World

‘પાયલટ, પ્લમ્બર, ડેન્ટિસ્ટ, બિઝનેસમેન…’ ફ્લાય દુબઈની ઘટનાના 5 હીરો જેમણે વિમાન દુર્ઘટના ટાળી

દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાઈટ FZ1073 ના ભારતીય પાયલટ સ્મિત મછારની બહાદુરીના સૌ કોઈ વખાણ કરી રહ્યા છે. સહ-પાયલટ દ્વારા છરી વડે હુમલો કરવામાં આવ્યા છતાં તેમણે વિમાનને દુર્ઘટનાગ્રસ્ત થતું બચાવ્યું હતું. જોકે વિમાનમાં અન્ય લોકો પણ હતા જેમની બહાદુરીએ દુર્ઘટના રોકવામાં અને સુરક્ષિત લેન્ડિંગ સુનિશ્ચિત કરવામાં મદદ કરી હતી. પાયલટ સ્મિત ઉપરાંત આ ફ્લાઈટમાં અન્ય ચાર હીરો પણ હતા.

ઈઝરાયેલી અધિકારીઓના જણાવ્યા અનુસાર પોતાની સુરક્ષાની પરવા કર્યા વિના હુમલાખોર પાસેથી વિમાનનું નિયંત્રણ પાછું મેળવવા બદલ મછારને હીરો તરીકે બિરદાવવામાં આવી રહ્યા છે. ઈઝરાયેલના ‘વાયનેટ ન્યૂઝ’ (Ynet News) મુજબ, ચાર ઈઝરાયેલી નાગરિકો કોકપિટ તરફ દોડી ગયા હતા અને હુમલાખોરને કાબૂમાં લેવામાં ક્રૂને મદદ કરી હતી. ત્યારબાદ, ફરજ પર ન હોવા છતાં બે પાયલટોએ વિમાનનું નિયંત્રણ સંભાળ્યું અને તેને દેશના એક નાના એરપોર્ટ પર ઉતાર્યું. અહીં તે પાંચ નાયકો વિશે માહિતી આપવામાં આવી છે જેઓ વિમાનમાં સવાર હતા.

સ્મિત મછાર
છરી વડે હુમલો થયો હોવા છતાં ભારતીય પાયલટ સ્મિત મછારે બહાદુરીપૂર્વક કોકપિટનો દરવાજો ખોલ્યો. આનાથી મુસાફરો અને ક્રૂ સભ્યો અંદર આવી શક્યા અને તેમને મદદ કરી શક્યા, જેનાથી એક મોટી દુર્ઘટના ટળી ગઈ. સ્મિત લોહીલુહાણ થઈ ગયા હતા. હાલમાં તેઓ સાઉદી અરેબિયાના તબુક શહેરની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે, જ્યાં ઈમરજન્સી સિગ્નલ મોકલ્યા બાદ ફ્લાઈટને વાળવામાં આવી હતી.

યાનિવ હાયુન
ઈઝરાયેલના વડાપ્રધાન કાર્યાલય દ્વારા શેર કરવામાં આવેલા એક વીડિયોમાં નેતન્યાહુ તેલ અવીવ એરપોર્ટ પર હાયુનને મળતા જોવા મળે છે. વ્યવસાયે પ્લમ્બર એવા હાયુનના શર્ટ પર ઈઝરાયેલ પહોંચ્યા ત્યારે લોહીના ડાઘ હતા, જોકે તેમણે જણાવ્યું હતું કે તેમને પોતે કોઈ ઈજા થઈ ન હતી. હાયુને જણાવ્યું હતું કે વિમાનના ઉડાન માર્ગને સુધારવામાં મદદ કરતા પહેલા તેઓ કોકપિટમાં પ્રવેશ્યા હતા અને શંકાસ્પદ હુમલાખોરને કાબૂમાં લીધો હતો.

