India

સંભલ હિંસા કેસમાં સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, ઉત્તર પ્રદેશ સરકાર પર ₹10 લાખનો દંડ

મુલ્લા અફરોઝની NSA હેઠળની અટકાયત રદ; પોલીસ કસ્ટડીમાં કથિત કબૂલાતના આધારે પ્રિવેન્ટિવ ડિટેન્શનનો આદેશ યોગ્ય ન હોવાનું સુપ્રીમ કોર્ટે કહ્યું

ઉત્તર પ્રદેશના સંભલમાં નવેમ્બર 2024માં થયેલી હિંસા સાથે જોડાયેલા કેસમાં સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. સુપ્રીમ કોર્ટે મુલ્લા અફરોઝની નેશનલ સિક્યુરિટી એક્ટ (NSA), 1980 હેઠળ કરવામાં આવેલી પ્રિવેન્ટિવ ડિટેન્શન એટલે કે નિવારક અટકાયત રદ કરી છે. સાથે જ ઉત્તર પ્રદેશ સરકાર પર ₹10 લાખનો ખર્ચ/દંડ પણ લાદ્યો છે. જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ શીલ નાગુની બેન્ચે આ નિર્ણય આપ્યો હતો. કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના અગાઉના નિર્ણયને પણ રદ કર્યો છે, જેમાં અફરોઝની અટકાયતને યથાવત રાખવામાં આવી હતી.


મુલ્લા અફરોઝ પર 2024માં સંભલમાં થયેલી હિંસામાં મુખ્ય ભૂમિકા ભજવવાનો આરોપ છે. આ હિંસા શાહી જામા મસ્જિદના કોર્ટના આદેશથી કરવામાં આવેલા સર્વે બાદ થઈ હતી. આ ઘટનામાં ચાર લોકોના મોત થયા હતા. અફરોઝની ધરપકડ ઘટનાના આશરે 54 દિવસ બાદ કરવામાં આવી હતી અને તેના વિરુદ્ધ પોલીસ કસ્ટડી દરમિયાન કરવામાં આવી હોવાનો દાવો કરાયેલી કબૂલાતના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. બાદમાં તેને અલ્હાબાદ હાઈકોર્ટમાંથી જામીન મળ્યા હતા, પરંતુ 13 ઓક્ટોબર 2025ના રોજ તેના વિરુદ્ધ NSA હેઠળ અટકાયતનો આદેશ કરવામાં આવ્યો હતો.


આ અટકાયતને અફરોઝે હાઈકોર્ટમાં પડકારી હતી, પરંતુ હાઈકોર્ટે સરકારનો આદેશ યથાવત રાખ્યો હતો. ત્યારબાદ તેણે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. સુપ્રીમ કોર્ટમાં અફરોઝ તરફથી દલીલ કરવામાં આવી હતી કે પોલીસ કસ્ટડીમાં કરવામાં આવેલી કથિત કબૂલાત કાયદાકીય રીતે વિશ્વસનીય આધાર બની શકતી નથી. વધુમાં માત્ર અનેક ફોજદારી કેસો હોવાના આધારે કોઈ વ્યક્તિને પ્રિવેન્ટિવ ડિટેન્શનમાં રાખી શકાય નહીં અને તેના માટે પૂરતું તથા વિશ્વસનીય સામગ્રીના આધારે યોગ્ય ‘સબજેક્ટિવ સેટિસ્ફેક્શન’ જરૂરી છે.


સુપ્રીમ કોર્ટની બેન્ચે અગાઉ 8 સપ્ટેમ્બરે આ મામલે નિર્ણય અનામત રાખ્યો હતો. તે સમયે કોર્ટે સરકારને સવાલ કર્યો હતો કે પોલીસ કસ્ટડીમાં આપવામાં આવેલી કથિત કબૂલાતના આધારે NSA હેઠળ નિવારક અટકાયતનો આદેશ કેવી રીતે યોગ્ય ઠરી શકે? કોર્ટે આ કબૂલાતની પ્રાસંગિકતા અને કાનૂની કિંમત અંગે પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા.ઉત્તર પ્રદેશ સરકાર તરફથી દલીલ કરવામાં આવી હતી કે ઉપલબ્ધ સામગ્રી પરથી અફરોઝ ફરી હિંસા કરી શકે અથવા જાહેર વ્યવસ્થાને અસર કરી શકે તેવી શક્યતા હતી, તેથી પ્રિવેન્ટિવ ડિટેન્શન જરૂરી હતી. જોકે, સુપ્રીમ કોર્ટે પોલીસ કસ્ટડીમાં થયેલી કથિત કબૂલાતને આવા નિવારક અટકાયતના આદેશનો આધાર બનાવવાના મુદ્દે સરકારની કાર્યવાહી સ્વીકારી નથી. કોર્ટે આખરે અટકાયત રદ કરીને રાજ્ય સરકાર પર ₹10 લાખનો ખર્ચ લાદ્યો છે.

Most Popular

To Top