Vadodara

દંતેશ્વરમાં દારૂડિયાઓનો આતંક, ગાળો બોલવાની ના પાડતાં લોખંડની પાઈપ અને બ્લોકથી કર્યો હુમલો

બે મહિલા સહિત ત્રણ ઘાયલ

દંતેશ્વરના ડેરાવાળા ફળિયામાં દારૂના નશામાં અશાંતિ ફેલાવતા શખ્સોને રોકવા જતાં પરિવારે ભોગવવું પડ્યું પરિણામ

ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

(પ્રતિનિધિ), વડોદરા. તા.૨૮

વડોદરા :- શહેરના મકરપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા દંતેશ્વર વિસ્તારના ડેરાવાળા ફળિયામાં ગત રાત્રે દારૂના નશામાં ખુલ્લેઆમ ગાળાગાળી કરવાના મુદ્દે મામલો એટલો બધો ઉગ્ર બન્યો હતો કે બે પક્ષો વચ્ચે છૂટા હાથની મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. આ વિવાદમાં લોખંડની પાઈપ, પથ્થર અને બેટ વડે થયેલા હુમલામાં બે મહિલાઓ સહિત પરિવારના સભ્યો ઈજાગ્રસ્ત થયા છે. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

સ્થાનિક રહેવાસીઓ અને ઈજાગ્રસ્તોના જણાવ્યા અનુસાર, દંતેશ્વર ગામના ડેરાવાળા ફળિયામાં રહેતા લલિત ઉર્ફે કાલુ શ્રીવાસ્તવ અને તેનો ભાઈ સાગર શ્રીવાસ્તવ અવારનવાર દારૂના નશામાં વિસ્તારમાં બેફામ ગાળો બોલી અશાંતિ અને ન્યુસન્સ ફેલાવતા હતા. ઘટનાની રાત્રે અંદાજે સાડા નવેક વાગ્યાના અરસામાં જ્યારે આ શખ્સો ફરીથી કોઈ જ કારણ વગર ખુલ્લેઆમ ગાળાગાળી કરી રહ્યા હતા, ત્યારે સ્થાનિક પરિવારે તેમને આ પ્રમાણે રોજ ગાળો ન બોલવા માટે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.

પરિવારજનો દ્વારા શાંતિથી રોકવામાં આવતા બંને ભાઈઓ ઉશ્કેરાઈ ગયા હતા અને ઉગ્ર બોલાચાલી બાદ મારમારી પર ઉતરી આવ્યા હતા. આક્ષેપ છે કે લલિત શ્રીવાસ્તવ અને સાગર શ્રીવાસ્તવ તેમજ અન્ય એક મહિલાએ ભેગા મળીને પરિવાર પર જીવલેણ હુમલો કર્યો હતો. આરોપીઓ પૈકી એકના હાથમાં લોખંડની પાઈપ હતી તો બીજાએ રસ્તામાં નાખવાના સિમેન્ટના બ્લોક તથા બેટથી પરિવારજનો પર આડેધડ પ્રહારો કર્યા હતા. આ આંતરિક મારામારીમાં ઘરના સભ્ય રાહુલ પઢિયાર તેમજ બે મહિલાઓ ઘાયલ થયા હતા. માથા તેમજ શરીરે ઈજાઓ પહોંચતા લોહીલુહાણ હાલતમાં તેમને સારવાર માટે સયાજી હોસ્પિટલ લાવવા પડ્યા હતા.

સ્થાનિક લોકોનો એ પણ ગંભીર આક્ષેપ છે કે આ બંને આરોપીઓ અગાઉ પણ અનેકવાર મારામારી કરી ચૂક્યા છે અને તેમની સામે મકરપુરા પોલીસ સ્ટેશન સહિત અન્ય પોલીસ મથકોમાં પણ અગાઉ ગુનાઓ નોંધાયેલા છે. સંસ્કારી નગરી ગણાતા વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવતા આવા તત્વો ખુલ્લેઆમ દારૂના નશામાં રખડીને સામાન્ય પરિવારોનું જીવવું હરામ કરી રહ્યા છે.

ઘટનાની જાણ થતાં જ મકરપુરા પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક સયાજી હોસ્પિટલ દોડી ગયો હતો. પોલીસે ઈજાગ્રસ્તોના નિવેદનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ, રોષે ભરાયેલા સ્થાનિક રહેવાસીઓએ માંગ કરી છે કે વગર વાંકે પરિવારની મહિલાઓ અને બાળકોને ટાર્ગેટ કરી ત્રાસ આપતા અને ખુલ્લેઆમ ગાળાગાળી કરતા આ શખ્સો સામે કડકમાં કડક કાયદાકીય પગલાં લેવામાં આવે જેથી વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે.

Most Popular

To Top