શાહી મસ્જિદના હિસ્સા પર પણ કાર્યવાહી
14 ધાર્મિક સ્થળોમાંથી 12 હટાવાયા, 323 મકાનો પણ કાર્યવાહી હેઠળ; વહીવટીતંત્રે કહ્યું,રસ્તો પહોળો કરવાનો નિર્ણય
સિંહસ્થ દરમિયાન ભીડ અને ટ્રાફિક વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને
મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં વર્ષ 2028માં યોજાનારા સિંહસ્થ મહાકુંભની તૈયારીઓ અંતર્ગત રસ્તાઓના વિસ્તરણનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. આ રોડ વાઇડનિંગ પ્રોજેક્ટમાં રસ્તાની હદમાં આવતા મકાનોની સાથે ધાર્મિક સ્થળોને પણ હટાવવામાં આવી રહ્યા છે. મીડિયા ના અહેવાલ મુજબ, કંટાલ ચોરાહાથી ગોપાલ મંદિર સુધીના આશરે દોઢ કિલોમીટર વિસ્તારમાં રસ્તાને 15 મીટર પહોળો બનાવવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીની હદમાં કુલ 323 મકાનો આવ્યા છે, જેને હટાવવામાં આવ્યા છે.
આ કાર્યવાહી દરમિયાન કેટલાક પ્રાચીન મંદિરોને તોડી પાડવાને બદલે તેમની રચનાને સુરક્ષિત રાખીને લગભગ 9-9 ફૂટ પાછળ ખસેડવામાં આવ્યા છે. તેમાં સંકટમોચન હનુમાન મંદિર, શિવ મંદિર અને ગણેશ મંદિરનો સમાવેશ થાય છે.મંદિરના પૂજારીઓના જણાવ્યા પ્રમાણે, વહીવટીતંત્રની વિનંતી બાદ પરસ્પર સંમતિ અને સ્વેચ્છાથી મંદિરોને પાછળ ખસેડવામાં સહયોગ આપવામાં આવ્યો હતો. અહેવાલ મુજબ, આ માર્ગ પર કુલ 14 ધાર્મિક સ્થળો અસરગ્રસ્ત હતા, જેમાંથી 12ને અત્યાર સુધીમાં હટાવવામાં આવ્યા છે.
હવે આ માર્ગ પર ખડે હનુમાન મંદિર અને શાહી મસ્જિદનો અસરગ્રસ્ત ભાગ મુખ્ય મુદ્દા તરીકે બાકી રહ્યા છે. શાહી મસ્જિદના સમગ્ર બાંધકામને નહીં, પરંતુ રસ્તાના નિર્ધારિત 15 મીટરના અલાઇનમેન્ટમાં આવતો ભાગ દૂર કરવાની કાર્યવાહી ચાલી રહી છે. અગાઉ મધ્ય પ્રદેશ હાઈકોર્ટે આ કાર્યવાહી સામે દાખલ અરજીઓ ફગાવી હતી. કોર્ટ સમક્ષ વહીવટીતંત્રે રસ્તા પર અન્ય ધાર્મિક સ્થળોના અસરગ્રસ્ત ભાગો દૂર કરાયા હોવાનો ઉલ્લેખ કર્યો હતો.
શાહી મસ્જિદના અસરગ્રસ્ત ભાગમાં નમાજ માટેની જગ્યા, આશરે 120 ફૂટ ઊંચી મિનાર અને મઝહર ચોક શાહીનો ભાગ સામેલ હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. હાલ મુસ્લિમ સમાજના કેટલાક લોકોની સંમતિ બાદ મસ્જિદનો અસરગ્રસ્ત ભાગ દૂર કરવાની કામગીરીમાં સહયોગ આપવામાં આવી રહ્યો છે. મસ્જિદ આસપાસ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે અને ઘોડેસવાર પોલીસ દળ દ્વારા પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે.
ઉજ્જૈનના કલેક્ટર રોશન સિંહે લોકોને અફવાઓથી દૂર રહેવાની અપીલ કરી છે અને પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનું જણાવ્યું છે. સિંહસ્થ-2028 દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓના આગમનને ધ્યાનમાં રાખીને ટ્રાફિક વ્યવસ્થા અને રસ્તાઓને પહોળા કરવાની કામગીરી આગળ વધારવામાં આવી રહી છે.