેર-જિલ્લા ઉપરાંત છોટાઉદેપુર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં કાર્યરત છે. કંપનીએ ગ્રાહકોને ખાતરી આપી છે કે તેઓ ભવિષ્યમાં પણ સતત, સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત ગેસ પુરવઠો પૂરો પાડવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.

આ સાથે જ કંપનીએ જણાવ્યું છે કે જે નાગરિકો નવું પાઇપલાઇન ગેસ કનેક્શન મેળવવા માંગતા હોય, તેઓ VGLની સત્તાવાર વેબસાઇટ પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. આ ઉપરાંત, ગ્રાહકોની સુવિધા અને માર્ગદર્શન માટે કંપનીના વિવિધ ગ્રાહક સેવા કેન્દ્રો પણ કાર્યરત છે, જ્યાંથી તમામ જરૂરી સહાય મેળવી શકાશે.

Most Popular

To Top