Trending

સ્પેસએક્સનું મહાકાય સ્ટારશીપ રોકેટ પ્રથમ વખત અવકાશમાં ભ્રમણકક્ષામાં પહોંચ્યું

ઇલોન મસ્કની સ્પેસએક્સ કંપનીના ‘સ્ટારશિપ-સુપર હેવી’ રોકેટે સોમવારે તેની ૧૪મી ટેસ્ટ ફ્લાઇટ દરમિયાન પૃથ્વીની ભ્રમણકક્ષામાં પહોંચીને ઇતિહાસ રચ્યો છે. આ સિદ્ધિ માણસો અને માલસામાનને ચંદ્ર અને મંગળ સુધી લઈ જવા માટે સક્ષમ, સંપૂર્ણપણે ફરીથી ઉપયોગમાં લઇ શકાય તેવું રોકેટ વિકસાવવાના કંપનીના પ્રયાસોમાં એક મહત્વપૂર્ણ સીમાચિન્હ સાબિત થયું છે. જો કે પરત ઉતરાણ વખતે સમુદ્રમાં તેનું સોફ્ટ લેન્ડિંગ થઇ શક્યું ન હતું અને તે અગનગોળો બની ગયું હોવાના મોડી રાત્રે અહેવાલ હતા.

૧૨૪ મીટર ઊંચા આ રોકેટે ટેક્સાસ સ્થિત સ્પેસએક્સની ‘સ્ટારબેઝ’ ફ્રિન્ટિલિટી પરથી ઉડાન ભરી હતી. લોન્ચિંગની થોડી મિનિટો પછી જ સ્ટારશિપ તેના સુપર હેવી બૂસ્ટરથી સફળતાપૂર્વક અલગ થઈ ગયું હતું અને સ્પેસમાં પોતાની આગળની યાત્રા ચાલુ રાખી હતી. આ સ્પેસક્રાફ્ટ પૃથ્વી પર પાછા ફરતા પહેલાં પૃથ્વીના છ ચક્કર પૂર્ણ કરે તેવી અપેક્ષા હતી. આ મિશન ૧૦ કલાક ચાલવાની અપેક્ષા હતી, જો કે બાદમાં મળેલા એક અહેવાલ મુજબ આ મિશન ટૂંકાવીને ત્રણ કલાકનું કરી નાખવામાં આવ્યું હતું. એક એન્જિન બંધ થઇ જતાં આ નિર્ણય લેવાયો હોવાનું કહેવાય છે. વિશ્વનું સૌથી શક્તિશાળી રોકેટ સ્પેસએક્સના ઊંડા અવકાશ સંશોધનના લક્ષ્યાંકો અને નાસા (NASA)ના ‘આર્ટેમિસ’ પ્રોગ્રામ હેઠળ અવકાશયાત્રીઓને ચંદ્રની સપાટી પર પાછા મોકલવાના આયોજન માટે અત્યંત મહત્વપૂર્ણ છે. આ રોકેટે અવકાશમાં સ્ટારલિંકના ૨૬ ઉપગ્રહો પણ લોન્ચ કર્યા છે જે સ્ટારલિંકના ઇન્ટરનેટ કાર્યક્રમ માટે મહત્વના છે. આ રોકેટો ઇન્ટરનેટ સેવા આપતા અગાઉના ૧૧૦૦૦ જૂના નાનકડા સેટેલાઇટોના કાફલામાં જોડાશે.

આ સ્પેસક્રાફ્ટે નેક્સ્ટ જનરેશનના ‘સ્ટારલિંક V3’ સેટેલાઇટ્સ પણ લોન્ચ કર્યા છે, જે સ્પેસએક્સના સેટેલાઇટ ઇન્ટરનેટ નેટવર્કને વિસ્તારવા અને તેના ડેટા ટ્રાન્સમિશન ક્ષમતા વધારવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે. ત્રણ સેટેલાઇટમાં ફ્લાઇટ દરમિયાન સ્પેસક્રાફ્ટના હીટ શિલ્ડનું રેકોર્ડિંગ કરવા માટે ઇમેજિંગ ઇક્વિપમેન્ટ(કેમેરા વગેરે) પણ લગાવવામાં આવ્યા છે. પોતાનું ભ્રમણ પુરું કર્યા પછી સ્ટારશિપ ડીઓર્બિટ બર્ન કરીને ચિલીના પશ્ચિમમાં આવેલ પ્રશાંત મહાસાગરમાં સ્પ્લેશડાઉન કરે તેવી અપેક્ષા હતી. પરંતુ તે સમુ્દ્રની સપાટીને અડક્યા બાદ મોટો અગનગોળો જોવા મળ્યો હતો. સ્પેસએક્સે આ વાતની જાહેરાત કરી નથી પરંતુ કિનારા પરના કેમેરાઓએ આ દ્રશ્ય ઝડપી લીધું હતું.

14મી ટેસ્ટ ફ્લાઇટમાં પૃથ્વીની ભ્રમણકક્ષામાં સફળ એન્ટ્રી

આ મિશન સ્ટારશિપ માટે એક મોટો બદલાવ દર્શાવે છે, કારણ કે તેની અગાઉની ૧૩ ફ્લાઇટ્સ સબઓર્બિટલ ટ્રેજેક્ટરી પર હતી, જેમાં રોકેટ અવકાશની સીમા સુધી તો જાય છે પરંતુ ભ્રમણકક્ષામાં પ્રવેશતું નથી. પ્રથમ વખત સ્ટારશીપને ઓર્બિટલ ટ્રેજેકટરીમાં મોકલવામાં આવ્યું છે જ્યાં તે સતત ગતિ કરીને પૃથ્વી ફરતેની ભ્રમણકક્ષામાં ચક્કરો પણ લગાવે છે. ઉડાન ભર્યાના લગભગ ૨૫ મિનિટ પછી થયેલા ઓર્બિટલ ઇન્સર્શન બર્ને સ્પેસક્રાફ્ટને પૃથ્વીથી લગભગ ૨૭૫ કિલોમીટર ઉપરની ભ્રમણકક્ષામાં મૂક્યું હતું. આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન (ISS) પૃથ્વીથી ૪૦૦ કિલોમીટરની ઊંચાઈ પર ભ્રમણ કરે છે.

Most Popular

To Top