દેશના સ્વ. નાયબ વડા પ્રધાન અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે રાજા રજવાડાંઓને એક કર્યાં અને તેમને આપવામાં આવતા સાલિયાના નાબૂદ કરવાની પહેલ કરી હતી. હાલના સંજોગોમા દેશ અનેક સમાજો ,સંપ્રદાયો, ધર્મ, જાતિ અને વાડાઓથી મુકત નથી. દરેક સમાજ પોતાની રીતે સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક પ્રવૃત્તિ કરે, સમાજભવનો ઊભાં કરે તે સારી બાબત છે. દેશ આઝાદ થયો એટલે બંધારણ અમલમાં આવવાથી દરેક સમાજના માનવ સરખા, કોઈ ભેદભાવ ન હોવો જોઈએ. આપણે ત્યાં તો જાતિ અને તેમાં વળી પેટા જાતિ, પેટા જાતિમાં પણ અનેક ઉચ્ચ,નીચની વાડાબંધી.
દેશ હિતમાં જ્યારે જોખમ આવી પડે ત્યારે દરેક એ એક થવાની જરૂર છે. લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે જે પ્રમાણે દેશી રાજ્યોનું વિલિનીકરણ કર્યું એ દેશના હિતમાં છે. દેશમાં પણ સમાજભવનો ઊભાં થયા કરે એના કરતાં સમગ્ર સમાજભવનો કોઈ પણ પ્રકારના વાડાબંધી કે ભેદભાવરહિત ઊભા કરવાની જરૂર છે. દેશનાં તમામ લોકોને લોક્શાહીનો સાચો અહેસાસ થાય. બધા શાંતિપૂર્ણ રીતે જીવન વ્યતીત કરી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવી જોઈએ. દેશની દશા બદલાઈ રહી છે કે પછી દિશા?
સુરત – ચન્દ્રકાન્ત રાણા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.