Vadodara

ગુજરાતમાં ચોમાસા પહેલા શાળાઓ માટે સરકારની કડક ગાઈડલાઈન જાહેર

ઈલેક્ટ્રિક રિપેરિંગ ફરજિયાત, આચાર્ય-શિક્ષકોએ હેડક્વાર્ટર નહીં છોડવા આદેશ

વરસાદમાં વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈ તંત્ર એલર્ટ,જર્જરિત બિલ્ડીંગ, વાયરિંગ અને પાણી ભરાવાની સમસ્યા દૂર કરવા સૂચના

( પ્રતિનિધિ )વડોદરા,તા.27

રાજ્યમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે ત્યારે વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓ અને પ્રાથમિક શિક્ષણાધિકારીઓને મહત્વની ગાઈડલાઈન જાહેર કરી છે. આ આદેશ મુજબ તમામ સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓના આચાર્ય અને શિક્ષકોએ ચોમાસા દરમિયાન પૂર્વ મંજૂરી વિના હેડક્વાર્ટર નહીં છોડવાનું રહેશે.

શિક્ષણ વિભાગ દ્વારા જારી કરાયેલા પરિપત્રમાં સ્પષ્ટ જણાવાયું છે કે વરસાદ શરૂ થાય તે પહેલા શાળાના તમામ ઈલેક્ટ્રિક સમારકામ સહિતના કામો યુદ્ધના ધોરણે પૂર્ણ કરી દેવાના રહેશ. ખાસ કરીને જર્જરિત ક્લાસરૂમ, ખુલ્લા વાયર, પાણી ભરાવાની સમસ્યા, છત લીકેજ જેવા મુદ્દાઓ પર તાત્કાલિક ધોરણે કામગીરી કરવા આદેશ અપાયો છે. જેથી વરસાદ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને વિદ્યાર્થીઓની સુરક્ષા જોખમાય નહીં. ગાઈડલાઈનમાં વધુમાં જણાવાયું છે કે દરેક શાળાના આચાર્યએ પોતાની શાળાનું સેફ્ટી ઓડિટ કરાવવાનું રહેશે. જો કોઈ બિલ્ડીંગ અત્યંત જર્જરિત હાલતમાં હોય તો તાત્કાલિક ધોરણે તેનો ઉપયોગ બંધ કરી વિદ્યાર્થીઓને સુરક્ષિત સ્થળે શિફ્ટ કરવાના રહેશે. સાથે જ શાળાના મેદાન કે આસપાસ વરસાદી પાણી ભરાઈ ન રહે તે માટે પણ યોગ્ય નિકાલની વ્યવસ્થા કરવા સૂચના અપાઈ છે. ચોમાસા દરમિયાન કોઈપણ કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક પગલાં લઈ શકાય તે માટે આચાર્ય અને શિક્ષકોએ ફરજિયાતપણે શાળાના હેડક્વાર્ટર ખાતે હાજર રહેવાનું રહેશે. રજા માટે પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત કરવામાં આવી છે. જિલ્લા શિક્ષણાધિકારીઓને પણ નિયમિતપણે શાળાઓની મુલાકાત લઈ આ કામગીરીનું મોનિટરિંગ કરવા જણાવાયું છે. ઉલ્લેખનીય છે કે દર વર્ષે ચોમાસા દરમિયાન રાજ્યની કેટલીક શાળાઓમાં છત પડવી, દીવાલ ધરાશાયી થવી કે વીજ કરંટ લાગવા જેવા બનાવો સામે આવતા હોય છે. જેને ધ્યાનમાં રાખીને આ વર્ષે સરકારે અગમચેતીના ભાગરૂપે વરસાદ પહેલા જ આ કડક ગાઈડલાઈન બહાર પાડી દીધી છે. સરકારના આ નિર્ણયને વાલીઓ દ્વારા પણ આવકારવામાં આવી રહ્યો છે.

Most Popular

To Top