World

અમેરિકા-ઈઝરાયલ-લેબનાન વચ્ચે ત્રિપક્ષીય સમજૂતી, પરંતુ હિઝબુલ્લાહનો સ્પષ્ટ ઈન્કાર

શું મધ્ય પૂર્વમાં શાંતિ ટકી શકશે કે ફરી ભડકશે યુદ્ધ?

મધ્ય પૂર્વમાં લાંબા સમયથી ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકા, ઈઝરાયલ અને લેબનાન વચ્ચે એક ત્રિપક્ષીય ફ્રેમવર્ક એગ્રીમેન્ટ (Trilateral Framework Agreement) પર સહમતિ બની છે. અમેરિકાનું માનવું છે કે આ સમજૂતીથી ઈઝરાયલ-લેબનાન સરહદ પર હિંસા ઘટશે, સરહદી વિસ્તારોમાં સ્થિરતા આવશે અને બંને દેશો વચ્ચે લાંબા ગાળાની શાંતિનો માર્ગ મોકળો થશે. જોકે, આ સમગ્ર પ્રક્રિયા વચ્ચે ઈરાન સમર્થિત સશસ્ત્ર સંગઠન હિઝબુલ્લાહે સમજૂતીને સંપૂર્ણપણે નકારી કાઢતા કહ્યું છે કે તે આ કરારનો ભાગ નથી અને તે કોઈપણ પ્રકારના દબાણ હેઠળ પોતાના હથિયારો નહીં મૂકે. હિઝબુલ્લાહના આ વલણ બાદ હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું અમેરિકા, ઈઝરાયલ અને લેબનાન વચ્ચે થયેલી આ સમજૂતી લાંબા સમય સુધી ટકી શકશે?

અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયોએ આ સમજૂતી અંગે જણાવ્યું કે સંયુક્ત રાષ્ટ્રના સહયોગથી સરહદી વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવશે.તેમણે કહ્યું કે લેબનાનની સત્તાવાર સેના (Lebanese Armed Forces)ને દક્ષિણ લેબનાનમાં વધુ અસરકારક રીતે તૈનાત કરવામાં આવશે જેથી સરહદ પર કોઈપણ સશસ્ત્ર સંગઠન પોતાની સૈન્ય તેમજ પ્રવૃત્તિઓ ચલાવી ન શકે. રૂબિયોના જણાવ્યા મુજબ, આ વ્યવસ્થાનો મુખ્ય હેતુ ઈઝરાયલ અને લેબનાન વચ્ચે ફરીથી યુદ્ધ જેવી પરિસ્થિતિ ઊભી ન થાય તે સુનિશ્ચિત કરવાનો છે.

આ કરાર મુજબ દક્ષિણ લેબનાનમાં માત્ર લેબનાનની સરકારી સેના અને સંયુક્ત રાષ્ટ્રની શાંતિ સેનાને સુરક્ષા જાળવવાની જવાબદારી સોંપવામાં આવશે. ઈઝરાયલ પણ પોતાના કેટલાક સૈન્ય મથકોમાંથી તબક્કાવાર સૈનિકોને પાછા ખેંચશે. સાથે જ સરહદ નજીક હથિયારોનો જથ્થો, રોકેટ લોન્ચર અને સૈન્ય ઢાંચા દૂર કરવા માટે પણ કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ સમગ્ર સમજૂતીમાં સૌથી મોટો અવરોધ હિઝબુલ્લાહ બનીને સામે આવ્યું છે. જો કે હિઝબુલ્લાહે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે તે અમેરિકા અથવા ઈઝરાયલની કોઈપણ શરતો સ્વીકારશે નહીં. સંગઠનનું કહેવું છે કે દક્ષિણ લેબનાનમાં તેમની હાજરી લેબનાનની સુરક્ષા માટે જરૂરી છે અને તેઓ પોતાના હથિયારો કોઈપણ સંજોગોમાં નહીં મૂકે. હિઝબુલ્લાહે આ કરારને રાજકીય દબાણ ગણાવ્યો છે.

હિઝબુલ્લાહના વરિષ્ઠ નેતાઓએ નિવેદનમાં જણાવ્યું કે જો ઈઝરાયલ દ્વારા ફરી હુમલો કરવામાં આવશે તો તેનો જોરદાર જવાબ આપવામાં આવશે. તેમણે કહ્યું કે તેમની સૈન્ય ક્ષમતા હજુ પણ સંપૂર્ણ રીતે યથાવત છે, તેઓ કોઈપણ સંજોગોમાં પોતાના પ્રતિરક્ષા અધિકારનો ત્યાગ નહીં કરે.આ દરમિયાન ઈઝરાયલે કહ્યું છે કે જો હિઝબુલ્લાહ કરારનું પાલન નહીં કરે અને સરહદ પરથી હુમલા ચાલુ રાખશે તો ઈઝરાયલ પોતાની સુરક્ષા માટે જરૂરી પગલાં ભરશે. ઈઝરાયલી અધિકારીઓનું કહેવું છે કે તેમની પ્રથમ પ્રાથમિકતા ઉત્તર ઈઝરાયલના નાગરિકોની સુરક્ષા છે. જો સરહદ પરથી રોકેટ હુમલા અથવા ઘૂસણખોરી થશે તો સૈન્ય કાર્યવાહી ફરી શરૂ કરવામાં આવશે.

