Charchapatra

શ્રદ્ધાથી કરાય તે શ્રાદ્ધ

આપણે માણસને જીવતાં યાદ કરીએ છીએ, પણ મરી ગયા પછી પણ તેમને યાદ કરવાની એક સુંદર વિધિ હિન્દુ ધર્મે બનાવી છે, જેને શ્રાદ્ધ કહેવાય છે. ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષના પંદર દિવસોમાં વાતાવરણમાં પણ એક પ્રકારની ઉદાસી અનુભવાય છે. કહેવાય છે કે આ દિવસોમાં આપણા વડવાઓ આપણને મળવા આવે છે. શ્રાદ્ધમાં આપણે તેમની ભાવતી વાનગીઓ બનાવીએ છીએ, કાગડાને કોળિયો આપીએ છીએ, ગાયને ખવડાવીએ છીએ અને બ્રાહ્મણને જમાડીએ છીએ. પરંતુ ઊંડાણથી વિચારીએ તો આ બધું એક બહાનું છે. હકીકતમાં આ દિવસ આપણા વડવાઓને યાદ કરવાનો છે. જે દાદા ખભા પર બેસાડીને ફેરવતા હતા, જે દાદી વાર્તા કહીને સુવડાવતા હતા, જે પિતાએ પોતાના માટે કશું લીધા વિના આપણું ભવિષ્ય બનાવ્યું અને જે માતાએ અડધી રોટલી ખાઈને આપણને આખી ખવડાવી, એ સૌની યાદને તાજી કરવાનો દિવસ છે. શ્રાદ્ધ એટલે ઋણ સ્વીકાર. કાગડો કોળિયો લઈને ઊડે ત્યારે મનને સંતોષ થાય છે કે ભોજન પહોંચી ગયું. પહોંચે કે ન પહોંચે, પરંતુ આપનારનું મન હળવું થઈ જાય છે. એટલે શ્રાદ્ધ માત્ર એક ક્રિયા નથી, પરંતુ લાગણી અને સ્મૃતિને જીવંત રાખવાનો દિવસ છે.
સુરત     – રમેશ પટેલ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top