National

અમરનાથ યાત્રાળુઓ માટે મોટી ખુશખબર! 2029થી કેબલ કારમાં માત્ર 25-30 મિનિટમાં પહોંચી શકશો બાબા બર્ફાનીના દર્શને

અમરનાથ યાત્રા પર જતાં લાખો શ્રદ્ધાળુઓ માટે રાહતના મોટા સમાચાર સામે આવ્યા છે. આગામી વર્ષોમાં યાત્રા પહેલા કરતાં ઘણી સરળ અને ઝડપી બનવાની છે. કેન્દ્ર સરકારે બાલટાલ માર્ગ પર કેબલ કાર (રોપવે) શરૂ કરવાની યોજના તૈયાર કરી છે. જો બધું આયોજન મુજબ આગળ વધશે તો વર્ષ 2029થી શ્રદ્ધાળુઓ બાલટાલથી સંગમ ટોપ સુધી કેબલ કારમાં માત્ર 25થી 30 મિનિટમાં પહોંચી શકશે. હાલમાં આ જ અંતર કાપવામાં 5થી 8 કલાક જેટલો સમય લાગે છે. આ પ્રોજેક્ટ માટે નેશનલ હાઈવે લોજિસ્ટિક્સ મેનેજમેન્ટ લિમિટેડ (NHLML) દ્વારા વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ (DPR) તૈયાર કરવામાં આવ્યો છે અને તેને કેન્દ્ર સરકારની મંજૂરી પણ મળી ગઈ છે. મળતી માહિતી મુજબ નવેમ્બર-ડિસેમ્બર દરમિયાન ટેન્ડર બહાર પાડવામાં આવશે અને એપ્રિલ 2027થી નિર્માણ કાર્ય શરૂ થશે. સરકારનું લક્ષ્ય વર્ષ 2029 સુધીમાં આ કેબલ કાર સેવા શરૂ કરવાનો છે.

આ રોપવે લગભગ 11.6 કિલોમીટર લાંબો હશે. કેબલ કાર બાલટાલના ડોમેલ ગેટથી શરૂ થઈને સંગમ ટોપ સુધી જશે. જોકે, અમરનાથ ગુફા અને કુદરતી રીતે બનતા હિમલિંગની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને કેબલ કારનું છેલ્લું સ્ટેશન ગુફાથી અંદાજે 2 કિલોમીટર પહેલા બનાવવામાં આવશે. ત્યારબાદ શ્રદ્ધાળુઓએ બાકીનું અંતર પગપાળા અથવા પાલખી દ્વારા પાર કરવું પડશે. હાલમાં બાલટાલ માર્ગ પરથી અમરનાથ ગુફા સુધી પહોંચવા માટે લગભગ 14 કિલોમીટરનું કપરું ચઢાણ કરવું પડે છે. ખાસ કરીને વૃદ્ધો, મહિલાઓ અને શારીરિક રીતે નબળા શ્રદ્ધાળુઓ માટે આ યાત્રા પડકારજનક બની રહે છે. કેબલ કાર શરૂ થયા બાદ મોટાભાગની મુસાફરી આરામદાયક બની જશે અને માત્ર 2થી 3 કિલોમીટરનું અંતર જ પગપાળા કાપવું પડશે. સૂત્રોના જણાવ્યા અનુસાર રોપવે હાલના પગપાળા માર્ગની બાજુમાં નહીં પરંતુ ટેકરીઓ અને ઊંડી ખીણો ઉપરથી સીધા હવાઈ માર્ગે બનાવવામાં આવશે. જોકે, તેના ટર્મિનલ હાલના યાત્રા માર્ગ સાથે જોડાયેલા રહેશે જેથી કોઈપણ કટોકટીની સ્થિતિમાં યાત્રાળુઓને સુરક્ષિત રીતે બહાર કાઢી શકાય.

