Columns

સ્માર્ટ કેમ્પસમાં સોશિયલ મીડિયા અને કોસ્મેટિક્સના ઝેર સામે કેરલમનો જંગ!

સોશિયલ મીડિયા ડ્રિવન યુગમાં શાળાઓનો ક્લાસરૂમ માત્ર અક્ષરજ્ઞાન મેળવવાનું કેન્દ્ર નથી રહ્યો, પરંતુ તે બજારવાદના અતિરેકનું નવું મેદાન બની ગયો છે. કેરળની શાળાઓમાં તાજેતરમાં ચાઇલ્ડ વેલ્ફેર કમિટી દ્વારા શરૂ કરવામાં આવેલું ‘લિપસ્ટિક ફ્રી કેમ્પસ’ અભિયાન આ કડવી વાસ્તવિકતાને ઉજાગર કરે છે. શાળાના વહીવટી તંત્ર દ્વારા એવા અહેવાલો બહાર આવ્યા છે કે માત્ર ૧૦ થી ૧૫ વર્ષની સગીરાઓ શાળાઓના બ્રેક ટાઈમ દરમિયાન ક્લાસરૂમ અથવા વોશરૂમમાં મોટા પાયે લિપસ્ટિક, આઈલાઈનર, આઈશેડો, બ્લશ અને ફેસ ક્રીમ જેવા કોસ્મેટિક્સ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરી રહી છે.
શાળાના દફતરોમાંથી ગણિત અને વિજ્ઞાનની ચોપડીઓની વચ્ચેથી સસ્તી લિપસ્ટિકો મળી આવવી, એ કોઈ ફેશન પ્રત્યેનો સામાન્ય આકર્ષણ નથી, પરંતુ આ એક એવી ‘મનોવૈજ્ઞાનિક અને તબીબી કટોકટી’ છે, જેના પ્રત્યે વાલીઓ, શિક્ષકો અને વહીવટીતંત્રે તાત્કાલિક જાગૃત થવાની જરૂર છે. કેરળ સરકાર અને પ્રાદેશિક સંસ્થાઓનું આ કડક પગલું એ ગંભીર શારીરિક રોગો અને માનસિક બીમારીઓ સામે લીધેલો મજબૂત પ્રતિબંધાત્મક નિર્ણય છે. કોલ્લમ અને તેની આસપાસની સરકારી તેમજ ખાનગી શાળાઓની બહાર આવેલી સ્થાનિક દુકાનોમાં ₹૨૦ થી ₹૫૦ની વચ્ચે ‘હાયપર-ચીપ’ (અત્યંત સસ્તી) લિપસ્ટિક્સ અને મેકઅપ કિટ્સ વેચાઈ રહી છે. બાળકો માટે આ પ્રોડક્ટ્સ પેન અને નોટબુક ખરીદવા જેટલી જ સરળ અને સસ્તી છે. પરંતુ જે વસ્તુને બાળકો એક નિર્દોષ ફેશન અથવા પિયર પ્રેશર હેઠળ અપનાવી રહ્યા છે, તે વાસ્તવમાં ઔદ્યોગિક કેમિકલ્સ અને ભારે ધાતુઓનું જીવલેણ મિશ્રણ છે. શાળાઓની આસપાસ આવા બિનઆરોગ્યપ્રદ ઉત્પાદનોનું વેચાણ એ ભારતના કન્ઝ્યુમર પ્રોટેક્શન લોની નબળાઈ પણ દર્શાવે છે.

