World

વેનેઝુએલામાં ભૂકંપ પહેલા જ ગૂગલે મોકલી ચેતવણી! જાણો કેવી રીતે કામ કરે છે આ સિસ્ટમ

વેનેઝુએલામાં આવેલા વિનાશક ભૂકંપ બાદ એક રસપ્રદ બાબત સામે આવી છે. ઘણા લોકોનો દાવો છે કે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાય તે પહેલાં જ તેમના એન્ડ્રોઈડ સ્માર્ટફોનમાં ગૂગલ તરફથી ભૂકંપની ચેતવણી આવી ગઈ હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર અનેક યુઝર્સે આ એલર્ટના સ્ક્રીનશોટ પણ શેર કર્યા છે. જેના કારણે ગૂગલની Android Earthquake Alerts System ફરી એકવાર ચર્ચામાં આવી છે. યુઝર્સના જણાવ્યા અનુસાર, ફોનમાં આવેલા નોટિફિકેશનમાં નજીકના વિસ્તારમાં ભૂકંપની સંભાવના અને તેની તીવ્રતા અંગે માહિતી આપવામાં આવી હતી. કેટલાક લોકોને આ ચેતવણી ભૂકંપ અનુભવાય તે પહેલાં મળી હતી, જેના કારણે તેઓ સુરક્ષિત સ્થળે પહોંચી શક્યા હતા.

ગૂગલની આ સેવા માત્ર વેનેઝુએલા સુધી મર્યાદિત નથી. ભારતમાં પણ 2023થી આ સુવિધા ઉપલબ્ધ છે. જો તમારી પાસે Android 5 અથવા તેનાથી ઉપરનું વર્ઝન ધરાવતો સ્માર્ટફોન છે, તો તમે પણ આ સેવાનો લાભ લઈ શકો છો. જોકે, તેના માટે ફોનમાં ઈન્ટરનેટ કનેક્શન એટલે કે મોબાઇલ ડેટા અથવા Wi-Fi ચાલુ હોવું જરૂરી છે. ઘણા લોકોના મનમાં સવાલ થાય છે કે ગૂગલને ભૂકંપની જાણ પહેલા કેવી રીતે થઈ જાય છે? હકીકતમાં ગૂગલ ભૂકંપની આગાહી કરતું નથી, પરંતુ ભૂકંપની શરૂઆતના તરંગોને ઝડપથી ઓળખીને સેકન્ડો પહેલાં એલર્ટ મોકલે છે. દરેક આધુનિક સ્માર્ટફોનમાં એક્સેલેરોમીટર (Accelerometer) નામનો એક ખાસ સેન્સર હોય છે. સામાન્ય રીતે આ સેન્સર ફોનને ઊભો કે આડો રાખવામાં આવે ત્યારે સ્ક્રીનને આપમેળે ફેરવવાનું કામ કરે છે. પરંતુ આ સેન્સર ભૂકંપ દરમિયાન થતી નાની-નાની ધ્રુજારી પણ ઓળખી શકે છે.

જ્યારે કોઈ વિસ્તારમાં એક સાથે ઘણા એન્ડ્રોઈડ ફોન સમાન પ્રકારના વાઈબ્રેશન નોંધે છે, ત્યારે તે માહિતી ગૂગલના સર્વર સુધી પહોંચે છે. ગૂગલનું સિસ્ટમ આ તમામ માહિતીનું વિશ્લેષણ કરે છે. જો અનેક ફોનમાંથી મળતા ડેટામાં સમાન પ્રકારના ભૂકંપના સંકેતો જોવા મળે, તો સિસ્ટમ તરત જ નજીકના વિસ્તારોમાં રહેલા અન્ય યુઝર્સને એલર્ટ મોકલી દે છે. ગૂગલ સામાન્ય રીતે બે પ્રકારના એલર્ટ મોકલે છે. પ્રથમ “Be Aware Alert”, જે હળવા ભૂકંપ અંગે સાવચેત રહેવાની સૂચના આપે છે. જ્યારે બીજું “Take Action Alert” વધુ તીવ્ર ભૂકંપની સ્થિતિમાં મોકલવામાં આવે છે. આ એલર્ટ મળતા જ લોકોને તરત સુરક્ષિત સ્થળે જવા, મજબૂત ટેબલ નીચે આશરો લેવા અથવા ખુલ્લી જગ્યાએ જવાની સલાહ આપવામાં આવે છે.

ગૂગલનું આ નેટવર્ક વિશ્વભરના 2 અબજથી વધુ એન્ડ્રોઈડ સ્માર્ટફોન પર આધારિત છે. એટલા માટે આ સિસ્ટમ ખૂબ ઝડપથી ભૂકંપના પ્રારંભિક સંકેતો ઓળખી શકે છે અને લાખો લોકોને થોડા સેકન્ડ પહેલાં ચેતવણી આપી શકે છે. ભૂકંપ દરમિયાન ઘણી વખત આ થોડા સેકન્ડ પણ લોકોનો જીવ બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. ભારતમાં પણ આ સેવા સક્રિય છે. જો ફોનમાં લોકેશન, ઈન્ટરનેટ અને જરૂરી સેટિંગ્સ ચાલુ હોય, તો ભૂકંપની સ્થિતિમાં યુઝર્સને સમયસર એલર્ટ મળી શકે છે. જોકે નિષ્ણાતો સ્પષ્ટ કરે છે કે આ ટેક્નોલોજી ભૂકંપની લાંબા સમય પહેલાની આગાહી કરતી નથી. તે માત્ર ભૂકંપની શરૂઆત થયા પછી તેના પ્રારંભિક તરંગોને ઓળખીને આસપાસના વિસ્તારોમાં ઝડપથી ચેતવણી મોકલે છે. ટેક્નોલોજીના વધતા ઉપયોગ વચ્ચે ગૂગલની આ સેવા કુદરતી આફતો દરમિયાન લોકોને સમયસર સાવચેત કરવામાં મહત્વપૂર્ણ સાધન બની રહી છે. ખાસ કરીને ભૂકંપપ્રવણ વિસ્તારોમાં રહેતા લોકો માટે આ એલર્ટ સિસ્ટમ જીવ બચાવવામાં ઉપયોગી સાબિત થઈ શકે છે.

Most Popular

To Top