કયા રાજ્યમાં કઈ તારીખે રજા, જુઓ સંપૂર્ણ લિસ્ટ
ઓક્ટોબર 2026માં તહેવારોની ભરમાર હોવાથી દેશના અલગ-અલગ રાજ્યો અને શહેરોમાં બેંકો કુલ 16 દિવસ બંધ રહેશે. આ 16 રજાઓમાં દેશભરમાં લાગુ પડતી 6 સાપ્તાહિક/નક્કી રજાઓ અને અલગ-અલગ રાજ્યોમાં લાગુ પડતી 10 સ્થાનિક તહેવારોની રજાઓનો સમાવેશ થાય છે. તેથી બેંકની શાખામાં કોઈ મહત્વનું કામ હોય તો ગ્રાહકોએ જતા પહેલાં પોતાના શહેરની રજા ચકાસવી જરૂરી છે.
ઓક્ટોબરની શરૂઆતમાં 2 ઓક્ટોબરે મહાત્મા ગાંધી જયંતિ નિમિત્તે દેશભરની બેંક શાખાઓ બંધ રહેશે. ત્યારબાદ 4 ઓક્ટોબરે રવિવાર, 10 ઓક્ટોબરે બીજો શનિવાર અને 11 ઓક્ટોબરે રવિવાર હોવાથી બેંકો બંધ રહેશે. 10 ઓક્ટોબરની રજા કેટલાક શહેરોમાં મહાલય અમાવસ્યા સાથે પણ જોડાયેલી છે. આ પછી 17 ઓક્ટોબરે અગરતલામાં મહા સપ્તમીની રજા રહેશે અને 18 ઓક્ટોબરે દેશભરમાં રવિવારની સાપ્તાહિક રજા રહેશે.19 ઓક્ટોબરે દુર્ગા પૂજા, મહાષ્ટમી, મહાનવમી અને આયુધ પૂજાના કારણે અગરતલા, આઇઝોલ, ભુવનેશ્વર, ચેન્નાઈ, ગુવાહાટી, ઇમ્ફાલ, ઇટાનગર, કોહિમા, કોલકાતા, પટના, રાંચી અને શિલોંગમાં બેંકો બંધ રહેશે. 20 ઓક્ટોબરે દશેરા/વિજયાદશમી અને મહાનવમીના કારણે દેશના મોટાભાગના શહેરોમાં બેંક રજા રહેશે. જોકે ગંગટોક અને ઇમ્ફાલમાં આ તારીખે અલગ વ્યવસ્થા છે.
21 ઓક્ટોબરે વિજયાદશમી અને દુર્ગા પૂજા-દસૈંના કારણે અગરતલા, બેંગલુરુ, ગંગટોક, ગુવાહાટી, કોચી, કોલકાતા અને તિરુવનંતપુરમમાં બેંકો બંધ રહેશે. ત્યારબાદ 22 અને 23 ઓક્ટોબરે ગંગટોકમાં દુર્ગા પૂજા-દસૈંની રજા રહેશે. 24 ઓક્ટોબરે ચોથો શનિવાર અને 25 ઓક્ટોબરે રવિવાર હોવાથી દેશભરમાં બેંકો બંધ રહેશે.26 ઓક્ટોબરે અગરતલા, ચંડીગઢ, જમ્મુ, શિમલા અને શ્રીનગરમાં લક્ષ્મી પૂજા, એક્સેસિન ડે અને મહર્ષિ વાલ્મીકિ જયંતિ નિમિત્તે બેંક રજા રહેશે. 29 ઓક્ટોબરે શિમલામાં કરવાચોથની રજા રહેશે. ગુજરાત માટે ખાસ નોંધનીય છે કે 21 ઓક્ટોબરે વિજયાદશમીના કારણે ગુજરાતમાં બેંકો બંધ રહેશે, જ્યારે 31 ઓક્ટોબરે અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ જયંતિ નિમિત્તે બેંક રજા રહેશે.
બેંક શાખાઓ બંધ હોવા છતાં ગ્રાહકો માટે ડિજિટલ બેંકિંગ સેવાઓ ચાલુ રહેશે. UPI, મોબાઇલ બેંકિંગ અને નેટ બેંકિંગ દ્વારા પૈસાની લેવડદેવડ કરી શકાશે. NEFT, RTGS અને IMPS જેવી ઓનલાઈન ટ્રાન્સફર સેવાઓ પણ ચાલુ રહેશે. આ ઉપરાંત ATM અને કેશ ડિપોઝિટ મશીનોનો ઉપયોગ કરી શકાશે. જોકે ચોક્કસ સ્થાનિક રજાઓ બેંકના શહેર અને રાજ્ય પ્રમાણે અલગ હોઈ શકે છે, તેથી શાખામાં જતાં પહેલાં સંબંધિત બેંકની હોલિડે લિસ્ટ તપાસવી યોગ્ય રહેશે.