ટ્રાફિક નિયમોનો ભંગ કર્યા બાદ ઈ-ચલણ તો બની જાય છે, પરંતુ તેનો દંડ સમયસર ભરવામાં ન આવે તો હવે તેની વસૂલાત માટે અલગ અને કડક રીત અપનાવવાની જરૂરિયાત પર સુપ્રીમ કોર્ટે ભાર મૂક્યો છે. સોમવારે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સૂચન કર્યું હતું કે જે લોકો ટ્રાફિક ઈ-ચલણની રકમ ચૂકવતા નથી, તેમની બાકી રકમ વીજળીના બિલ સાથે જોડવાની શક્યતા પર વિચાર કરી શકાય. જોકે આ સમયે વીજ બિલમાં ઈ-ચલણ જોડવાનો કોઈ દેશવ્યાપી નિયમ લાગુ થયો નથી. આ માત્ર કોર્ટ દ્વારા સૂચવવામાં આવેલો એક વિકલ્પ છે. જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથનની બેન્ચ ટ્રાફિક નિયમોના ભંગ બદલ આપવામાં આવતા ઈ-ચલણ અને તેની વસૂલાત સાથે જોડાયેલી અરજીની સુનાવણી કરી રહી હતી. સુનાવણી દરમિયાન કોર્ટને જણાવવામાં આવ્યું કે દેશભરના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મોટી સંખ્યામાં ઈ-ચલણ જારી કરવામાં આવ્યા છે, પરંતુ તેની સામે દંડની વસૂલાતનું પ્રમાણ ઓછું છે.
કોર્ટના ધ્યાન પર આવ્યું કે આશરે રૂ.45,000 કરોડના ઈ-ચલણની રકમની વસૂલાત કરવાની બાકી હતી. તેમાંથી આશરે રૂ.25,000 કરોડની વસૂલાત થઈ ચૂકી છે, જ્યારે લગભગ રૂ.20,000 કરોડ હજુ બાકી છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને બેન્ચે કહ્યું કે માત્ર હજારો કે લાખો ઈ-ચલણ જારી કરી દેવાથી કામ પૂરું થતું નથી. સૌથી મહત્વનો મુદ્દો એ છે કે તેના દ્વારા નક્કી થયેલા દંડની વસૂલાત કેવી રીતે કરવામાં આવે. જસ્ટિસ પારડીવાલાએ અધિકારીઓએ જમીન પર અસરકારક રીતે કામ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. કોર્ટનું કહેવું હતું કે ઈ-ચલણની સંખ્યા વધારવી સરળ છે, પરંતુ લોકો પાસેથી દંડની રકમ વસૂલ કરવી મોટો પડકાર છે. તેથી બાકી રકમની વસૂલાત માટે વ્યવહારુ રીત શોધવી જરૂરી છે.
આ દરમિયાન બેન્ચે એક વિકલ્પ તરીકે સૂચન કર્યું કે જો કોઈ વ્યક્તિ ઈ-ચલણનો દંડ ચૂકવતી ન હોય તો તેની બાકી રકમ વીજળીના બિલ સાથે જોડવામાં આવી શકે કે કેમ તે અંગે વિચાર કરવામાં આવે. કોર્ટના સૂચન પાછળનો તર્ક એ છે કે વીજળીનું બિલ લોકો નિયમિત રીતે ચૂકવે છે અને બિલ ન ભરાય તો વીજ જોડાણ કપાવાની સ્થિતિ ઊભી થઈ શકે છે. તેથી આ પ્રકારની વ્યવસ્થા ઈ-ચલણની વસૂલાતમાં મદદરૂપ થઈ શકે છે કે નહીં તે અંગે સરકાર અને સંબંધિત અધિકારીઓ વિચાર કરી શકે છે. પરંતુ હાલ સામાન્ય વાહનચાલકોએ એવું માનવું નહીં કે આજથી ઈ-ચલણની રકમ આપમેળે તેમના વીજ બિલમાં ઉમેરાઈ જશે. સુપ્રીમ કોર્ટે આ બાબતે માત્ર સૂચન કર્યું છે. તેને લાગુ કરવા માટે સંબંધિત સત્તાવાળાઓએ અલગથી પ્રક્રિયા અને વ્યવસ્થા નક્કી કરવી પડશે.
વીજ બિલ ઉપરાંત બાકી ઈ-ચલણની વસૂલાત માટે વાહન સંબંધિત સેવાઓ પર નિયંત્રણ મૂકવાના વિકલ્પો પર પણ ચર્ચા થઈ હતી. બાકી ચલણ ધરાવતા વાહનોને પરિવહન પોર્ટલ પર ફ્લેગ અથવા બ્લેકલિસ્ટ કરવાની, વાહનની માલિકી ટ્રાન્સફર પર રોક મૂકવાની અને રજિસ્ટ્રેશન સંબંધિત કેટલીક સેવાઓ અટકાવવાની શક્યતા અંગે પણ વિચાર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત બાકી ઈ-ચલણ ધરાવતા વાહનોની રેન્ડમ ચેકિંગ કરવાની વાત પણ સામે આવી હતી. ચેકિંગ દરમિયાન કોઈ વાહન સામે જૂનું અને ચૂકવવાનું બાકી ઈ-ચલણ મળી આવે તો નિયમ મુજબ આગળની કાર્યવાહી કરવાની શક્યતા અંગે ચર્ચા થઈ હતી. વાહનનું રજિસ્ટ્રેશન રિન્યુઅલ, ડ્રાઇવિંગ લાઇસન્સ, PUC અને ફિટનેસ સર્ટિફિકેટ જેવી સેવાઓને બાકી દંડ સાથે જોડવાની શક્યતા પર પણ વિચાર કરવામાં આવ્યો હતો.
સુપ્રીમ કોર્ટની આ ચર્ચાનો મુખ્ય મુદ્દો એ છે કે ટ્રાફિક નિયમો તોડ્યા બાદ માત્ર ઈ-ચલણ બનાવવાથી કાયદાનો હેતુ પૂરો થતો નથી. દંડની રકમ ખરેખર વસૂલ થાય અને ટ્રાફિક નિયમોનું પાલન વધે તે માટે અસરકારક વ્યવસ્થા ઊભી કરવી જરૂરી છે. હાલમાં સૌથી મહત્વની વાત એ છે કે વીજ બિલ સાથે ઈ-ચલણ જોડવાનો પ્રસ્તાવ હજુ સૂચનના સ્તરે છે. જો ભવિષ્યમાં આવી વ્યવસ્થા અમલમાં મૂકવા અંગે સત્તાવાર નિર્ણય લેવાશે, તો તેની પ્રક્રિયા, કયા પ્રકારના ઈ-ચલણ પર નિયમ લાગુ પડશે અને વીજ કનેક્શન સાથે તેનો સંબંધ કેવી રીતે રહેશે તેની અલગ માર્ગદર્શિકા જાહેર કરવી પડશે.