Vadodara

હાથીખાના પાસે ભંગારની વખારમાં શોર્ટ સર્કિટથી આગ, બાજુની ગાદલાની દુકાન પણ લપેટાઈ

ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલાં સ્થાનિકોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો :

ફાયર બ્રિગેડ મોડી પહોંચ્યાનો સ્થાનિકોનો આક્ષેપ :

( પ્રતિનિધિ )વડોદરા,તા.3

વડોદરા શહેરના હાથીખાના પાછળના ભાગે તુલસીવાડી નજીક આવેલી લાકડા-ભંગારની એક વખારમાં શોર્ટ સર્કિટને કારણે અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી ગઈ હતી. લાકડું અને ભંગાર હોવાના કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને તેની બાજુમાં જ આવેલી એક ગાદલાની દુકાનમાં પણ આગ પ્રસરી ગઈ હતી, જેના કારણે ગાદલાની દુકાનમાં પણ ભારે નુકસાન થયું હતું.

હાથીખાના પાછળના ભાગે તુલસીવાડી નજીક આવેલી લાકડા-ભંગારની એક વખારમાં શોર્ટ સર્કિટને કારણે અચાનક આગ લાગી હતી. બનાવની જાણ થતા જ આસપાસના સ્થાનિક લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા. લોકોએ તાત્કાલિક સૂઝબૂઝ દાખવી ફાયર બ્રિગેડની રાહ જોયા વગર જાતે જ પાણીનો મારો ચલાવવાનું શરૂ કર્યું હતું. સ્થાનિકોના અથાગ પ્રયત્નોના કારણે ફાયર બ્રિગેડના જવાનો સ્થળ પર પહોંચે તે પહેલા જ આગ પર મોટા ભાગે કાબુ મેળવી લેવામાં આવ્યો હતો, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. બીજી તરફ આગની ઘટના બાદ સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકોએ ફાયર બ્રિગેડ મોડી પહોંચી હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો. જો સમયસર ફાયર બ્રિગેડ પહોંચી હોત તો નુકસાન ઓછું થાત તેવી લાગણી લોકોએ વ્યક્ત કરી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

Most Popular

To Top