અમેરિકાના અધિકારીઓનું માનવું છે કે આ સમજૂતી માત્ર ત્રણ દેશો વચ્ચેનો રાજકીય કરાર નથી પરંતુ સમગ્ર મધ્ય પૂર્વમાં સ્થિરતા લાવવાનો પ્રયાસ છે. છેલ્લા ઘણા મહિનાઓથી ઈઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે સતત રોકેટ હુમલા, ડ્રોન હુમલા અને સરહદી અથડામણો થઈ રહી છે, જેના કારણે હજારો લોકો પોતાના ઘરો છોડવા મજબૂર બન્યા છે.સંયુક્ત રાષ્ટ્રે પણ આ સમજૂતીનું સ્વાગત કર્યું છે. યુએન અધિકારીઓએ કહ્યું છે કે જો તમામ પક્ષો કરારનું પાલન કરશે તો સરહદ પર હિંસા ઘટાડવામાં સફળતા મળી શકે છે. યુએન શાંતિ સેનાને પણ વધુ સક્રિય ભૂમિકા સોંપવામાં આવશે જેથી બંને દેશો વચ્ચે વિશ્વાસનું વાતાવરણ ઉભું થઈ શકે.

રાજકીય વિશ્લેષકોના મતે, આ સમગ્ર સમજૂતીની સફળતા હવે હિઝબુલ્લાહના વલણ પર નિર્ભર રહેશે. કારણ કે દક્ષિણ લેબનાનમાં સૌથી વધુ સશસ્ત્ર હાજરી હિઝબુલ્લાહની છે. જો સંગઠન કરારનો વિરોધ ચાલુ રાખશે તો લેબનાન સરકાર માટે પણ કરાર અમલમાં મૂકવો મુશ્કેલ બની શકે છે.નિષ્ણાતોનું કહેવું છે કે લેબનાન સરકાર પાસે હિઝબુલ્લાહ પર નિયંત્રણ નથી. સંગઠન પાસે પોતાની સ્વતંત્ર સૈન્ય વ્યવસ્થા, શસ્ત્રો અને રાજકીય પ્રભાવ છે. તેથી અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે થયેલા કરારને જમીન પર અમલમાં મૂકવા માટે માત્ર સરકારની સહમતિ પૂરતી નથી.

મધ્ય પૂર્વના રાજકારણમાં ઈરાનની ભૂમિકા પણ આ સમગ્ર ઘટનાક્રમમાં મહત્વપૂર્ણ માનવામાં આવે છે. હિઝબુલ્લાહને લાંબા સમયથી ઈરાનનું સમર્થન મળતું આવ્યું છે. રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે જો ઈરાન આ સમજૂતીને ખુલ્લું સમર્થન નહીં આપે તો હિઝબુલ્લાહ પોતાના વલણમાં ફેરફાર કરે તેવી શક્યતા ઓછી છે.આ કરાર એવા સમયે થયો છે જ્યારે ગાઝા યુદ્ધ અને ઈઝરાયલ-ઈરાન તણાવને કારણે સમગ્ર મધ્ય પૂર્વ પહેલેથી જ અસ્થિર છે. અમેરિકા ઇચ્છે છે કે એક સાથે અનેક મોરચાઓ પર યુદ્ધની સ્થિતિ સર્જાય નહીં. તેથી લેબનાન સરહદ પર શાંતિ જળવાઈ રહે તે તેના માટે વ્યૂહાત્મક રીતે પણ મહત્વપૂર્ણ છે.

લેબનાનના સામાન્ય નાગરિકો પણ લાંબા સમયથી ચાલી રહેલા તણાવથી કંટાળી ગયા છે. સરહદી વિસ્તારોમાં હજારો લોકો હજુ પણ પોતાના ઘરોમાં પરત ફરી શક્યા નથી. જો કરાર સફળ થશે તો સ્થાનિક લોકો માટે સામાન્ય જીવન ફરી શરૂ થવાની આશા છે.બીજી તરફ સુરક્ષા નિષ્ણાતોનું માનવું છે કે માત્ર રાજકીય કરારથી શાંતિ શક્ય નથી. મહત્વ નું છે કે જ્યાં સુધી હિઝબુલ્લાહ અને ઈઝરાયલ વચ્ચે અવિશ્વાસ યથાવત રહેશે ત્યાં સુધી કોઈપણ સમજૂતી લાંબા સમય સુધી ટકી શકશે નહીં.અમેરિકાએ સ્પષ્ટ કર્યું છે કે જો કોઈપણ પક્ષ કરારનું ઉલ્લંઘન કરશે તો તેના પરિણામો ગંભીર હોઈ શકે છે. સાથે જ અમેરિકાએ સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય આંતરરાષ્ટ્રીય ભાગીદારો સાથે મળીને સમગ્ર પ્રક્રિયા પર સતત નજર રાખવાની પણ જાહેરાત કરી છે.

હાલ સમગ્ર વિશ્વની નજર આ ત્રિપક્ષીય સમજૂતી પર છે. એક તરફ અમેરિકા, ઈઝરાયલ અને લેબનાન તેને મધ્ય પૂર્વમાં શાંતિ તરફનું મહત્વપૂર્ણ પગલું ગણાવી રહ્યા છે, જ્યારે બીજી તરફ હિઝબુલ્લાહના ખુલ્લા વિરોધને કારણે કરારના ભવિષ્ય અંગે અનેક પ્રશ્નો ઉભા થયા છે.જો કે આવનારા દિવસોમાં હિઝબુલ્લાહનું આગળનું વલણ, લેબનાન સરકારની કાર્યવાહી, ઈઝરાયલની સુરક્ષા નીતિ, અમેરિકાના રાજદ્વારી પ્રયાસો નક્કી કરશે કે આ સમજૂતી ખરેખર મધ્ય પૂર્વમાં શાંતિ સ્થાપિત કરી શકશે કે પછી ફરી એકવાર સરહદ પર સંઘર્ષ અને યુદ્ધની આગ ભડકશે.

Most Popular

To Top