તાજેતરમાં ચૂંટણી પંચ અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના કામકાજ અંગે ચર્ચા થઈ રહી છે. ખાસ કરીને SIR (Special Intensive Revision) પ્રક્રિયા અને મતદાર યાદીમાંથી નામ કાઢવા કે ઉમેરવા અંગે અનેક સવાલો ઊઠી રહ્યા છે. અહેવાલો મુજબ ચૂંટણી કમિશનરો સુખબીર સિંહ સંધુ અને વિવેક જોશી દ્વારા પણ કેટલીક પ્રક્રિયાઓ અંગે વાંધા વ્યક્ત કરવામાં આવ્યા હોવાની વાત સામે આવી છે. આ બાબતે ચૂંટણી પંચે દેશની જનતા સમક્ષ સ્પષ્ટ માહિતી આપવી જરૂરી છે. મતદાર યાદીમાંથી કોઈ યોગ્ય નાગરિકનું નામ ભૂલથી દૂર ન થાય તે ખૂબ જ મહત્ત્વનું છે.
કારણ કે મત આપવાનો અધિકાર લોકશાહીની સૌથી મહત્ત્વપૂર્ણ બાબતોમાંનો એક છે. આ સમગ્ર મામલે કોઈ વ્યક્તિ કે રાજકીય પક્ષને દોષિત ઠેરવવાનો હેતુ નથી. અમારી માત્ર એટલી માંગ છે કે ચૂંટણી પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શક, નિષ્પક્ષ અને નિયમ મુજબ ચાલે અને લોકોના મનમાં કોઈ શંકા ન રહે.ચૂંટણી પંચ દેશની લોકશાહી વ્યવસ્થાની મહત્ત્વપૂર્ણ સંસ્થા છે. તેથી તેના દરેક નિર્ણયમાં લોકોનો વિશ્વાસ અને પારદર્શિતા જળવાઈ રહે તે જરૂરી છે. લોકશાહી ત્યારે જ મજબૂત બને છે, જ્યારે દરેક પાત્ર નાગરિકનો મત સુરક્ષિત રહે અને ચૂંટણી પ્રક્રિયા પર જનતાનો વિશ્વાસ જળવાઈ રહે.
સુરત – આશિષ ટેલર- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.