દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાન બિન મોહમ્મદ બિન રાશિદ અલ મકતુમે શનિવારે (3 ઓક્ટોબર, 2026) હોસ્પિટલમાં ભારતીય પાયલટ સ્મિત મચ્છરની મુલાકાત લીધી, જેઓ ‘ફ્લાયદુબઈ’ (flydubai) ફ્લાઇટના હીરો છે. મુલાકાત દરમિયાન ક્રાઉન પ્રિન્સે પાયલટ સ્મિત મચ્છરને ગળે લગાવ્યા, તેમની સાથે વાતચીત કરી અને તેમની બહાદુરીના ખૂબ વખાણ કર્યા.
તેમણે કહ્યું, “અમને ગર્વ છે કે તેઓ અમારી ટીમનો અને અમારા રાષ્ટ્રની ગાથાનો એક ભાગ છે અને તેઓ સંવેદના, શાંતિ અને જીવનના એ મૂલ્યોનું પ્રતિનિધિત્વ કરે છે જેના માટે સંયુક્ત આરબ અમીરાત (UAE) જાણીતું છે.”
મચ્છર હાલમાં દુબઈની એક હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. ફ્લાઇટ દરમિયાન તેમના કો-પાયલટ દ્વારા તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. ગંભીર ઈજાઓ હોવા છતાં કોકપિટનો દરવાજો ખોલીને 172 મુસાફરો અને ક્રૂ સભ્યોના જીવ બચાવવા બદલ આ પાયલટની વિશ્વભરમાં પ્રશંસા થઈ રહી છે.
પ્રિન્સ દ્વારા પાયલટની પ્રશંસા
ભારતીય પાયલટ સ્મિત મચ્છરને મળ્યા પછી દુબઈના પ્રિન્સે ‘X’ (ટ્વિટર) પર લખ્યું, “અમારા અને રાષ્ટ્રના નેતૃત્વ વતી તેમને અમારી સંપૂર્ણ પ્રશંસા અને સન્માન મળે છે. અમને ગર્વ છે કે તેઓ અમારી ટીમનો, અમારા રાષ્ટ્રની ગાથાનો અને UAE જે મૂલ્યો માટે ઊભું છે એટલે કે સંવેદના, શાંતિ અને જીવનનું રાષ્ટ્ર – તેનો એક ભાગ છે.”
કોકપિટમાં હુમલા બાદ કેપ્ટન સ્મિત મચ્છરની સ્વસ્થ થવાની પ્રક્રિયા
ઓમાનના વતની એવા તેમના સહ-પાયલટે વિમાનના કોકપિટની અંદર કેપ્ટન સ્મિત મચ્છર પર કુહાડી વડે હુમલો કર્યો હતો. ત્યારબાદ થયેલા સંઘર્ષ દરમિયાન વિમાનની ઊંચાઈ ઘટવા લાગી હતી. પોતાની અને મુસાફરોની સુરક્ષા માટે ઝડપથી પગલાં લેવાની જરૂરિયાત સમજીને કેપ્ટન મચ્છરે કોકપિટનો દરવાજો ખોલ્યો અને ગંભીર રીતે ઘાયલ હોવા છતાં ક્રૂ અને મુસાફરોને હુમલા વિશે જાણ કરી હતી અને અનેક લોકોના જીવ બચાવ્યા હતા.