28 જૂન-2026ના ‘ગુજરાતમિત્ર’ દૈનિકના છેલ્લા પાના પર, વેસુ વિસ્તારમાં પક્ષીને નાંખેલા ચણ વીણતી એક સ્ત્રીના ફોટા સાથે સમાચાર હતા, જે આપણા દેશની ભૂખમરાની યાદ અપાવતા હતા! આનાથી વધુ ગંભીર વીડિયો આફ્રિકાના સોમાલિયા દેશનો હતો, જ્યાં પશુના છાણમાંથી દાણા વીણી પેટ ભરતાં માણસોનો હતો!! કોઈ પણ સંવેદનશીલ વ્યક્તિને હચમચાવી દે તેવી આ ઘટનાઓ છે. પ્રસ્તુત લેખનું નિમિત્ત આવી જ ઘટનાઓ પર આધારિત છે. શરૂઆત વર્ષ: 2024 થી કરીએ. વર્ષ: 2024માં ‘વર્લ્ડ હંગર ઈન્ડેક્સ’ પ્રસિદ્ધ થયો. આ પ્રકારના ઈન્ડેક્સ, ભૂખમરા અને અપૂરતા પોષણને કારણે મૃત્યુ પામતી જનસંખ્યાના આંકડાઓને આધારે તૈયાર કરવામાં આવે છે અને તેના ગુણાંકન માપદંડ મુજબ વિશ્વના દેશો ક્યા ક્રમે આવે છે તે નક્કી કરવામાં આવે છે.
આ સર્વેને આધારે વિશ્વમાં કુલ 127 દેશોમાં ભૂખમરાની સમસ્યા છે અને તેમાં ભારત 105મા ક્રમે છે અને તેને મળેલા ગુણાંક 27.3 છે જે 2000ની સાલમાં 38.4, 2008માં 35.2 અને 2016માં 29.3 હતા. હવે ઈન્ડેક્સમાં ઉપરના ક્રમે જવું હોય તો અસરકારક, જડબેસલાક હંગર મેનેજમેન્ટ આવશ્યક છે. હંગર મેનેજમેન્ટમાં આપણો પડોશી દેશ ‘નેપાળ’ 68મા ક્રમે અને પાકિસ્તાન 109મા ક્રમે છે.
વર્લ્ડ હંગર ઈન્ડેક્સના ગુણાંકને વિસ્તારથી સમજીએ. જો ગુણાંક 50 કરતાં વધુ હોય તો તેવા દેશની સ્થિતિ અત્યંત ચિંતાજનક ગણાય. જો ગુણાંક 35થી 50ની વચ્ચે હોય તો એ ચિંતાજનક ગણાય. જો ગુણાંક 20 થી 35ની વચ્ચે હોય તો, ગંભીર સ્થિતિ ગણાય. જો ગુણાંક 10થી 20ની વચ્ચે હોય તો તેને હળવી (મોડરેટ) સ્થિતિ ગણાય અને જો 10ની અંદર હોય તો રાહતરૂપ ગણાય. આ હિસાબે ભારત ભૂખમરાની ગંભીર સ્થિતિ ધરાવતા દેશોમાં સ્થાન ધરાવે છે એમ કહી શકાય.
બીજી તરફ ‘વર્લ્ડ ફુડ ઓર્ગેનાઈઝેશન’ના સર્વે મુજબ આ ધરતી પર ખેતી કરતાં ખેડૂતો એટલું અનાજ ઉગાડે છે જેટલી વિશ્વને આજે જરૂર છે. એટલે કે ઉત્પાદન પૂરતું છે. જે સમસ્યા છે તે પુરવઠાની છે. અનાજના સંગ્રહની છે અને અનાજના બગાડની છે. 16મી ઓક્ટોબરે ‘વર્લ્ડ ફુડ ડે’ ઉજવાયો, એ નિમિત્તે વાંચવા મળ્યું કે ભારત અન્નની બાબતે આત્મનિર્ભર છે. પરંતુ જે સમસ્યા છે એ પુરવઠાની જાળવણીની છે અને ગરીબીની છે. એક તો લોકો સુધી અન્ન પહોંચતું નથી અને પહોંચે છે તો લોકો પાસે તે ખરીદવા માટે પૈસા નથી. જે પૈસાદાર છે તે અન્નનો બગાડ કરે છે! આપણા દેશમાં, અમીરોનો એંઠવાડ એ ગરીબોનું ભોજન છે!
20- ઓક્ટોબર-2024ના રોજ પ્રસિદ્ધ સમાચાર અત્યંત દુ:ખદ અને માનવમનને હચમચાવી દે તેવા છે, જેણે વિશ્વનું ધ્યાન દોર્યું છે. આફ્રિકાના ઝિમ્બાબ્વે સૌથી ભયાનક દુકાળનો સામનો કરી રહ્યો છે. અહીં ખોરાકી ચીજ વસ્તુઓની એટલી ભયંકર તંગી છે કે અહીંની સરકારે હાથીઓનો શિકાર કરીને લોકોને આ હાથીઓના માંસને ખોરાક તરીકે વહેંચવાના આદેશો જારી કર્યા છે. જે તસ્વીરો સામે આવી છે તેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ગોળીઓથી વીંધાયેલો એક મહાકાય હાથી મરેલો પડ્યો છે અને તેની નજીક બે ભૂખ્યાં બાળકો ઊભાં છે જેઓ રાહ જોઈ રહ્યાં છે કે કસાઈઓ આ હાથીને ચીરીને તેના માંસના ટુકડાઓ કરે અને તે તેમને ભોજન તરીકે મળે!
