Vadodara

ભીમનાથ બ્રિજ ત્રણ રસ્તા પાસે ટેન્કરે બાઈકને અડફેટે લીધુ, દંપતી ગંભીર રીતે ઘાયલ

નો એન્ટ્રી હોવા છતાં ઘૂસી આવ્યું ટેન્કર, મહિલાના પગ પર વ્હીલ ફરી વળ્યું,રાવપુરા પોલીસે ચાલકની અટકાયત કરી :

( પ્રતિનિધિ )વડોદરા,તા.3

વડોદરા શહેરના જેલરોડ ભીમનાથ બ્રિજ ત્રણ રસ્તા પાસે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવી રહેલા એક ટેન્કરે બાઈક પર સવાર આધેડ દંપતીને અડફેટે લેતા બંને ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માત બાદ સ્થળ પર લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ, સૈયદ વાસણા રોડ દેવનગરમાં રહેતા માનાભાઈ બારીયા તેમના પત્ની ચંચળબેનને લઈ બાઈક પર સયાજી હોસ્પિટલ આવી રહ્યા હતા. માનાભાઈની સયાજી હોસ્પિટલમાં લીવરની સારવાર ચાલી રહી છે અને તેઓ નિયમિત સારવાર માટે આવતા હતા. દરમિયાન ભીમનાથ બ્રિજ ત્રણ રસ્તા પાસે પાછળથી આવી રહેલા ટેન્કરે તેમની બાઈકને અડફેટે લીધી હતી. અકસ્માતમાં ચંચળબેનના જમણા પગ ઉપર ટેન્કરનું આગળનું વ્હીલ ફરી વળ્યું હતું, જેના કારણે તેમના પગના ફુરચા થઈ ગયા હતા અને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બંને ઘાયલ દંપતીને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, સવારે 9 વાગ્યા પછી શહેરમાં ભારે વાહનો માટે નો એન્ટ્રી હોય છે, છતાં આ ટેન્કર શહેરમાં ઘૂસી આવ્યું હતું અને અકસ્માત સર્જ્યો હતો. ઘટનાની જાણ થતા જ રાવપુરા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ટેન્કર ચાલકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top