India

દિવ્યા મિત્તલ રાજકારણમાં પ્રવેશ કરશે,IAS છોડનાર દિવ્યા મિત્તલ હવે કરશે રાજકારણમાં એન્ટ્રી

કોઈ રાજકીય પક્ષ સાથે નહીં જોડાઉં

ઉત્તર પ્રદેશ કેડરની પૂર્વ IAS અધિકારી દિવ્યા મિત્તલે IASની નોકરી છોડ્યા બાદ પોતાના આગામી પગલાં અંગે સ્થિતિ સ્પષ્ટ કરી છે.તેમણે સોશિયલ મીડિયા પર જાહેર કરેલા વીડિયોમાં જણાવ્યું છે કે હવે તેઓ રાજકારણમાં પ્રવેશ કરશે, પરંતુ કોઈપણ રાજકીય પક્ષનો ભાગ બનશે નહીં. દિવ્યા મિત્તલના જણાવ્યા મુજબ, તેમની રાજકીય કામગીરીનો કેન્દ્રબિંદુ સામાન્ય લોકોના પ્રશ્નો અને તેમની સમસ્યાઓને અવાજ આપવાનો રહેશે.દિવ્યા મિત્તલે 30 ઓગસ્ટ 2026ના રોજ લગભગ 13 વર્ષની વહીવટી સેવા બાદ IAS પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. તેમનું રાજીનામું 15 સપ્ટેમ્બરથી અસરકારક બન્યું હતું.રાજીનામા બાદ તેઓ આગળ શું કરશે તે અંગે અનેક અટકળો ચાલી રહી હતી. હવે તેમણે પોતે જ સ્પષ્ટ કર્યું છે કે તેઓ રાજકારણમાં નવી શરૂઆત કરવા જઈ રહી છે. જોકે, તેમણે કોઈ ચોક્કસ રાજકીય પક્ષ સાથે જોડાવાની જાહેરાત કરી નથી.

દિવ્યા મિત્તલે ઉત્તર પ્રદેશને પોતાની કર્મભૂમિ ગણાવી છે. તેમના જણાવ્યા પ્રમાણે, એક અધિકારી તરીકે ઉત્તર પ્રદેશમાં આવ્યા બાદ અહીંના લોકોએ તેમને પરિવારના સભ્યની જેમ સ્વીકારી હતી. આ કારણે તેઓ પોતાની રાજકીય સફરની શરૂઆત પણ ઉત્તર પ્રદેશથી કરવા માગે છે. તેમણે કહ્યું કે તેઓ લોકો સાથે મળીને એવું રાજકીય મંચ ઊભું કરવા માગે છે, જેમાં સામાન્ય લોકોના પ્રશ્નો અને તેમની સમસ્યાઓ મુખ્ય આધાર બને.તેમણે પોતાના વહીવટી અનુભવના કેટલાક કિસ્સાઓ પણ શેર કર્યા. મિર્ઝાપુરના લહુરિયાદહ વિસ્તારમાં પાણી પહોંચાડવાના કામ દરમિયાન તેમની મુલાકાત એક મહિલાની થઈ હતી. દિવ્યા મિત્તલના જણાવ્યા પ્રમાણે, તેમને લાગ્યું હતું કે મહિલા પેન્શન, ઘર અથવા પાણી જેવી કોઈ સરકારી સુવિધાની માંગ કરશે, પરંતુ મહિલાએ ગામમાં પાંચમા ધોરણ બાદ આગળનું શિક્ષણ ચાલુ રહે તે માટે શાળામાં વધુ વર્ગો શરૂ કરવાની માંગ કરી હતી. આ અનુભવને તેમણે સામાન્ય લોકોની મૂળભૂત જરૂરિયાતો સમજવાનું ઉદાહરણ ગણાવ્યું.

દિવ્યા મિત્તલે પોતાના બીજા એક વહીવટી અનુભવનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે વિશેષ સચિવ, મહેસૂલ વિભાગ તરીકે ફરજ બજાવતી વખતે એક વ્યક્તિ સરકારી જમીનના પટ્ટા સંબંધિત દસ્તાવેજો લઈને તેમની પાસે આવ્યો હતો. પટ્ટો મળ્યો હોવા છતાં તેને જમીન પર વાસ્તવિક કબજો મળ્યો નહોતો. દસ્તાવેજોની તપાસ દરમિયાન સંબંધિત રિપોર્ટમાં ગેરરીતિ સામે આવી હોવાનું તેમણે જણાવ્યું.ત્યાર બાદ રિપોર્ટ પર ફરી તપાસ કરાવવામાં આવી અને રિપોર્ટ તૈયાર કરનાર સામે કાર્યવાહી કરવામાં આવી હોવાનું પણ તેમણે કહ્યું.આ રીતે IASની લગભગ 13 વર્ષની સેવા બાદ દિવ્યા મિત્તલે હવે જાહેર જીવનના નવા ક્ષેત્રમાં પ્રવેશવાની જાહેરાત કરી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયા વગર લોકોના મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને રાજકીય મંચ બનાવવાની દિશામાં આગળ વધશે.જોકે, તેઓ કઈ રીતે અને કયા સ્વરૂપે રાજકીય કામગીરી શરૂ કરશે તેની વધુ વિગતો આગામી સમયમાં સામે આવવાની છે.

Most Popular

To Top