આ તસવીરો સોશ્યલ મીડિયા પર પણ વાઈરલ થઈ છે. જે તસવીરો સામે આવી છે તે, ઝિમ્બાબ્વેના ‘શોલોત્સો’ ગામની છે. સરકારના આદેશથી છેલ્લા એક મહિનામાં 200 જેટલાં હાથીઓનો પ્રોફેશનલ શિકારીઓએ શિકાર કર્યો છે. વિશ્વભરનાં પત્રકારો અને જાગૃત લેખકોએ આ ઘટનાની આકરી ટીકા કરી છે. એક બ્રિટિશ લેખિકાએ કટાક્ષમાં કહ્યું હતું કે, ભયંકર ગરીબ આફ્રિકનોએ હાથીઓને જીવતાં રાખીને પોતાનું બલિદાન આપી દેવું જોઈએ.
ખેર! AIના યુગમાં જીવતું વિશ્વ આજે મંગળ ગ્રહ પર જવાની તૈયારી કરી રહ્યું છે અને એલન મસ્કે, રિ યુઝેબલ બ્રુસ્ટર બનાવ્યું છે તેવા યુગની આ બીજી નરવી વાસ્તવિક ઘટના છે! પ્રશ્ન એ પણ થાય કે શું સાચે જ આપણે પ્રગતિના પંથે છીએ? શું સાચે જ આપણે વિશ્વગુરુ છીએ? ઘર આંગણાની વાસ્તવિક પરિસ્થિતિ કંઈક જુદી નથી શું? શું એક માત્ર સ્ત્રી શહેરમાં પક્ષીને નાંખેલા ચણ વીણતી હશે? ચૂસાઈ ગયેલા કેરીના ગોટલાને ફરી વાંરવાર ચૂસતાં બાળમજૂરો નથી શું? સૂકાઈ ગયેલા માતાના સ્તનને વારંવાર ચૂસતા અને નિષ્ફળ નિવડતાં સંતાનો નથી? કરીશું શું? કોઈ ઉપાય ખરો? કોઈ ચિંતન ખરું?
સ્વાર્થ અને શોષણના પાયા પર રચાયેલા આપણા સમાજે હવે સમજદારીપૂર્વક, સહાનુભૂતિપૂર્વક વર્તવું પડશે, સર્વગ્રાહી ડહાપણ વિકસાવવું પડશે. જીવો અને જીવવા દો. સૌના હિતમાં મારું હિત. સૌના કલ્યાણમાં મારું કલ્યાણ.’ આવાં સૂત્રો ચરિતાર્થ કરી, પરસ્પર પરાવલંબન અને સહજીવનની સુગંધથી જીવવાનું શીખવું પડશે. થોડા દયાવાન, કરુણાવાન નહિ બનીશું તો હાથીના માંસના ટુકડા પણ હાથમાં નહિ આવે એવા દિવસો આપણી રાહ જોતાં હશે. આપણા દેશમાં કરુણાવાન લોકો ભૂખ્યાંને ભોજન આપે છે તેની નોંધ લઈ સરાહના જરૂર કરીએ. પરંતુ તેથી વિશેષ અન્નના પુરવઠાને સાચવીએ. અન્નનો બગાડ અટકાવીએ. જરૂર ન હોય તો મફતનું ભોજન નહિ આરોગીએ. તે જરૂરિયાતમંદ માટે રહેવા દઈએ. બૂફે ડિશને એંઠી ન છાંડીએ. અન્નનો દાણો દાણો કિંમતી છે તેવો ભાવ જગાડી ભૂખમરાને અટકાવવા યથાશક્તિ યોગદાન પ્રદાન કરીએ.
બધું જ સરકાર કરશે એની રાહ જોવાને બદલે શુભસ્ય શીઘ્રમ્ કરીએ. દેશ મહાસત્તા બને કે વિશ્વગુરુ બને તેનાં સપનાં જોવાં સારી બાબત છે પરંતુ ગ્રાઉન્ડ રિયાલીટીને નજરઅંદાજ નહિ કરી શકાય. આજે આપણે જે સમયમાંથી પસાર થઈ રહ્યાં છીએ તે જોતાં આવા સમયમાં કામ લાગે તેવી બાબત, પોતીકી સમજણ, પોતીકું ડહાપણ. આપણો નિજી અનુભવ અને નાનો પણ મક્કમ નિર્ધાર, જે હંમેશા સત્યની તરફદારી કરતો હોય અને રાષ્ટ્રપ્રેમ દેશદાઝ અને નિ:સ્વાર્થ સમાજસેવાથી તરબોળ હોય! આપણે સૌ વ્યક્તિવાદી રાજકારણમાંથી, નીતિવાદી અને મૂલ્યવાદી રાજકારણની દિશામાં સભાનતાથી જાગૃત થઈશું તો ભૂખમરા જેવી વૈશ્વિક સમસ્યા પર થોડે ઘણે અંશે નિયંત્રણ લાવી શકીશું. હાલ જે રીતે પ્રાકૃતિક અને વૈશ્વિક ઘટનાઓ આકાર લઈ રહી છે તે જોતાં જીવનની સ્થિરતા અને શુકુન ડામાડોળ જણાય છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.