આ પ્રોજેક્ટ કેન્દ્ર સરકારની ‘પર્વતમાલા યોજના’ હેઠળ બનાવવામાં આવી રહ્યો છે. આશરે 1,200 કરોડના ખર્ચે તૈયાર થનારો આ પ્રોજેક્ટ જમ્મુ-કાશ્મીરમાં બનનારા કુલ 8 મોટા રોપવે પ્રોજેક્ટનો એક મહત્વપૂર્ણ ભાગ છે. નવી કેબલ કાર સેવા શરૂ થયા બાદ દર કલાકે અંદાજે 1,500થી 2,000 શ્રદ્ધાળુઓ મુસાફરી કરી શકશે. એટલે કે એક દિવસમાં લગભગ 20 હજાર યાત્રાળુઓની અવરજવર શક્ય બનશે. હાલમાં બાલટાલ માર્ગ પરથી દરરોજ આશરે 10 હજાર શ્રદ્ધાળુઓને જ યાત્રાની મંજૂરી આપવામાં આવે છે.

બ્લુપ્રિન્ટ મુજબ રોપવેમાં 30થી 50 બંધ કેબિન હશે. દરેક કેબિનમાં 6થી 8 યાત્રીઓ બેસી શકશે. આ કેબલ કાર ઓલ-વેધર ટેક્નોલોજીથી સજ્જ હશે, જેથી તેજ પવન અને બરફવર્ષા જેવી પરિસ્થિતિમાં પણ કામગીરી ચાલુ રાખી શકાય. જોકે, શિયાળામાં સંગમ ટોપથી ગુફા સુધીનો માર્ગ ભારે બરફથી બંધ થઈ જતો હોવાથી યાત્રા માત્ર ઉનાળાની સીઝનમાં જ શક્ય રહેશે. પ્રોજેક્ટ દરમિયાન કેટલાક મોટા પડકારો પણ સામે છે. ખાસ કરીને બરારીમાર્ક વિસ્તારમાં તીવ્ર બર્ફીલા પવનો વચ્ચે પિલર ઊભા કરવા અને સંગમ ટોપના હિમસ્ખલન પ્રભાવિત વિસ્તારમાં મજબૂત માળખું ઉભું કરવું એ એન્જિનિયરિંગ માટે મોટો પડકાર ગણાય છે. ઉપરાંત દર વર્ષે માત્ર જૂનથી ઓક્ટોબર સુધીના ચાર મહિના જ નિર્માણ માટે ઉપલબ્ધ રહેશે.

બીજી તરફ, આ વર્ષની અમરનાથ યાત્રા 3 જુલાઈથી શરૂ થઈને 28 ઓગસ્ટે રક્ષાબંધનના દિવસે પૂર્ણ થશે. કુલ 57 દિવસ ચાલનારી આ યાત્રા માટે અત્યાર સુધીમાં 4 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ નોંધણી કરાવી છે. યાત્રાળુઓનો પ્રથમ જથ્થો 2 જુલાઈએ જમ્મુના ભગવતી નગર બેઝ કેમ્પથી રવાના થશે. યાત્રા શરૂ થાય તે પહેલાં સોમવારે જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ અને શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડના અધ્યક્ષ મનોજ સિન્હાએ બાબા બર્ફાનીની પ્રથમ પૂજા કરી હતી. હાલ હિમલિંગની ઊંચાઈ અંદાજે 5 ફૂટ છે, જોકે છેલ્લા બે વર્ષથી વધતી ગરમીના કારણે યાત્રા શરૂ થાય ત્યાં સુધી તેની ઊંચાઈ ઘટીને લગભગ સાડા ચાર ફૂટ રહેવાનો અંદાજ છે. યાત્રાને ધ્યાનમાં રાખીને સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે. સુરક્ષા દળો દ્વારા સતત ટ્રાયલ, પેટ્રોલિંગ અને અન્ય તૈયારીઓ કરવામાં આવી રહી છે, જેથી લાખો શ્રદ્ધાળુઓની યાત્રા સુરક્ષિત અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થઈ શકે.

Most Popular

To Top