ટીમ ઈન્ડિયાના અનુભવી લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. ચહલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોતાના રેડ બોલ ક્રિકેટના 17 વર્ષના સફરને પૂર્ણ કરવાની જાહેરાત કરી હતી. તેમનો નિર્ણય તાત્કાલિક અસરથી લાગુ થયો છે. જોકે, ચહલે સ્પષ્ટ કર્યું છે કે તેઓ વનડે અને T20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ રહ્યા નથી. દેશ માટે ફરીથી રમવાની તેમની ઇચ્છા હજુ પણ જીવંત છે અને ભારતીય ટીમમાં વાપસી માટે તેઓ પ્રયાસ કરતા રહેશે. ચહલે પોતાની ફર્સ્ટ ક્લાસ કારકિર્દીમાં 49 મેચ રમી અને 148 વિકેટ ઝડપી. તેમની બોલિંગ એવરેજ 32.27 રહી હતી. આ દરમિયાન તેમણે છ વખત એક ઇનિંગ્સમાં પાંચ કે તેથી વધુ વિકેટ અને આઠ વખત ચાર વિકેટ લેવાની સિદ્ધિ મેળવી હતી. તેમની એક ઇનિંગ્સની શ્રેષ્ઠ બોલિંગ 44 રનમાં 6 વિકેટ અને એક મેચમાં શ્રેષ્ઠ પ્રદર્શન 99 રનમાં 9 વિકેટ રહ્યું હતું.
ચહલે 2009માં હરિયાણા તરફથી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. રેડ બોલ ક્રિકેટમાં તેમની છેલ્લી મેચ ઇંગ્લેન્ડમાં નોર્થમ્પટનશાયર તરફથી લોર્ડ્સમાં મિડલસેક્સ સામે રમાઈ હતી. 2026ની કાઉન્ટી ચેમ્પિયનશિપમાં તેમણે નોર્થમ્પટનશાયર માટે પાંચ મેચમાં 21 વિકેટ ઝડપી હતી. તેમની છેલ્લી મેચમાં તેઓ 9.3 ઓવર બોલિંગ કરીને 34 રન આપ્યા હતા. ચહલ માટે ટેસ્ટ ક્રિકેટ રમવાનું સપનું હંમેશાં ખાસ રહ્યું હતું. જોકે, ભારતીય ટીમ તરફથી તેમને ક્યારેય ટેસ્ટ રમવાની તક મળી નહોતી. નિવૃત્તિની જાહેરાત કરતી વખતે તેમણે જણાવ્યું હતું કે ટેસ્ટ કેપ પહેરવાનું સપનું લાંબા સમયથી તેમની સાથે રહ્યું હતું, પરંતુ તે પૂરું થઈ શક્યું નહીં. તેમ છતાં, રેડ બોલ ક્રિકેટમાં મળેલી તક અને અનુભવથી તેઓ સંતુષ્ટ છે.
ચહલે પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું કે જ્યારે તેમણે પહેલી વખત રેડ બોલ હાથમાં પકડ્યો ત્યારે તેઓ માત્ર 10 વર્ષના હતા. ત્યારે તેમને અંદાજ નહોતો કે ક્રિકેટ સાથે તેમનો સંબંધ આટલો ગાઢ બનશે. તેમના માટે રેડ બોલ ક્રિકેટ માત્ર એક ફોર્મેટ નહોતું. આ ક્રિકેટમાંથી તેમણે ધીરજ, સંઘર્ષ, પાત્ર અને લાંબા સમય સુધી મેદાનમાં રહીને દરેક રન તથા વિકેટ માટે લડવાનું શીખ્યું. લોર્ડ્સમાં રમાયેલી પોતાની અંતિમ ફર્સ્ટ ક્લાસ મેચને યાદ કરતાં ચહલે કહ્યું કે આ સફરને અલવિદા કહેવું તેમના માટે ભાવુક ક્ષણ છે. તેમણે રેડ બોલ ક્રિકેટને પોતાની કેટલીક સૌથી સુંદર યાદો આપનાર ફોર્મેટ ગણાવ્યું અને કહ્યું કે આ યાદોને કોઈ તેમની પાસેથી છીનવી શકે નહીં.
ચહલે સાથે જ પોતાની આગળની ક્રિકેટ કારકિર્દી અંગે પણ સ્પષ્ટ સંદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે તેઓ હજુ ક્રિકેટથી દૂર થવા માંગતા નથી. દેશ માટે રમવાની ભૂખ હજુ પણ જીવંત છે અને તેમને વિશ્વાસ છે કે તેમની અંદર હજુ ક્રિકેટ બાકી છે. હવે તેઓ વનડે અને T20 ફોર્મેટમાં ભારતીય ટીમમાં ફરી તક મેળવવા માટે પોતાની તરફથી સંપૂર્ણ પ્રયાસ કરશે. ચહલે હરિયાણા ક્રિકેટ એસોસિયેશનનો પણ ખાસ આભાર માન્યો છે. પોતાની કારકિર્દી દરમિયાન સતત સાથ આપવા, વિશ્વાસ મૂકવા અને પ્રોત્સાહન આપવા બદલ તેમણે રણબીર સિંહ મહિન્દ્રા અને અનિરુદ્ધ સિંહ ચૌધરીનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. 10 વર્ષની ઉંમરે પહેલીવાર રેડ બોલ હાથમાં પકડવાથી લઈને લોર્ડ્સમાં પોતાની અંતિમ ફર્સ્ટ ક્લાસ મેચ રમવા સુધીની સફરને તેમણે યાદગાર ગણાવી હતી.
ચહલે 23 સપ્ટેમ્બરે લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આ પોસ્ટના કેપ્શનમાં તેમણે માત્ર ‘The Last Dance’ લખ્યું હતું. તે સમયે આ શબ્દોનો અર્થ સ્પષ્ટ નહોતો, પરંતુ સોશિયલ મીડિયા પર તેમની પોસ્ટને નિવૃત્તિ સાથે જોડીને ચર્ચા શરૂ થઈ હતી. હવે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી તેમની નિવૃત્તિ બાદ તે પોસ્ટનો અર્થ પણ સ્પષ્ટ થઈ ગયો છે. ભારતીય ટીમમાં ચહલની વાપસી લાંબા સમયથી થઈ નથી. તેમણે ભારત માટે છેલ્લી વનડે મેચ 24 જાન્યુઆરી, 2023ના રોજ ન્યૂઝીલેન્ડ સામે રમી હતી, જ્યારે છેલ્લી T20 આંતરરાષ્ટ્રીય મેચ 13 ઓગસ્ટ, 2023ના રોજ વેસ્ટ ઈન્ડિઝ સામે રમી હતી. જોકે, તેમણે હવે સ્પષ્ટ કરી દીધું છે કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ છોડવાનો તેમનો નિર્ણય નથી. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટને અલવિદા કહીને હવે તેમનું સંપૂર્ણ ધ્યાન વ્હાઇટ-બોલ ક્રિકેટમાં પોતાની જગ્યા ફરી મેળવવા પર રહેશે.