ચાલુ રસ્તા પર ટ્રાફિક ડાયવર્ટ કરાવી યુવક-યુવતીઓએ કર્યું રીલ શૂટિંગ, નાગરિકોમાં રોષ
(પ્રતિનિધિ) વડોદરા, તા. 28:
વડોદરા શહેરમાં સોશિયલ મીડિયા માટેની ‘રિલબાજી’નો ક્રેઝ હવે જાહેર સલામતી માટે ચિંતાનો વિષય બનતો જાય છે. શહેરના ઐતિહાસિક લહેરીપુરા ગેટ નીચે કેટલાક યુવક-યુવતીઓએ ચાલુ રસ્તા પર જ ટ્રાફિક રોકાવી અને વાહનોને ડાયવર્ટ કરાવી રીલ તથા ફોટોશૂટ કર્યું હોવાનો વીડિયો સામે આવ્યો છે.
મળતી માહિતી મુજબ, રાત્રિના સમયે રીલ શૂટિંગ ચાલી રહ્યું હોવાથી વાહનચાલકોને થોડા સમય માટે અન્ય માર્ગે મોકલવામાં આવ્યા હતા. જેના કારણે એમ.જી. રોડ પર અવરજવરમાં વિક્ષેપ સર્જાયો હતો અને વાહનચાલકોને અનાવશ્યક હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
જાહેર રસ્તા પર સ્ટન્ટ જેવી હરકત સામે પ્રશ્નો
જાહેર માર્ગ કોઈ વ્યક્તિગત સ્ટુડિયો નથી. જાહેર રસ્તા પર ટ્રાફિકને અસર પહોંચાડીને અથવા નિયમોનું ઉલ્લંઘન કરીને રીલ બનાવવાની વધતી પ્રવૃત્તિ સામે હવે સવાલો ઊભા થઈ રહ્યા છે. આવા કૃત્યોથી અકસ્માતનું જોખમ પણ વધી શકે છે.
અમદાવાદ સહિત અન્ય શહેરોમાં જાહેર રસ્તા પર જોખમી રીતે રીલ બનાવનારા સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે વડોદરામાં પણ આવા કાયદાભંગ કરનાર તત્વો સામે કડક પગલાં ભરવાની માંગ ઉઠી રહી છે.
જાગૃત નાગરિક દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલા આ વીડિયોને માત્ર લોકજાગૃતિ અને ટ્રાફિક નિયમોનું પાલન થાય તે હેતુથી જાહેર કરવામાં આવ્યો હોવાનું જણાવાયું છે. હાલ આ ઘટનાને લઈને સોશિયલ મીડિયામાં પણ વિવિધ પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે.