એક ગામમાં બે ભાઈઓ વચ્ચે વર્ષોથી ઝઘડો હતો.બે સગા ભાઈઓ પણ બાપે માર્યા વેર હોય તેમ ઝઘડતા.એકમેકનું મોઢું જુએ અને તરત ઝઘડવા લાગે, કોઈ કારણ હોય કે ન હોય.એક દિવસ બે વેરી ભાઈ વચ્ચે રોજ કરતાં વધુ મોટો ઝઘડો થયો અને મોટો ભાઈ ગુસ્સામાં ગામના સુથારને બોલાવી લાવ્યો અને કહ્યું, ‘‘આ મારું ઘર અને બાજુમાં નાનકાનું ઘર છે અને પેલું મારું ખેતર અને બાજુમાં નાનકાનું ખેતર છે. આ બે ઘર વચ્ચે ઊંચો તોતિંગ દરવાજો બનાવ જે કયારેય ના ખુલે અને બે ખેતર વચ્ચે પણ મોટી ઊંચી દીવાલ બનાવ કે મારે ક્યાંય તેનું મોઢું જોવું ન પડે કારણ તેનું મોઢું જોતાં જ મને ગુસ્સો આવે છે.’’ આટલું કહી મોટો ભાઈ ગુસ્સામાં પગ પછાડતો બહાર જતો રહ્યો.સુથાર કામે લાગ્યો, સામાન લાવ્યો ,માણસો લાવ્યો અને તેણે આખો દિવસ કામ કર્યું.મોડી સાંજે મોટો ભાઈ બહારથી ઘરે આવ્યો તો બે ઘર વચ્ચે તોતિંગ દરવાજાના સ્થાને બે ઘરને જોડતો સરસ ઝરુખો હતો અને દેરાણી જેઠાણી ઝરૂખામાં બેસી હસી રહી હતી અને ખેતરમાં પણ ઊંચી દીવાલને બદલે ત્યાં બે ખેતરમાં વચ્ચે વહેતી નાની નહેરની ઉપર ઝૂલતો એક સુંદર લાકડાનો પુલ હતો અને નાનો ભાઈ સામે ઊભો હતો.
નાના ભાઈની આંખોમાં આંસુ હતાં. તેણે દોડીને આવીને ભાઈને ભેટતા કહ્યું, ‘‘ભાઈ, મેં ક્યારેય વિચાર્યું નહોતું કે તમે દુશ્મનાવટ દૂર કરવા આવું સુંદર પગલું લેશો. આ ઝૂલતો ઝરૂખો અને આ પુલ હવે આપના પ્રેમની મિસાલ બનશે. હું ક્યારેય ઝઘડા નહિ કરું. મને માફ કરો.’’ મોટા ભાઈએ પણ બધું ભૂલીને તેને ગળે લગાવી લીધો.સુથાર પોતાનું કામ પૂરું કરીને બધો સામાન લઈને ચાલવા લાગ્યો ત્યારે બંને ભાઈઓએ કહ્યું, ‘‘થોભો, અમારે તમારા માટે બીજાં ઘણાં કામ છે.’’ સુથારે હસીને કહ્યું, ‘‘ હમણાં મને સમય નથી. મારે હજી ઘણા પુલ અને ઝરૂખા બનાવવા છે.’’ આટલું કહીને સુથાર ચાલવા લાગ્યો. દીવાલો બનાવવી સરળ છે.પુલ બનાવવા ઉદાર દિલ, ઉમદા વિચાર જોઈએ. ગુસ્સામાં આપણે સંબંધ તોડી શકીએ છીએ, પરંતુ એક નાનો પ્રયાસ વર્ષોની દૂરી ઓછી કરી શકે છે.