SURAT

દર્દી હોય કે સ્ટાફ, નિયમ સૌ માટે એકસરખો, સુરત નવી સિવિલમાં ગંદકી કરનાર સામે થશે કડક કાર્યવાહી, 3 દિવસમાં રૂ. 5 હજારથી વધુનો દંડ વસૂલાયો

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સ્વચ્છતા જાળવવા માટે તંત્ર દ્વારા હવે ગંદકી કરનાર સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. હોસ્પિટલ પરિસરમાં પાન-મસાલા અને ગુટખાની પિચકારી મારનાર તેમજ ગંદકી ફેલાવનાર પાસેથી સ્થળ પર જ દંડ વસૂલવામાં આવી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસ દરમિયાન જ રૂ. 5 હજારથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો છે. નવી સિવિલ હોસ્પિટલના વિવિધ વિભાગોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને તેમના સગા-સંબંધીઓ ઉપરાંત હોસ્પિટલના કર્મચારીઓ પર પણ નજર રાખવામાં આવી રહી છે. સ્વચ્છતાના નિયમોનું ઉલ્લંઘન કરતા કેટલાક કર્મચારીઓ પાસેથી પણ સ્થળ પર જ રૂ. 250નો દંડ વસૂલવામાં આવ્યો છે.

હોસ્પિટલ તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે સ્વચ્છતાના નિયમો દરેક માટે એકસમાન રહેશે. દર્દી હોય, દર્દીના સગા-સંબંધીઓ હોય કે પછી હોસ્પિટલનો સ્ટાફ હોય, કોઈ વ્યક્તિ હોસ્પિટલ પરિસરમાં ગંદકી કરતી જોવા મળશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. ખાસ કરીને પાન-મસાલા અને ગુટખાની પિચકારી મારનાર સામે રૂ. 250નો દંડ વસૂલવામાં આવશે. નવી સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર, ઓપીડી, સ્ટેમ સેલ બિલ્ડિંગ, કિડની બિલ્ડિંગ સહિતના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. હોસ્પિટલનું મોટું પરિસર હોવાથી અલગ-અલગ સ્થળે સ્વચ્છતા જળવાઈ રહે તે માટે સતત દેખરેખ રાખવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. સુરક્ષા જવાનો દ્વારા 24 કલાક હોસ્પિટલ પરિસરમાં નજર રાખવામાં આવશે.

હોસ્પિટલની દીવાલો, જાહેર સ્થળો કે અન્ય કોઈ જગ્યાએ પાન-મસાલા અને ગુટખાની પિચકારી મારનાર વ્યક્તિ સામે પણ દંડની કાર્યવાહી કરવામાં આવશે. દંડ વસૂલ્યા બાદ સંબંધિત વ્યક્તિને સત્તાવાર રસીદ પણ આપવામાં આવશે, જેથી દંડની કાર્યવાહી પારદર્શક રીતે થઈ શકે. વસૂલવામાં આવતી દંડની સમગ્ર રકમ રોગી કલ્યાણ સમિતિમાં જમા કરવામાં આવશે. આ રકમનો ઉપયોગ હોસ્પિટલમાં આવતા દર્દીઓના કલ્યાણ અને જરૂરી સુવિધાઓ માટે કરવામાં આવશે. આમ, સ્વચ્છતાના નિયમોનું પાલન કરાવવાની સાથે દંડમાંથી મળતી રકમનો ઉપયોગ પણ દર્દીઓના હિતમાં કરવામાં આવશે.

નવી સિવિલ હોસ્પિટલમાં દરરોજ મોટી સંખ્યામાં દર્દીઓ અને તેમના સગા-સંબંધીઓની અવરજવર રહે છે. હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓને સ્વચ્છ અને સુરક્ષિત વાતાવરણ મળે તે માટે પરિસરમાં ગંદકી ન થાય તે જરૂરી છે. ખાસ કરીને પાન-મસાલા અને ગુટખાની પિચકારીઓથી હોસ્પિટલની દીવાલો અને જાહેર સ્થળો ગંદા થવાની સાથે આસપાસનું વાતાવરણ પણ ખરાબ થાય છે. હોસ્પિટલ તંત્ર દ્વારા હવે આવા કિસ્સાઓને લઈને કોઈ છૂટ આપવામાં નહીં આવે અને નિયમ તોડનાર સામે કાર્યવાહી ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં પણ હોસ્પિટલના વિવિધ વિભાગોમાં ચેકિંગ ચાલુ રહેશે. કર્મચારીઓ સહિત કોઈપણ વ્યક્તિ સ્વચ્છતા નિયમોનું ઉલ્લંઘન કરતી ઝડપાશે તો તેની સામે દંડ વસૂલવામાં આવશે. નવી સિવિલ હોસ્પિટલને સ્વચ્છ અને ચેપમુક્ત રાખવાના હેતુથી શરૂ કરવામાં આવેલી આ કાર્યવાહીથી હોસ્પિટલ પરિસરમાં સ્વચ્છતા અંગે વધુ જાગૃતિ આવે તેવી અપેક્ષા છે. દર્દીઓ અને તેમના સગા-સંબંધીઓ સાથે હોસ્પિટલના કર્મચારીઓ પણ સ્વચ્છતા જાળવવામાં સહકાર આપે તે માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

વીડિયો જોવા અહીં ક્લિક કરો

Most Popular

To Top