એક નાનકડા ગામમાં, એક વૃદ્ધ કુંભાર ગોવિંદ રહેતો હતો. ગામમાં એની માટીકામની કલા માટે બહુ નામના હતી. લોકો કહેતા કે ગોવિંદના હાથમાં જાદુ છે. એ જે વાસણ બનાવે, એમાં એક અલગ જ સુંદરતા હોય. એક ૨૦ વર્ષનો યુવાન અર્જુન વૃદ્ધ કુંભાર ગોવિંદ પાસે આ કામ શીખવા આવ્યો. તે ખૂબ મહેનતુ હતો. શરૂઆતના મહિનાઓમાં એણે ચાકડો ફેરવવાનું, માટી ગૂંદવાનું શીખ્યું. થોડા સમય પછી એ સરસ મજાના કૂંજા, દીવા અને વાસણો બનાવવા લાગ્યો. ગામલોકો પણ એની પ્રશંસા કરવા લાગ્યા. પણ વૃદ્ધ ગોવિંદનું વર્તન વિચિત્ર હતું. અર્જુન જે પણ વાસણ બનાવે, ગોવિંદ એને ધ્યાનથી જુએ, હાથમાં ફેરવે અને પછી કંઈ બોલ્યા વિના ચૂપચાપ એને જમીન પર પટકીને તોડી નાખે.
શરૂઆતમાં અર્જુને વિચાર્યું કે કદાચ વાસણોમાં ખરેખર કોઈ ખામી હશે. તેણે વધુ મહેનત અને ચીવટથી કામ કરવાનું ચાલુ રાખ્યું છતાં દરેક વાસણ, ભલે ગમે તેટલું સુંદર હોય, વૃદ્ધ કુંભાર તેને તોડી જ નાખતા અને કંઈ ન કહેતા. ઘણા મહિનાઓ સુધી પોતાની બધી મહેનત ટુકડા ટુકડા થતી જોઇને અર્જુનની ધીરજ ખૂટવા લાગી. એણે અઠવાડિયાની મહેનતથી એક અતિ સુંદર ફૂલદાની બનાવી. ગોવિંદે એને પણ તોડી નાખી,ત્યારે અર્જુનનો ગુસ્સો ફાટી નીકળ્યો.એ ચીસ પાડી ઊઠ્યો, ‘ગુરુજી! મારાં બનાવેલાં વાસણ તમે દર વખતે તોડી નાખો છો! શું તમને મારી મહેનતની કોઈ કિંમત નથી? શું તમે ફક્ત મને હેરાન કરવા માંગો છો?”
ગોવિંદ કુંભારે હળવું સ્મિત કરીને કહ્યું, ‘ તારાં બનાવેલાં વાસણોમાં કોઈ તકનીકી ખામી નહોતી. તારા હાથ હવે નિપુણ થઈ ગયા છે. પણ હું વાસણ નહોતો તોડતો, અર્જુન, હું તારી અંદરની એક વસ્તુ તોડી રહ્યો હતો, જેને ‘સંતોષ’ કહે છે. જે દિવસે તું કોઈ વાસણ બનાવીને કહીશ, ‘બસ, આ સંપૂર્ણ છે, હવે મારે વધુ શીખવાની જરૂર નથી’ એ જ દિવસે તારી કલાની પ્રગતિ અટકી જશે.’
અર્જુન ચૂપ થઈ ગયો. ગોવિંદે આગળ કહ્યું, ‘જો હું તારાં વાસણો રાખવા દેત, તેના વખાણ કરત તો તું એને વેચીને, વખાણ સાંભળીને, ત્યાં જ અટકી જાત. તું ‘સારો’ કુંભાર બની જાત. પણ મારે તને ‘મહાન’ કુંભાર બનાવવો છે અને મહાનતા તરફનો રસ્તો ક્યારેય ‘હું પહોંચી ગયો’ કહેવાથી નથી મળતો — એ રસ્તો સતત ‘હજુ થોડું બાકી છે’ કહેવાથી મળે છે.’એ દિવસ પછી અર્જુનનો દૃષ્ટિકોણ સંપૂર્ણપણે બદલાઈ ગયો. એણે વાસણોને પોતાની ઓળખ સાથે જોડવાનું બંધ કર્યું અને દરેક નવા પ્રયત્નને એક નવી શરૂઆત તરીકે જોવા લાગ્યો. વર્ષો પછી, અર્જુન પોતે એક પ્રખ્યાત કુંભાર બન્યો અને જ્યારે એના શિષ્યો પૂછતા કે સફળતાનું રહસ્ય શું છે, ત્યારે એ હંમેશાં કહેતો: ‘તમારા શ્રેષ્ઠ કામને પણ ક્યારેય અંતિમ ન સમજો.’