અસાફ આઝુઆન
વીમા એજન્સીના માલિક અસાફ રાઝુઆને ‘વાયનેટ’ને જણાવ્યું હતું કે તેઓ થાઈલેન્ડમાં રજાઓ ગાળીને પરત ફરી રહ્યા હતા ત્યારે તેમની ફ્લાઈટનું વાતાવરણ અચાનક કોઈ હોરર મૂવી જેવું બની ગયું હતું. તેમણે કહ્યું, “વિમાન પરનું નિયંત્રણ ખોવાઈ ગયું હતું અને તે 90-ડિગ્રીના ખૂણે નીચેની તરફ (નોઝડાઈવ) ધસી રહ્યું હતું. અમને અહેસાસ થયો કે વિમાન હવે નિયંત્રણમાં નથી અને કંઈક ભયાનક બન્યું છે.”

કો-પાયલટને કાબૂમાં લેવામાં મદદ કરનારાઓમાં રાઝુઆન પણ સામેલ હતા. તેમણે જણાવ્યું કે કોકપિટનો દરવાજો ખુલ્લો હતો અને મુસાફરો જોઈ શકતા હતા કે કોકપિટ લોહીથી ભરાઈ રહ્યું હતું. તેમણે કહ્યું, “લોકો અંદર ગયા. ઝ્વિકા મેન્સ નામની વ્યક્તિ મારા પહેલાં ત્યાં પહોંચી ગઈ હતી. હું અન્ય બે લોકો સાથે અંદર ગયો અને અમે હુમલાખોરને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો અને તેમાં સફળ પણ થયા.”

ઝ્વિકા મેન્સ
બેંક લ્યુમીની અંડરરાઈટિંગ કંપનીના સીઈઓ ઝ્વિકા મેનેસ પણ તે મુસાફરોમાં સામેલ હતા જેમણે સૌપ્રથમ આ અંધાધૂંધીભરી પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે જણાવ્યું કે ફ્લાઇટમાં આપવામાં આવેલા મલ્ટીમીડિયા હેડફોનના કેબલનો ઉપયોગ કરીને તેમણે હુમલાખોરને કાબૂમાં લેવામાં મદદ કરી હતી. તે ઘટનાને યાદ કરતા મેન્સએ કહ્યું, “ત્યાં ખૂબ જ લોહી વહી રહ્યું હતું. હોરર ફિલ્મોની જેમ વિમાન ઝડપથી નીચેની તરફ ધસી રહ્યું હતું. ચારે બાજુ ચીસો અને અંધાધૂંધી હતી. પાયલટ દ્વારા વિમાન પર ફરીથી નિયંત્રણ મેળવવામાં જે સમય લાગ્યો તે અત્યંત ભયાનક હતો.”

શોતા મુસાયેવ
ડેન્ટિસ્ટ શોતા મુસાયેવે ‘વાયનેટ’ (Ynet) ને જણાવ્યું કે શંકાસ્પદ હુમલાખોરને કાબૂમાં લેવામાં મદદ કરવા માટે તેઓ શરૂઆતમાં કોકપિટ તરફ દોડ્યા હતા. તે વ્યક્તિને કાબૂમાં લીધા પછી, ડેન્ટિસ્ટ જેઓ કથિત રીતે ફ્લાઇટમાં એકમાત્ર ડૉક્ટર હતા તેમણે ગંભીર રીતે ઘાયલ કેપ્ટન સ્મિતની સારવાર કરી. તેમણે કેપ્ટનની સ્થિતિને અત્યંત ગંભીર ગણાવી અને નોંધ્યું કે તેમના માથા અને હાથમાંથી પુષ્કળ લોહી વહી રહ્યું હતું.

તેમણે કહ્યું, “હું વિમાનમાં એકમાત્ર ડૉક્ટર હતો. હું લોહી વહેતું અટકાવવામાં સફળ રહ્યો અને લેન્ડિંગના થોડા સમય પહેલાં સુધી પાયલટની સ્થિતિ પ્રમાણમાં સ્થિર રહી હતી પરંતુ ત્યારબાદ તેમની સ્થિતિ થોડી બગડી ગઈ હતી.”

Most Popular

To Top