સુરતના ચોક બજાર વિસ્તારમાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં ડેન્ગ્યુની સારવાર લઈ રહેલા 11 વર્ષના બાળકનું કરુણ મોત થતાં પરિવારજનોમાં ભારે આક્રોશ ફેલાયો છે. મૃતક બાળક મોહમ્મદ ઝેડ ઝહીર ડેન્ગ્યુની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ હતો. રાત્રિના સમયે તેની તબિયત અચાનક લથડ્યા બાદ તેને ઈન્જેક્શન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ બાળકની સ્થિતિ વધુ ગંભીર બની ગઈ હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. બીજી તરફ હોસ્પિટલના તબીબે બેદરકારીના આરોપોને નકારી કાઢ્યા છે. પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે અને પીએમ રિપોર્ટ બાદ મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે.
પરિવારજનોના જણાવ્યા પ્રમાણે, મોડી રાત્રે બાળકની તબિયત અચાનક બગડતાં હોસ્પિટલના નર્સિંગ સ્ટાફને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ બાળકને ઈન્જેક્શન આપવામાં આવ્યું હતું. ઈન્જેક્શન આપ્યા બાદ તેને થોડા જ સમયમાં ચારથી પાંચ વખત ઝાડા થયા હતા અને ત્યારબાદ તે અચાનક બેભાન થઈ ગયો હતો. બાળકની સ્થિતિ ગંભીર બનતાં પરિવારજનોને તેને વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલમાં લઈ જવાની સલાહ આપવામાં આવી હતી.
પરિવારજનો બાળકને અન્ય હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાં ફરજ પરના તબીબોએ બાળકની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાને પગલે પરિવારજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. તેમણે સારવાર દરમિયાન હોસ્પિટલના તબીબો અને નર્સિંગ સ્ટાફની ગંભીર બેદરકારીના કારણે બાળકનું મોત થયું હોવાનો આક્ષેપ કર્યો છે.
જોકે હોસ્પિટલ તરફથી આ આરોપોને નકારવામાં આવ્યા છે. તબીબના જણાવ્યા મુજબ બાળકને 30 સપ્ટેમ્બર 2026ના રોજ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન તેની સ્થિતિમાં સુધારો પણ જોવા મળ્યો હતો. જોકે રાત્રે આશરે 2 વાગ્યાના સમયે બાળકને પેટમાં ભારે દુખાવાની ફરિયાદ થઈ હતી.
આ ફરિયાદ બાદ નર્સ દ્વારા તેને સિરપ આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ ‘Buscopan’ ઈન્જેક્શન આપવામાં આવ્યું હતું. તબીબના જણાવ્યા મુજબ આશરે અડધા કલાક બાદ બાળકને ઝાડા થયા હતા અને તે બેભાન થઈ ગયો હતો. તેની સ્થિતિ ગંભીર બનતાં તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો અને CPR સહિતની સારવાર આપવામાં આવી હતી. જોકે તમામ પ્રયાસો છતાં બાળકને બચાવી શકાયો નહોતો.
ઘટનાની જાણ થતાં અઠવાલાઇન્સ પોલીસે મૃતદેહનો કબજો મેળવી તેને નવી સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. હાલમાં બાળકના મોત પાછળનું ચોક્કસ કારણ શું હતું તે સ્પષ્ટ નથી. પરિવાર દ્વારા લગાવવામાં આવેલા બેદરકારીના આરોપો તેમજ હોસ્પિટલ તરફથી આપવામાં આવેલી સ્પષ્ટતા બંને વચ્ચે હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટ મહત્વનો રહેશે. પીએમ રિપોર્ટ અને પોલીસ તપાસ બાદ જ બાળકના મોતનું સાચું કારણ અને સારવાર દરમિયાન કોઈ બેદરકારી થઈ હતી કે નહીં તે અંગે વધુ સ્પષ્ટતા થઈ શકશે.