Vadodara

વડોદરાના જાહેર પરિવહનમાં ‘ગ્રીન રિવોલ્યુશન’નો પ્રારંભ

મુખ્યમંત્રીના હસ્તે 30 એસી ઈલેક્ટ્રિક બસોને લીલી ઝંડી; PM e-Bus સેવા હેઠળ શહેરને મળશે કુલ 250 ઝીરો-એમિશન બસોની ભેટ
વડોદરા, તા. 29:
‘ક્લીન સિટી – ગ્રીન સિટી’ના સંકલ્પને વધુ મજબૂત બનાવતા વડોદરા શહેરને આજે આધુનિક અને પર્યાવરણમૈત્રી જાહેર પરિવહનની મહત્વપૂર્ણ ભેટ મળી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કેન્દ્રીય કેબિનેટ મંત્રી મનોહરલાલ ખટ્ટરની ઉપસ્થિતિમાં GSFC યુનિવર્સિટી ગેટ નં. 1 ખાતેથી PM e-Bus સેવા અંતર્ગત 30 નવી એર-કન્ડિશન્ડ ઈલેક્ટ્રિક બસોને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું. આ કાર્યક્રમ ‘વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ’ના ભાગરૂપે યોજાયો હતો.


100થી વધીને 250 બસોની મંજૂરી
કેન્દ્ર સરકારે અગાઉ મંજૂર કરાયેલી 100 બસોના સ્થાને હવે વડોદરા માટે કુલ 250 એસી ઈલેક્ટ્રિક બસો મંજૂર કરી છે. પ્રથમ તબક્કામાં 130 બસો ફાળવવામાં આવશે, જેમાંથી 30 બસો આજે સેવા માટે રવાના કરવામાં આવી છે.
ઝીરો-એમિશન ટેક્નોલોજીથી મળશે સ્વચ્છ હવાની ભેટ
નવી ઈલેક્ટ્રિક બસો ઝીરો-એમિશન ટેક્નોલોજીથી સજ્જ હોવાથી શહેરમાં કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થશે અને પ્રદૂષણમુક્ત પરિવહનને પ્રોત્સાહન મળશે. બસો સંપૂર્ણ એર-કન્ડિશન્ડ અને અવાજરહિત હોવાથી મુસાફરોને આરામદાયક મુસાફરીનો અનુભવ મળશે.
મુસાફરોની સુરક્ષા અને સુવિધાને પ્રાથમિકતા
બસોમાં આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેમાં—
CCTV કેમેરા
ડ્રાઈવર મોનિટરિંગ સિસ્ટમ
પેસેન્જર કાઉન્ટિંગ સિસ્ટમ
GPS આધારિત લાઈવ ટ્રેકિંગ
પેસેન્જર ઈન્ફોર્મેશન સિસ્ટમ
ડિજિટલ ટિકિટિંગ
UPI, સ્માર્ટ કાર્ડ અને મોબાઇલ એપથી ચુકવણી
ફાયર એક્સટિંગ્વિશર અને ફર્સ્ટ એઈડ કિટ
જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે.
દિવ્યાંગ, મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકો માટે વિશેષ વ્યવસ્થા
બસોને સંપૂર્ણપણે વ્હીલચેર એક્સેસિબલ બનાવવામાં આવી છે. દિવ્યાંગો અને વરિષ્ઠ નાગરિકો માટે પ્રાધાન્ય બેઠક તેમજ મહિલાઓ માટે ‘પિન્ક સીટ્સ’ અનામત રાખવામાં આવી છે. કેટલીક બસોમાં હાઈડ્રોલિક લિફ્ટ અને રેમ્પની સુવિધા પણ ઉપલબ્ધ છે.
પાંચ સ્થળે ચાર્જિંગ સ્ટેશન તૈયાર
બસોના સંચાલન માટે ગોત્રી, સયાજીગંજ, નિઝામપુરા, સયાજીપુરા અને મકરપુરા ખાતે આધુનિક ચાર્જિંગ સ્ટેશન ઊભા કરવામાં આવ્યા છે.
આ પ્રસંગે , મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ, મુખ્ય સચિવ એમ. કે. દાસ, ધારાસભ્યો, મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પર્યાવરણનું સંરક્ષણ, આધુનિક સુવિધા અને ટકાઉ વિકાસના સંકલ્પ સાથે વડોદરાએ હવે ગ્રીન પબ્લિક ટ્રાન્સપોર્ટ તરફ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે.

Most Popular

To Top