ભારતીય શેરબજારમાં સતત બીજા દિવસે મોટો ઘટાડો જોવા મળ્યો છે. સોમવારના ભારે ઘટાડા બાદ મંગળવારે પણ બજાર લાલ નિશાનમાં ખુલ્યું હતું. શરૂઆત સામાન્ય ઘટાડા સાથે થયા બાદ થોડી જ મિનિટોમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં વેચવાલી વધી ગઈ હતી. સેન્સેક્સ 600થી વધુ પોઇન્ટ ગગડી ગયો હતો, જ્યારે નિફ્ટી પણ 22,600ની નજીક પહોંચી ગયો હતો. ઓટો, મેટલ અને ખાનગી બેન્કિંગ સહિતના સેક્ટરમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. સોમવારે BSE સેન્સેક્સ 1,124 પોઇન્ટના ઘટાડા સાથે 72,771ના સ્તરે બંધ થયો હતો. મંગળવારે સેન્સેક્સ 72,633ના સ્તરે ખુલ્યો હતો. જોકે, બજાર ખુલ્યાના થોડા જ સમયમાં વેચવાલી વધતા સેન્સેક્સમાં ઝડપથી ઘટાડો શરૂ થયો હતો. શરૂઆતના માત્ર પાંચ મિનિટમાં જ ઇન્ડેક્સ 600થી વધુ પોઇન્ટ તૂટીને 72,136ના સ્તરે પહોંચી ગયો હતો.
સેન્સેક્સની જેમ NSE નિફ્ટીમાં પણ શરૂઆતથી જ દબાણ જોવા મળ્યું હતું. સોમવારે નિફ્ટી 22,780ના સ્તરે બંધ થયો હતો. મંગળવારે તે 22,732ના સ્તરે ખુલ્યો હતો. ત્યારબાદ ઘટાડો વધુ ઝડપી બન્યો અને નિફ્ટી 200થી વધુ પોઇન્ટ ગગડીને 22,580ના સ્તર સુધી પહોંચી ગયો હતો. બજારમાં વેચવાલીનું દબાણ વિવિધ સેક્ટરમાં જોવા મળ્યું હતું. ખાસ કરીને ઓટો, મેટલ અને ખાનગી બેન્કોના શેરોમાં રોકાણકારો દ્વારા વેચવાલી જોવા મળી હતી. આ ઉપરાંત કેટલીક મોટી કંપનીઓના શેરોમાં પણ ઘટાડો નોંધાયો હતો. બજારના મુખ્ય ઇન્ડેક્સમાં ઘટાડાને કારણે રોકાણકારોમાં પણ સાવચેતીનો માહોલ જોવા મળ્યો હતો.
આ પહેલાં સોમવારે પણ ભારતીય શેરબજારમાં મોટો કડાકો જોવા મળ્યો હતો. સમગ્ર દિવસ દરમિયાન સેન્સેક્સ અને નિફ્ટી પર વેચવાલીનું દબાણ રહ્યું હતું. દિવસના અંતે BSE સેન્સેક્સ 1,124 પોઇન્ટ ઘટીને 72,771 પર બંધ થયો હતો. જ્યારે NSE નિફ્ટી 260 પોઇન્ટના ઘટાડા સાથે 22,780ના સ્તરે બંધ રહ્યો હતો. સોમવારના આ ઘટાડાની સીધી અસર શેરબજારમાં લિસ્ટેડ કંપનીઓના કુલ માર્કેટ કેપિટલાઇઝેશન પર પડી હતી. એક જ દિવસમાં રોકાણકારોની સંપત્તિમાં આશરે રૂ. 8.81 લાખ કરોડનો ઘટાડો થયો હતો. શુક્રવારના બજાર બંધ સમયે BSE પર લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 4,83,25,067.26 કરોડ હતું, જે સોમવારના ક્લોઝિંગ સમયે ઘટીને રૂ. 4,74,43,885.65 કરોડ થઈ ગયું હતું. મંગળવારની શરૂઆતમાં પણ બજાર પર વેચવાલીનું દબાણ ચાલુ રહેતા રોકાણકારોની નજર હવે બજારની આગળની ચાલ પર છે. સતત બે સત્રમાં થયેલા ઘટાડા વચ્ચે ઓટો, મેટલ અને ખાનગી બેન્કિંગ શેરોમાં ખાસ હલચલ જોવા મળી રહી છે. સેન્સેક્સ અને નિફ્ટી દિવસ દરમિયાન કયા સ્તરે સ્થિર થાય છે તેના પર બજારની આગામી દિશા માટે રોકાણકારોની નજર રહેશે.