Sanjeli

સંજેલીના રાજવી પરિવાર પર શોકની છાયા, રાણી સાહેબ ગિરિરાજ કુમારીજીની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા

પ્રતિનિધિ ::: સંજેલી
સંજેલી નગરના રાજવી પરિવારના રાણી સાહેબ ગિરિરાજ કુમારીજીના અવસાનના સમાચારથી સંજેલી નગર સહિત સમગ્ર તાલુકામાં શોકની લાગણી પ્રસરી હતી. છેલ્લા કેટલાક સમયથી તેઓ બીમારીના કારણે સારવાર હેઠળ હતા. તેમનું ગત રાત્રિએ અવસાન થતાં રાજવી પરિવાર, સ્વજનો તથા નગરજનોમાં શોક છવાઈ ગયો હતો.
રાણી સાહેબ ગિરિરાજ કુમારીજી સંજેલીના મહારાજ સ્વ. કાલિકાકુમાર નરેન્દ્રસિંહજી ચૌહાણના ધર્મપત્ની તથા વર્તમાન મહારાજા કામાખ્યાસિંહ કાલિકાકુમાર ચૌહાણના માતા હતા.
તેમની અંતિમયાત્રા બપોરે આશરે 1 વાગ્યે પુષ્પ નિવાસ પેલેસથી નીકળી હતી. રાજવી પરંપરા મુજબ શણગારેલા રથમાં અંતિમયાત્રા યોજાઈ હતી. ફૂલોથી શણગારેલા અંતિમ વાહન સાથે પરિવારજનો તથા મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અંતિમયાત્રા દરમિયાન સંજેલી નગરના મુખ્ય બજાર વિસ્તારમાંથી રથ પસાર થયો હતો.


અંતિમ સંસ્કારમાં દેવગઢ બારીયા, ઈડર, બાલાસિનોર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિતના વિવિધ વિસ્તારોના રાજવી પરિવારોના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. સંજેલીના રાજવી પરિવાર સાથેના સંબંધો ધરાવતા આગેવાનો અને પરિવારજનો પણ અંતિમ વિધિમાં જોડાયા હતા.
અંતિમયાત્રા બાદ સમુદ્ર સાગર તળાવના કિનારે આવેલા રાજવી પરિવારના સ્મશાનસ્થળે અંતિમ સંસ્કારની વિધિ કરવામાં આવી હતી. અંતિમ વિધિ દરમિયાન મોટી સંખ્યામાં નગરજનો તથા વિવિધ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. સંજેલીના આદિવાસી સમાજ, હિન્દુ સમાજ, મુસ્લિમ સમાજ સહિત વિવિધ સમાજોના આગેવાનો અને નગરજનોએ ઉપસ્થિત રહી રાજવી પરિવાર પ્રત્યે શોક અને સંવેદના વ્યક્ત કરી હતી.
અંતિમ સંસ્કારની વિધિ દરમિયાન ઉપસ્થિત લોકો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સમગ્ર સ્થળે ગમગીનીનો માહોલ જોવા મળ્યો હતો. રાજવી પરિવારના સભ્યો તથા સ્વજનો માટે આ દુઃખદ પ્રસંગે સંજેલી નગર અને તાલુકાના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.

રિપોર્ટર: કપિલ સાધુ

Most Popular

To Top