Charotar

આણંદ-બોરસદ માર્ગ પર વાંસખીલીયા પાસે ગમખ્વાર અકસ્માતમાં ત્રણ યુવાનોના મોત

નિજાનંદ રિસોર્ટ નજીક બે બાઇકો સામસામે અથડાતાં અકસ્માત; બંને બાઇકોના ફૂરચેફૂરચા ઉડ્યા, ત્રણ યુવાનો ગંભીર રીતે ઇજાગ્રસ્ત
પ્રતિનિધિ આણંદ તા ૨૯
આણંદ-બોરસદ માર્ગ પર વાંસખીલીયા નજીક નિજાનંદ રિસોર્ટ પાસે બે બાઇકો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ત્રણ યુવાનોના મોત નિપજ્યા હતા. સામસામે આવતી બંને બાઇકો ધડાકાભેર અથડાતા અકસ્માત એટલો ગંભીર હતો કે બંને બાઇકોના ફૂરચેફૂરચા ઉડી ગયા હતા.
પ્રાથમિક માહિતી મુજબ, અકસ્માતમાં નાપા વાંટાના ૧૯ વર્ષીય અરમાન રફીક રાણા અને સમીર રાજેશ રાણાનું મોત થયું હતું. જ્યારે બોરસદના અંસાર ઝુબેર બેલીમનું પણ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. આ ઉપરાંત નાપા વાંટાના તનવીર રાણા સહિત ત્રણ યુવાનોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. બોરસદના અસલમખાન અને ઝુબેર કાઝીને પણ ગંભીર ઇજાઓ થતાં તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
અકસ્મતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવાનોને પ્રથમ તબક્કે કરમસદ મેડિકલ સહિત આણંદ જનરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે એકત્રિત થયા હતા. હોસ્પિટલ ખાતે પણ લોકોનાં ટોળાં ઉમટી પડ્યાં હતાં.

એકસાથે ત્રણ આશાસ્પદ યુવાનોના મોતના સમાચારને પગલે બોરસદ તેમજ નાપા વાંટા પંથકમાં શોકની લાગણી પ્રસરી હતી. પરિવારજનો સહિત સગાં-સંબંધીઓ અને સ્થાનિકોમાં ગમગીની છવાઈ ગઈ હતી.
ઘટનાને પગલે આણંદ ગ્રામ્ય પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર બનાવ અંગે તપાસ હાથ ધરી છે. બંને બાઇકો કયા સંજોગોમાં સામસામે અથડાઈ અને અકસ્માતનું ચોક્કસ કારણ શું હતું તે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Most Popular

To Top