World

Essar ગ્રુપ અને ટ્રમ્પની મોટી ડીલ

અમેરિકામાં બનશે સૌથી મોટો સ્ટીલ પ્લાન્ટ, ₹15 અબજ ડોલરનું રોકાણ

ભારતીય Essar ગ્રુપ અમેરિકામાં સ્ટીલ ક્ષેત્રે મોટું રોકાણ કરવા જઈ રહ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે Essar ગ્રુપની અમેરિકન કંપની Mesabi Metallics આયોવામાં આશરે 15 અબજ ડોલરના ખર્ચે વિશાળ સ્ટીલ પ્લાન્ટ બનાવશે. આ પ્લાન્ટ સંપૂર્ણ રીતે તૈયાર થયા બાદ દર વર્ષે 1 કરોડ ટન સુધી સ્ટીલનું ઉત્પાદન કરી શકશે.વ્હાઇટ હાઉસમાં યોજાયેલી જાહેરાત દરમિયાન ટ્રમ્પની સાથે Essar ગ્રુપના સહ-સ્થાપક રવિ રુઇયા અને તેમના પુત્ર તથા Mesabi Metallicsના ચેરમેન રેવંત રુઇયા પણ હાજર રહ્યા હતા. ટ્રમ્પે આ પ્રોજેક્ટને અમેરિકાના ઇતિહાસનો સૌથી મોટો સ્ટીલ પ્લાન્ટ ગણાવ્યો હતો. કંપનીના જણાવ્યા અનુસાર, પ્લાન્ટમાં આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે અને ઉત્પાદન શરૂ થયા બાદ અમેરિકન બજાર ઉપરાંત વિદેશી ગ્રાહકોને પણ સ્ટીલ સપ્લાય કરવામાં આવશે.

મિનેસોટાની ખાણમાંથી આયોવા પહોંચશે લોખંડ
આ પ્રોજેક્ટની ખાસિયત એ છે કે Essar અમેરિકામાં એક સંપૂર્ણ ઇન્ટિગ્રેટેડ સપ્લાય ચેઇન તૈયાર કરવાની યોજના બનાવી રહ્યું છે. પ્લાન્ટ માટે જરૂરી લોખંડનું અયસ્ક મિનેસોટામાં Essar દ્વારા વિકસાવવામાં આવી રહેલી નવી આયર્ન ઓર ખાણમાંથી મેળવવામાં આવશે. કંપનીએ આ ખાણના વિકાસમાં અત્યાર સુધી અબજો ડોલરનું રોકાણ કર્યું છે. મિનેસોટાની આ ખાણમાંથી દર વર્ષે આશરે 75 લાખ ટન લોખંડનું ઉત્પાદન થવાની અપેક્ષા છે. અમેરિકી અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, આ ખાણ પાંચ દાયકાથી વધુ સમય બાદ અમેરિકામાં શરૂ થનારી નવી આયર્ન ઓર ખાણોમાંની એક છે.

2030 સુધી ઉત્પાદન શરૂ કરવાનો લક્ષ્યાંક
Mesabi Metallicsના જણાવ્યા પ્રમાણે આયોવા સ્ટીલ પ્લાન્ટમાં પ્રથમ તબક્કામાં વાર્ષિક આશરે 75 લાખ ટન સ્ટીલનું ઉત્પાદન થઈ શકે છે, જ્યારે સંપૂર્ણ ક્ષમતા બાદ આ આંકડો 1 કરોડ ટન સુધી પહોંચી શકે છે. પ્લાન્ટમાં સ્ટીલનું ઉત્પાદન 2030ની આસપાસ શરૂ થવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. પ્રોજેક્ટથી બાંધકામના તબક્કામાં હજારો રોજગાર ઊભા થવાની અને પ્લાન્ટ શરૂ થયા બાદ ઓછામાં ઓછા 1,750 કાયમી નોકરીઓ સર્જાવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.

કુલ રોકાણ 18 અબજ ડોલર સુધી
જોકે આયોવાના સ્ટીલ પ્લાન્ટ માટે 15 અબજ ડોલરના રોકાણની જાહેરાત થઈ છે, Essar ગ્રુપનું અમેરિકામાં કુલ રોકાણ આશરે 18 અબજ ડોલર સુધી હોવાનું વિવિધ અહેવાલોમાં જણાવાયું છે. બાકીના રોકાણનો મોટો હિસ્સો મિનેસોટાની આયર્ન ઓર ખાણના વિકાસ સાથે જોડાયેલો છે. અમેરિકન અધિકારીઓએ પણ ખાણ અને સ્ટીલ પ્લાન્ટ સહિતના સમગ્ર પ્રોજેક્ટનું રોકાણ આશરે 17.5થી 18 અબજ ડોલર ગણાવ્યું છે.


આ પ્રોજેક્ટને ટ્રમ્પની અમેરિકામાં સ્થાનિક મેન્યુફેક્ચરિંગ વધારવાની નીતિ સાથે પણ જોડવામાં આવી રહ્યો છે. ટ્રમ્પે સ્ટીલની આયાત પર 50 ટકા ટેરિફનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે અમેરિકામાં ઉત્પાદન વધારવાથી કંપનીઓને આયાતી સ્ટીલ પર લાગતા ટેરિફથી બચવામાં મદદ મળશે. બીજી તરફ, Essar ગ્રુપ માટે આ પ્રોજેક્ટ અમેરિકામાં ખાણકામથી લઈને સ્ટીલ ઉત્પાદન સુધીની પોતાની હાજરીને વધુ વિસ્તૃત કરવાનું મહત્વનું પગલું છે.

Most Popular

To Top