રૂ. 2000થી વધુના વ્યવહાર પર 0.4% MDR અને GST સામે હાથીખાના સહિતના મંડળોનો વિરોધ
દેશ સ્તરે AIMRA અને AICPDF એ નાણામંત્રી નિર્મલા સીતારમણ સાથેની બેઠક બાદ પોતાનો વિરોધ પાછો ખેંચ્યો છે

( પ્રતિનિધિ )વડોદરા,તા.1
કેન્દ્ર સરકાર દ્વારા 15 ઓક્ટોબરથી રૂ. 2000થી વધુના UPI વેપારી વ્યવહાર પર 0.4% MDR અને તેના પર 18% GST વસૂલવાના પ્રસ્તાવ સામે વડોદરાના વેપારીઓએ NO UPI DAY નું આંદોલન યથાવત રાખ્યું છે.
વડોદરા વેપાર વિકાસ એસોસિએશન, મધ્ય ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને બરોડા ગ્રેઈન મરચન્ટ એસોસિએશન હાથીખાના દ્વારા સંયુક્ત રીતે 2 ઓક્ટોબરે કોઈપણ વેપારી, કંપની કે લારી-ગલ્લા વાળાએ UPI થી પેમેન્ટ ન લેવું તેવું એલાન આપવામાં આવ્યું છે. વિરોધના ભાગરૂપે વેપારીઓ પોતાના UPI QR કોડ, સાઉન્ડ બોક્સ અને સ્કેનરને કાળા કપડાથી ઢાંકી દેશે. આ અંગે વેપારીઓ એકત્ર થશે. આ કોઈ બળજબરી નથી પરંતુ વેપારીઓના ભવિષ્ય માટે ફરજ સમજીને એક દિવસ UPI નહીં સ્વીકારવાનો નિર્ણય છે, તેમ આયોજકોએ જણાવ્યું છે. વેપારીઓના જણાવ્યા મુજબ 15 ઓક્ટોબર પછી રૂ. 2000થી વધુ રકમ લેનાર વેપારી/કંપની પાસેથી 0.40% ચાર્જ અને તેના પર 18% GST અલગથી વસૂલાશે, જેની મહત્તમ રકમ રૂ. 300 છે. આ ચાર્જ નાના વેપારીઓ પર ભારણ વધારશે. ઉલ્લેખનીય છે કે દેશ સ્તરે AIMRA અને AICPDF એ નાણામંત્રી નિર્મલા સીતારમણ સાથેની બેઠક બાદ પોતાનો વિરોધ પાછો ખેંચ્યો છે, પરંતુ વડોદરાના વેપારી સંગઠનોએ સ્થાનિક સ્તરે આંદોલન ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. વેપારી આગેવાનો પરેશ પરીખ, રમેશ પટેલ અને નિમેષ મહેતા સહિતના હોદ્દેદારોએ તમામ વેપારીઓને આ જાગૃતતા અભિયાનમાં જોડાવા અપીલ કરી છે.
બે જૂથની અલગ વિચારધારા છતાં ઉદ્દેશ એક જ – MDR રદ કરવો
UPI પર 0.4% MDRના વિરોધમાં વડોદરામાં 2 ઓક્ટોબરે ‘NO UPI DAY’નું આંદોલન યથાવત રહેશે. હાલ સેન્ટ્રલ લેવલ પર બે અલગ અલગ મંતવ્યો છે. એક ગ્રુપ સરકાર સાથે વાતચીત કરીને આ MDR ઇશ્યૂ દૂર કરવા માંગે છે, જ્યારે બીજું ગ્રુપ 2જી તારીખે NO UPI DAY ચાલુ રાખવા માંગે છે. બંને ગ્રુપના ઉદ્દેશ એક જ છે, વિચારધારા અલગ છે. આપણે જે નક્કી કર્યું છે તે જ થશે. વધુ ચર્ચા અસ્થાને છે, તેમ તેમણે સ્પષ્ટતા કરી હતી. કેન્દ્ર સરકાર દ્વારા 15 ઓક્ટોબરથી રૂ. 2000થી વધુના UPI વ્યવહાર પર 0.4% ચાર્જ વસૂલવાના પ્રસ્તાવ સામે વડોદરા વેપાર વિકાસ એસોસિએશન, મધ્ય ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને બરોડા ગ્રેઈન મરચન્ટ એસોસિએશન હાથીખાના દ્વારા 2 ઓક્ટોબરે કોઈપણ વેપારીએ UPI પેમેન્ટ ન લેવાનું એલાન આપ્યું છે. આ અંતર્ગત 2 ઓક્ટોબરના રોજ સવારે 11.30 કલાકે રાવપુરા BJC ફૂટવેર, મહાજનની ગલીના નાકે વેપારીઓ એકત્ર થઈ UPI QR કોડ, સાઉન્ડ બોક્સને કાળા કપડાથી ઢાંકી વિરોધ નોંધાવશે. : પરેશભાઈ પરીખ,વેપાર વિકાસ એસોસિએશન, વડોદરા
હાથીખાના અનાજ માર્કેટનો NO UPI DAY : 2 ઓક્ટોબરે પારદર્શક ડિજિટલ પેમેન્ટ માટે હાકલ
વડોદરાના હાથીખાના સ્થિત ધી બરોડા ગ્રેઈન મરચન્ટ્સ એસોસિએશન દ્વારા વેપારી સમુદાય માટે મહત્વપૂર્ણ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. તા. 2 ઓક્ટોબર 2026ના રોજ NO UPI DAY મનાવવાનું એલાન આપવામાં આવ્યું છે. એસોસિએશન દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્રમાં જણાવ્યા મુજબ, આ વિરોધ કોઈ ચાર્જ સામે નથી પરંતુ પારદર્શક અને સસ્તા ડિજિટલ પેમેન્ટ માટેની હાકલ છે. પરિપત્રમાં મુખ્ય 3 મુદ્દા જેમાં હાલ બેંક એકાઉન્ટથી થતા UPI વેપારી વ્યવહારો પર ઝીરો MDR છે, જેમાં રૂ. 2000થી વધુના વ્યવહારોનો પણ સમાવેશ થાય છે. ભવિષ્યમાં કોઈપણ MDR પ્રસ્તાવ આવે તો તે અંગે સ્પષ્ટતા આપવામાં આવે અને નાના વેપારીઓ પર તેની શું અસર થશે તે જણાવવામાં આવે. જે વેપારીઓ આ અભિયાનમાં જોડાવા માંગે છે તેઓ આ દિવસે ધંધાકીય વ્યવહારો માટે રોકડ અથવા ચેકનો ઉપયોગ કરી શકે છે. એસોસિએશને તમામ વેપારી મંડળો, દુકાનદારો અને ગ્રાહકોને આ સંદેશ શેર કરવા અપીલ કરી છે. પરિપત્રના અંતે One Nation, One Trading Community, One Voice’ નો નારો આપવામાં આવ્યો છે.