તિરુવનંતપુરમના રીઝનલ કેન્સર સેન્ટર અને કેરળના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા અભ્યાસ અહેવાલો અત્યંત ભયાનક ચિત્ર રજૂ કરે છે. આ અહેવાલો અનુસાર, કેરળના કોલ્લમ, એર્નાકુલમ અને કોઝિકોડ જેવા જિલ્લાઓમાં બાળકોમાં ઇન્ટેસ્ટાઇનલ કેન્સર (આંતરડાનું કેન્સર)ના કેસોમાં ચિંતાજનક વધારો નોંધાયો છે. તબીબી નિષ્ણાતો આ ટ્રેન્ડ પાછળ બાળકો દ્વારા નાની ઉંમરે કરવામાં આવતા કેમિકલયુક્ત કોસ્મેટિક્સના વપરાશને મુખ્ય કારણ માની રહ્યા છે. કોસ્મેટિક્સ પ્રોડક્ટ્સમાં રહેલા ઘાતક તત્વોની શારીરિક અસરો દરેક માતા-પિતાએ સમજવા જેવી છે. પહેલું છે, મર્ક્યુરી (પારો) અને કેડમિયમ. લિપસ્ટિક અને આઈલાઈનરને લાંબો સમય ટકાવી રાખવા અથવા ચમક આપવા માટે વપરાતી આ ભારે ધાતુઓ સીધી રીતે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ (મગજ) અને કિડનીને નુકસાન પહોંચાડે છે. તેમાં ભળતું બીજું તત્ત્વ છે લેડ (સીસું). લિપસ્ટિક લગાવતી વખતે અથવા ખાવા-પીવા દરમિયાન તે હોઠ વાટે પેટમાં જાય છે. લોહીમાં લેડનું પ્રમાણ વધવાથી એનિમિયા (લોહીની ઉણપ) અને બાળકોમાં લર્નિંગ ડિસેબિલિટી (ભણવામાં નબળાઈ) જેવી ન્યુરો-ડેવલપમેન્ટલ વિકૃતિઓ થાય છે.
આ ઉપરાંત, પુખ્ત વયના લોકોની સરખામણીમાં ૧૦ થી ૧૨ વર્ષના બાળકોની ત્વચા અત્યંત પાતળી અને સંવેદનશીલ હોય છે. આના કારણે કેમિકલ્સ ખૂબ જ ઝડપથી લોહીના પ્રવાહમાં ભળી જાય છે, જેનાથી ગંભીર એલર્જી, હોર્મોનલ અસંતુલન અને પ્રજનન સંબંધી તકલીફો ઊભી થાય છે.
હેલ્થકેર પ્રોફેશનલ્સ અને સાઇકિયાટ્રિસ્ટ્સના મતે, આ સમસ્યા જેટલી શારીરિક છે, તેનાથી બમણી માનસિક છે. ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને સ્નેપચેટના યુગમાં મોટી થતી આ પેઢી સેલિબ્રિટીઝ અને ઇન્ફ્લુએન્સર્સના ‘પરફેક્ટ લુક’ના ગ્લેમરથી પ્રભાવિત છે. શાળાના બાળકોમાં એક પ્રકારની ક્ષીણ માનસિકતા ઘર કરી રહી છે જેને મનોવિજ્ઞાનની ભાષામાં ‘બોડી ડિસ્મોર્ફિક ડિસઓર્ડર’ની શરૂઆત કહી શકાય. બાળકોને એવું લાગવા માંડ્યું છે કે મેકઅપ વગર તેમનો અસલી ચહેરો સુંદર કે સ્વીકાર્ય નથી. આ ટ્રેન્ડ બાળપણની કુદરતી માસૂમિયતને છીનવી લે છે. શાળાના શિક્ષકોના જણાવ્યા મુજબ, કેટલીક વિદ્યાર્થિનીઓમાં લિપસ્ટિક અને કાજલનો ક્રેઝ હવે એક ગંભીર વ્યસનનું રૂપ લઈ ચૂક્યો છે, અને તેના વિના તેઓ વર્ગખંડમાં લઘુતાગ્રંથિ અનુભવે છે, જે તેમના આત્મવિશ્વાસ અને એકાગ્રતાને તોડી પાડે છે.
હું આ ઘટનાક્રમને ન્યૂઝરૂમ અને વહીવટી વ્યુહરચનાના લેન્સથી જોઉં છું, ત્યારે મને આમાં ત્રણ સ્તરના ગંભીર પડકારો અને ઉકેલો દેખાય છે. પહેલો – શૈક્ષણિક સંસ્થાઓની બેધારી તલવાર: જ્યારે શાળાઓમાં લિપસ્ટિક કે મેકઅપ પર પ્રતિબંધ મૂકવામાં આવે છે, ત્યારે વહીવટીતંત્રે અત્યંત સંવેદનશીલ રહેવું પડશે. જો શિક્ષકો વિદ્યાર્થીઓની બેગમાંથી લિપસ્ટિક કાઢીને તેમને ક્લાસની સામે વઢશે કે અપમાનિત કરશે, તો તેનાથી ઉકેલ આવવાને બદલે બાળકો વધુ બળવાખોર બનશે અથવા ડિપ્રેશનમાં સરી પડશે. શાળાઓમાં સજાને બદલે વૈજ્ઞાનિક કાઉન્સેલિંગનો આશરો લેવો જોઈએ. કેરળની સીડબ્લ્યૂસીએ જે ‘અવેરનેસ ક્લાસ’નું મોડેલ અપનાવ્યું છે તે સાચો રસ્તો છે. બાળકોને એ સમજાવવું પડશે કે આ લડાઈ તેમની ‘ફ્રીડમ’ સામે નથી, પરંતુ તેમના સ્વાસ્થ્યની રક્ષા માટે છે.