Business

એક જ મહિનામાં રોકાણકારોના રૂ. 17.17 લાખ કરોડ સ્વાહા

ક્રૂડ ઓઇલના વધતા ભાવ, ભૌગોલિક રાજકીય અનિશ્ચિતતાઓ અને બોન્ડ યીલ્ડમાં વધારાને કારણે બજારની સેન્ટિમેન્ટ નબળી પડતાં બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીમાં છેલ્લા એક મહિનામાં 5 ટકાથી વધુનો ઘટાડો થયો છે, જેના કારણે રોકાણકારોની રૂ. 17.17 લાખ કરોડની સંપત્તિ ધોવાઈ ગઈ છે.આ સમયગાળા દરમિયાન યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વધુ નાણાકીય કડક કાર્યવાહીના સંકેતોની પણ સેન્ટિમેન્ટ પર અસર પડી હતી.ગયા મહિનાની 27 ઓગસ્ટથી 30 શેરો ધરાવતો બીએસઈ સેન્સેક્સ 4,161.87 પોઇન્ટ અથવા 5.40 ટકા ઘટી ગયો છે. 50 શેરો ધરાવતો એનએસઈ નિફ્ટી પણ 1,310.6 પોઇન્ટ અથવા 5.44 ટકા નીચે ગયો છે.

આ સમયગાળા દરમિયાન રોકાણકારોની સંપત્તિ રૂ. 17,17,487.02 કરોડ ઘટીને રૂ. 4,74,36,620.19 કરોડ (4.94 ટ્રિલિયન યુએસ ડોલર) થઈ ગઈ છે.સોમવારે, બીએસઈ બેન્ચમાર્ક 1,124.02 પોઇન્ટ અથવા 1.52 ટકા ઘટીને 72,771.72 પર બંધ થયો હતો, જે 30 માર્ચ, 2026 પછીનું તેનું સૌથી નીચું સ્તર છે. નિફ્ટી 360.25 પોઇન્ટ અથવા 1.56 ટકા ઘટીને લગભગ છ મહિનાના નીચલા સ્તરે 22,780.25 પર બંધ થયો હતો.

માત્ર સોમવારના દિવસે જ રોકાણકારોની સંપત્તિમાં રૂ. 7.52 લાખ કરોડનો ઘટાડો થયો છે : જીઓજિત ઇન્વેસ્ટમેન્ટ્સ લિમિટેડના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું કે, ”બિયર્સ ( ઘટાડાની અપેક્ષા રાખનારાઓ) મજબૂતીથી નિયંત્રણમાં રહ્યા કારણ કે બજારે એક મહત્ત્વપૂર્ણ માનસિક સપોર્ટ લેવલ તોડી નાખ્યું, જે બગડતી વૈશ્વિક મેક્રો પરિસ્થિતિઓ વચ્ચે વધતી રોકાણકારની સાવચેતી દર્શાવે છે. યુએસ દ્વારા યુદ્ધવિરામ પ્રસ્તાવને નકારી કાઢવાથી આશંકા વધી ગઈ છે કે પશ્ચિમ એશિયામાં તણાવ અપેક્ષા કરતાં વધુ સમય સુધી ચાલુ રહી શકે છે, જેનાથી નજીકના સમયમાં રાજદ્વારી ઉકેલની શક્યતા ઘટી ગઈ છે અને લાંબા સમય સુધી સપ્લાય-સાઇડના અવરોધો તથા કોમોડિટી ભાવ વધવાનું જોખમ વધી ગયું છે.”

Most Popular

To Top