National

જંતર-મંતર પર મહિલા પત્રકારો સાથે કથિત દુર્વ્યવહાર, દિલ્હી પોલીસે ક્રાઈમ બ્રાન્ચને સોંપી તપાસ

દિલ્હીના જંતર-મંતર પર 3 ઓક્ટોબરે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ યોજાયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન ત્રણ મહિલા પત્રકારો સાથે પોલીસકર્મીઓ દ્વારા કથિત જાતીય સતામણી અને દુર્વ્યવહારના ગંભીર આરોપ સામે આવ્યા છે. ફરિયાદો મળ્યા બાદ દિલ્હી પોલીસે આ મામલાની નિષ્પક્ષ તપાસ માટે કેસ ક્રાઈમ બ્રાન્ચને સોંપી દીધો છે. હવે ક્રાઈમ બ્રાન્ચ ફરિયાદ કરનારી મહિલા પત્રકારો સહિત અન્ય સંબંધિત લોકોના નિવેદન નોંધશે. પ્રદર્શન દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે મોટી સંખ્યામાં પોલીસકર્મીઓની તૈનાતી કરવામાં આવી હતી. આ દરમિયાન બનેલી કથિત ઘટનાઓને લઈને નવી દિલ્હી જિલ્લા પોલીસને ફરિયાદો મળી હતી. મામલો ગંભીર હોવાથી જિલ્લા પોલીસે તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવાનો નિર્ણય લીધો છે, જેથી સમગ્ર ઘટનાની નિષ્પક્ષ રીતે તપાસ થઈ શકે.

એક મહિલા પત્રકારે પોતાની આપવીતી જણાવતા આરોપ લગાવ્યો હતો કે તે જંતર-મંતર પર ચાલી રહેલા વિરોધ પ્રદર્શનનું કવરેજ કરી રહી હતી. જ્યારે પોલીસ પ્રદર્શનકારીઓને કસ્ટડીમાં લઈ રહી હતી ત્યારે સ્થળ પર મહિલા પોલીસકર્મીઓની હાજરી અંગે તેણે સવાલ ઉઠાવ્યો હતો. મહિલા પત્રકારના જણાવ્યા અનુસાર, તેણે દિલ્હી પોલીસના ACP વિવેક ભગતને મહિલા પોલીસકર્મીઓની ગેરહાજરી અંગે પૂછ્યું હતું. આ દરમિયાન ACP દ્વારા કથિત રીતે તેની જાતીય સતામણી કરવામાં આવી અને તેને પાછળ ધકેલી દેવામાં આવી. મહિલા પત્રકારનો આરોપ છે કે ઘટનાના બાદ તે અન્ય લોકો સાથે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ અને FIR નોંધાવવા માટે ગઈ હતી, પરંતુ શરૂઆતમાં આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. હવે મળેલી ફરિયાદોના આધારે સમગ્ર ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે.

આ ઘટનાને લઈને પત્રકાર સંગઠનો તરફથી પણ નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. પત્રકારો સાથે પોલીસના કથિત વર્તન સામે સવાલ ઉઠાવવામાં આવ્યા છે અને ફરિયાદ પર ઝડપી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. પત્રકારોને કોઈપણ પ્રકારના ભય કે દબાણ વિના પોતાનું કામ કરવાની તક મળવી જોઈએ અને જાહેર સ્થળોએ ઘટનાઓનું કવરેજ કરતી વખતે તેમની સુરક્ષા સુનિશ્ચિત થવી જોઈએ તેવી માગ કરવામાં આવી છે. જંતર-મંતર અને તેની આસપાસના વિસ્તારમાં પ્રદર્શન દરમિયાન ઇન્ટરનેટ સેવાઓ બંધ કરવામાં આવી હોવાના મુદ્દે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે. પત્રકાર સંગઠનોએ આ પગલા અંગે ચિંતા વ્યક્ત કરી છે અને પોલીસ પાસેથી સમગ્ર મામલે જરૂરી કાર્યવાહી કરવાની માગ કરી છે. હવે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મહિલા પત્રકારોની ફરિયાદો, ઘટનાસ્થળની પરિસ્થિતિ અને તેમાં સામેલ પોલીસકર્મીઓની ભૂમિકા અંગે તપાસ કરવામાં આવશે. તપાસ દરમિયાન ફરિયાદકર્તાઓ તથા અન્ય સંબંધિત લોકોના નિવેદન નોંધવામાં આવશે. તપાસ પૂર્ણ થયા બાદ જ આરોપોમાં કેટલું તથ્ય છે તે સ્પષ્ટ થશે.

Most Popular

To Top