સુપ્રીમ કોર્ટે દિલ્હી-એનસીઆરમાં સગીરાઓ અને મહિલાઓ સામે વધી રહેલા ગુનાઓ અંગેના સમાચાર અહેવાલોની ગંભીર નોંધ લેતા સ્વતઃ સંજ્ઞાન લીધું છે. સર્વોચ્ચ અદાલતે આકરી ટિપ્પણી કરતા કહ્યું હતું કે આવી કમનસીબ ઘટનાઓ કાયદો અને વ્યવસ્થા જાળવતી સંસ્થાઓની તંત્રગત નિષ્ફળતા દર્શાવે છે.
જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ કે. વિનોદ ચંદ્રનની બેંચે દિલ્હીના આસ્થા કુંજ પાર્કમાં 17 વર્ષની સગીરા પર થયેલો ગેંગરેપ, સ્વરૂપ નગરમાં સગીરાની ગેંગરેપ બાદ હત્યા અને ગ્રેટર નોઈડાથી દિલ્હી વચ્ચે ચાલતી બસમાં સગીરા પર થયેલા જાતીય હુમલાની ઘટનાઓનો ઉલ્લેખ કર્યો હતો. કોર્ટે વેદના વ્યક્ત કરતા કહ્યું કે આ ઘટનાઓ 2012ના ચર્ચિત ‘નિર્ભયા કેસ’ની યાદ અપાવે છે અને સવાલ ઊભો કરે છે કે એક દાયકો વિતી ગયા પછી પણ સુરક્ષા વ્યવસ્થામાં શું કોઈ અર્થપૂર્ણ સુધારો થયો છે કે કેમ.
અદાલતે સ્પષ્ટ કર્યું કે બંધારણના અનુચ્છેદ 21 હેઠળ ભયમુક્ત અને સન્માનપૂર્વક જીવવાનો અધિકાર મૂળભૂત અધિકાર છે. જાહેર સ્થળો, પાર્ક, રસ્તાઓ અને જાહેર પરિવહનમાં નબળી રોશની કે નબળા પોલીસ પેટ્રોલિંગને કારણે સુરક્ષા જોખમાવી જોઈએ નહીં. કોર્ટે સત્તાવાળાઓ પાસે જાહેર સ્થળોની સુરક્ષા, સીસીટીવી અને ‘નેશનલ ડેટાબેઝ ઓન સેક્સ્યુઅલ ઓફેન્ડર્સ’ (એનડીએસઓ)ના ઉપયોગ અંગે વિસ્તૃત સ્ટેટસ રિપોર્ટ માગ્યો છે અને માત્ર સંવેદના વ્યક્ત કરવાને બદલે જવાબદેહી નક્કી કરવા આદેશ આપ્યો છે.
પોલીસ અને સંબંધિત સત્તાવાળાઓ સામે નારાજગી વ્યક્ત કરતા બેંચે કહ્યું્ કે, ‘જવાબદેહી વગર માત્ર સહાનુભૂતિ કે સંવેદના વ્યક્ત કરવાથી આ સામાજિક બદીનો ઉકેલ આવી શકે નહીં. ગુના નિવારણ અને જાહેર શાંતિ જાળવવાની જવાબદારી જેમના શિરે છે તે સત્તાવાળાઓની જવાબદારી નક્કી થવી જરૂરી છે.’ અદાલતે ઉમેર્યું કે જ્યાં સુધી મૂળભૂત સુરક્ષાત્મક પગલાં મજબૂત નહીં થાય, ત્યાં સુધી નાગરિકો સુરક્ષિત અનુભવી શકશે નહીં.
સુપ્રીમ કોર્ટે દિલ્હી પોલીસને આપ્યા સખત નિર્દેશ
સુપ્રીમ કોર્ટે દિલ્હી પોલીસ કમિશનરને 4 અઠવાડિયાની અંદર દરેક પોલીસ જિલ્લામાં ડીએસપી કક્ષાના અધિકારીના નેતૃત્વમાં વિશેષ ટીમો બનાવવા નિર્દેશ આપ્યો છે. આ ટીમો એનસીઆરબીના ડેટા અને સ્થાનિક માહિતીના આધારે સંવેદનશીલ વિસ્તારોનું મેપિંગ કરશે તેમજ નબળી રોશની, સીસીટીવીનો અભાવ કે પેટ્રોલિંગની ઉણપ ધરાવતી જગ્યાઓ ચિહ્નિત કરશે. જાહેર બગીચાઓ, મેટ્રો સ્ટેશનો, બસ ટર્મિનલ અને રેલવે સ્ટેશનોમાં ‘લાઈટિંગ અને સીસીટીવી ઓડિટ’ કરી બંધ પડેલા કેમેરા તાત્કાલિક શરૂ કરવા આદેશ અપાયો છે. ઉપરાંત, નાગરિકો ‘સીએમ જન સુનવાઈ પોર્ટલ’ પર અસુરક્ષિત કે અંધારાવાળા વિસ્તારો અંગે જીઓ-ટેગિંગ સાથે ફરિયાદ નોંધાવી શકશે, જેના પર સમયબદ્ધ કાર્યવાહી કરવાની રહેશે.
કોર્ટે 112 અને 181 હેલ્પલાઈન નંબરોની વાસ્તવિક સ્થિતિ અંગે રિપોર્ટ માગ્યો
અદાલતે દિલ્હી હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલ પાસે ફાસ્ટ ટ્રેક અને વિશેષ પોક્સો કોર્ટોની કામગીરીનો રિપોર્ટ માગ્યો છે. સાથોસાથ, કેન્દ્રીય ગૃહ મંત્રાલય દિલ્હીમાં તપાસ ટ્રેકિંગ સિસ્ટમનો ઉપયોગ કેવી રીતે કરી રહ્યું છે, નિયત સમય મર્યાદામાં તપાસ પૂરી થાય છે કે કેમ, અને ‘મિશન શક્તિ’, ‘સેફ સિટી પ્રોજેક્ટ’ તથા 112 અને 181 હેલ્પલાઈન નંબરોની વાસ્તવિક સ્થિતિ શું છે તે અંગે પણ વિસ્તૃત વિગતો માંગવામાં આવી છે.