કેતન અગ્રવાલ હત્યા કેસની તપાસ આગળ વધતા એક પછી એક ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યા છે. હવે સિયા ગોયલની બ્યુટિશિયન મિત્રએ પોલીસને આપેલા નિવેદનમાં સિયા ગોયલ અને ચેતન ચૌધરી પર તેને ધમકી આપવાનો તથા કેસ સાથે જોડાયેલા મેસેજ અને કોલ હિસ્ટ્રી ડિલીટ કરવા માટે દબાણ કરવાનો આરોપ લગાવ્યો છે.મહિલાના જણાવ્યા અનુસાર, તેની જાણ બહાર તેની તસવીરનો ઉપયોગ કરીને ‘Mahi.J’ નામનું ફેક ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ બનાવવામાં આવ્યું હતું અને આ અકાઉન્ટ મારફતે કેતનને એવું વિશ્વાસ અપાવવામાં આવ્યું કે તે સિયાની મિત્ર સાથે વાત કરી રહ્યો છે. પોલીસે તપાસમાં આ સમગ્ર ઘટનાક્રમને મહત્વની કડી તરીકે તપાસી રહી છે.
મહિલાના પોલીસ નિવેદન મુજબ, મે મહિનાના અંતમાં સિયાએ તેની સાથે વાતચીત દરમિયાન કહ્યું હતું કે તે કેતન સાથે લગ્ન કરવા માંગતી નથી અને ચેતન ચૌધરી સાથે સંબંધમાં હોવાની વાત પણ કરી હતી. મહિલાના જણાવ્યા પ્રમાણે, સિયાએ કેતનને લોહાગઢ લઈ જવાની અગાઉની એક કથિત યોજના અંગે પણ વાત કરી હતી. આરોપ છે કે 14 જૂને કેતનને લોહાગઢ લઈ જવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કેતનને ફરી 18 જૂને લોહાગઢ બોલાવવા માટે મહિલાને ફોન અથવા મેસેજ કરવા કહેવામાં આવ્યું હતું, પરંતુ તેણે આવું કરવાનો ઇનકાર કર્યો હતો.પોલીસની તપાસના દાવા મુજબ, ત્યારબાદ કેતનને લોહાગઢ બોલાવવા માટે એક અલગ રીત અપનાવવામાં આવી. સિયાની મિત્રની તસવીરનો કથિત રીતે ઉપયોગ કરીને ‘Mahi.J’ નામનું ફેક ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ બનાવવામાં આવ્યું. આરોપ મુજબ આ અકાઉન્ટ પરથી કેતન સાથે વાતચીત કરવામાં આવી અને તેને સિયાની સરપ્રાઇઝ બર્થડે પાર્ટીના બહાને લોહાગઢ બોલાવવામાં આવ્યો. પોલીસના જણાવ્યા પ્રમાણે, કેતન લોહાગઢ પહોંચ્યા બાદ તેની હત્યા કરવામાં આવી હતી.
જોકે આ સમગ્ર ઘટનાક્રમ અંગેના આરોપોની અંતિમ સત્યતા કોર્ટની પ્રક્રિયા અને તપાસના પરિણામ બાદ જ સ્પષ્ટ થશે.આ કેસમાં વધુ ચોંકાવનારો મુદ્દો મહિલાને આપવામાં આવેલી કથિત ધમકી છે. તેના નિવેદન પ્રમાણે 20 જૂને તેને ‘Suno naa..’ એવો મેસેજ મળ્યો હતો. ત્યારબાદ ચેતન ચૌધરીએ તેને ફોન કરીને 14 જૂનની ઘટના અંગે કોઈને કંઈ ન કહેવા માટે કથિત રીતે ધમકાવી હતી. મહિલાનો આરોપ છે કે તેને પરિણામ ભોગવવાની ચેતવણી પણ આપવામાં આવી હતી. ત્યારબાદ સિયાએ પણ તેની સાથે વાત કરી હતી અને તેની તસવીરનો ઉપયોગ કરીને કેતનને લોહાગઢ બોલાવવામાં આવ્યો હોવાની માહિતી આપી હતી.મહિલાના જણાવ્યા પ્રમાણે, તેને આ કેસમાં ફસાવી દેવાની વાત કરીને ઘટના સાથે જોડાયેલા મેસેજ અને કોલ હિસ્ટ્રી ડિલીટ કરવા કહેવામાં આવ્યું હતું.
મહિલાએ કથિત રીતે આ રેકોર્ડ ડિલીટ કર્યા નહોતા. તેના જણાવ્યા પ્રમાણે, તેણે ઓછામાં ઓછા 20 જૂને મળેલા મેસેજનો સ્ક્રીનશોટ સાચવી રાખ્યો હતો. બાદમાં તેના પતિને ડ્રગ્સ સંબંધિત કેસમાં પોલીસ કસ્ટડીમાંથી બહાર આવ્યા બાદ તેણે સમગ્ર ઘટનાની જાણ કરી અને 12 જુલાઈએ પોલીસનો સંપર્ક કરીને પોતાનું નિવેદન નોંધાવ્યું હતું,આ નિવેદનમાં તેણે મે મહિનાના અંતથી લઈને જુલાઈ સુધી બનેલી ઘટનાઓ, પોતાની તસવીરના ઉપયોગ, ફેક અકાઉન્ટ અને ધમકી અંગે માહિતી આપી હતી.કેતન હત્યા કેસની મોટી તપાસમાં પોલીસ પાસે ડિજિટલ પુરાવાઓ પણ હોવાનું સામે આવ્યું છે. 29 સપ્ટેમ્બરના અહેવાલ મુજબ, પોલીસે 5,053 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે, જેમાં મોબાઇલ ડેટા, ચેટ, કોલ રેકોર્ડ અને સાક્ષીઓના નિવેદનો સામેલ છે. ચાર્જશીટમાં સિયાની કથિત ગૂગલ સર્ચ હિસ્ટ્રીનો પણ ઉલ્લેખ છે.
લોહાગઢ, ટ્રેકિંગ અકસ્માત અને હત્યા સંબંધિત વિવિધ વિષયો અંગેની સર્ચનો સમાવેશ થાય છે.અગાઉની પોલીસ તપાસમાં સિયા અને ચેતનના મોબાઇલમાંથી ચેટ હિસ્ટ્રી અને રિસાયકલ બિનનો ડેટા ડિલીટ કરવામાં આવ્યો હોવાનો પણ દાવો થયો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે,આ ડિલીટ થયેલા ડિજિટલ લોગ્સને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. તપાસમાં બંને વચ્ચે લાંબા સમયથી સંપર્ક અને મોટી સંખ્યામાં ફોન કોલ્સ થયાની માહિતી પણ સામે આવી હતી. હવે બ્યુટિશિયન મહિલાના નિવેદનથી ફેક ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ, કેતનને લોહાગઢ બોલાવવાની કથિત યોજના અને પુરાવા ડિલીટ કરાવવાના આરોપોની કડી વધુ ચર્ચામાં આવી છે.