બીજો – વાલીઓની ડિજિટલ બેદરકારી: આજના સમયમાં ન્યૂઝરૂમમાં આવતા અહેવાલો બતાવે છે કે વાલીઓ પોતાના કામમાં વ્યસ્ત હોવાને કારણે બાળકોના હાથમાં સ્માર્ટફોન આપી દે છે. અલ્ગોરિધમ બાળકોને સ્ક્રીન પર બ્યુટી પ્રોડક્ટ્સ, ગ્લેમર અને અવાસ્તવિક લાઈફસ્ટાઈલની જાળમાં ધકેલે છે. વાલીઓ જ્યાં સુધી પોતાના બાળકોના સોશિયલ મીડિયા વપરાશ અને તેમની બદલાતી આદતો પર નજર નહીં રાખે, ત્યાં સુધી માત્ર શાળાના નિયમોથી આ ટ્રેન્ડ અટકશે નહીં. કેરળ સરકારે આ અભિયાનમાં ‘કુદુમ્બશ્રી’ અને સ્થાનિક રેસિડેન્ટ્સ એસોસિએશનને જોડીને વાલીઓને જાગૃત કરવાનું જે પગલું લીધું છે, તે સમગ્ર દેશના રાજ્યો માટે રોલ મોડેલ છે.
અને ત્રીજો – કોર્પોરેટ કલ્ચર અને ‘કિડફ્લુએન્સર્સ’ પર કાનૂની લગામની જરૂરિયાત: બિઝનેસ અને કોર્પોરેટ ન્યૂઝનું વિશ્લેષણ કરીએ તો સમજાય છે કે મોટી બ્યુરો બ્રાન્ડ્સ હવે ‘કિડ્સ કોસ્મેટિક્સ’ના નામે મોટું બજાર ઊભું કરી રહી છે. ઇન્સ્ટાગ્રામ પર નાની ઉંમરના બાળકો ‘મેકઅપ ટ્યુટોરિયલ્સ’ના વીડિયો બનાવે છે અને લાખો વ્યુઝ મેળવે છે. ગ્રાહક મંત્રાલય અને ચાઇલ્ડ રાઇટ્સ કમિશને આવી કોર્પોરેટ બ્રાન્ડ્સ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ માટે કડક કાયદા બનાવવા પડશે, જે સગીરોને ટાર્ગેટ કરતી એડવર્ટાઇઝમેન્ટ પર પ્રતિબંધ મૂકે.
આપણે એવા સમયમાં જીવી રહ્યા છીએ જ્યાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ફિલ્ટર્સે વાસ્તવિકતા અને આભાસ વચ્ચેની દીવાલ ભૂંસી નાખી છે. ક્લાસરૂમમાં ભણતી દીકરીઓ જો નાની ઉંમરે પોતાની કુદરતી ત્વચા, શારીરિક રંગ કે દેખાવને લઈને અસુરક્ષિત અનુભવતી હોય, તો આપણી શૈક્ષણિક પ્રણાલીમાં ક્યાંક મોટી ખામી છે. શાળાઓએ માત્ર ‘લિપસ્ટિક ફ્રી કેમ્પસ’ની જાહેરાત કરીને અટકી જવાનું નથી, પરંતુ ક્લાસરૂમની અંદર ગર્લ ચાઇલ્ડના સશક્તિકરણ, આત્મગૌરવ અને આત્મવિશ્વાસને વધારવા માટે પર્સનાલિટી ડેવલપમેન્ટના વર્ગો શરૂ કરવા પડશે. સ્પોર્ટ્સ, આર્ટસ, વિજ્ઞાન અને અકાદમિક સિદ્ધિઓ દ્વારા બાળકો પોતાની ઓળખ ઉભી કરે તેવું વાતાવરણ પૂરું પાડવું પડશે, જેથી તેમને પોતાના ચહેરાને કેમિકલના મુખવટા પાછળ છુપાવવાની જરૂર જ ન પડે. કેરળની ચાઇલ્ડ વેલ્ફેર કમિટી દ્વારા લેવાયેલો આ પ્રશંસનીય અને સાહસિક નિર્ણય છે. આ અહેવાલ માત્ર કેરળ પૂરતો મર્યાદિત નથી, ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી જેવા શહેરીકૃત રાજ્યોમાં પણ આ જ ટ્રેન્ડ અંદરખાને વ્યાપી ચૂક્યો છે. જો આજે આ સામાજિક કટોકટી સામે પગલાં લેવામાં નહીં આવે, તો આવનારી પેઢી શારીરિક રીતે ગંભીર કેન્સર અને માનસિક રીતે ગંભીર અવસાદ (ડિપ્રેશન)નો ભોગ બનશે. દરેક શાળાના કેમ્પસને કોસ્મેટિક્સ-ફ્રી અને કેમિકલ-ફ્રી બનાવવું એ સમયની માગ છે. આ લડાઈ લિપસ્ટિકના રંગ સામે નથી, પરંતુ માસૂમ બાળકોના ભવિષ્યને બજારવાદના અંધકારમાંથી બચાવીને લોકશાહી અને તંદુરસ્ત વાતાવરણ તરફ દોરી જવાની છે.

Most Popular

To Top