Vadodara

તહેવારોના પ્રારંભે સામાન્ય પ્રજા પર મોંઘવારીનો માર, વડોદરામાં કોમર્શિયલ ગેસના ભાવમાં વધારો

હોટલ-રેસ્ટોરન્ટ અને નાસ્તાના ધંધાર્થીઓની ચિંતા વધી, ૧ ઓક્ટોબર ગુરુવારથી કોમર્શિયલ LPG સિલિન્ડર મોંઘા થયા

વડોદરામાં કોમર્શિયલ સિલિન્ડર દીઠ ₹૬૩નો વધારો, નવો ભાવ ₹૨,૮૭૦ પર પહોંચ્યો, જોકે, ઘરેલુ ગ્રાહકોને હાલ રાહત યથાવત

(પ્રતિનિધિ), વડોદરા. તા.૧

વડોદરા :- તહેવારોની સીઝન શરૂ થવા જઈ રહી છે ત્યારે સામાન્ય જનતા અને વેપારી વર્ગ માટે મોંઘવારીનો વધુ એક મોટો ઝટકો આવ્યો છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા ૧ ઓક્ટોબર ૨૦૨૬થી ૧૯ કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે. દેશના વિવિધ શહેરોમાં આ વધારો અલગ-અલગ સ્તરે ઝીંકાયો છે, જેમાં કેટલાક સ્થળોએ સિલિન્ડર દીઠ ₹૭૧.૫૦ સુધીનો વધારો નોંધાયો છે.

સ્થાનિક બજારની વાત કરીએ તો, વડોદરામાં અગાઉ કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ભાવ ₹૨,૮૦૭ હતો. જેમાં ₹૬૩નો વધારો થવાથી હવે વડોદરામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો નવો ભાવ ₹૨,૮૭૦ થઈ ગયો છે. આ વધારાના કારણે તહેવારોની મોસમમાં વેપારીઓના ઉત્પાદન ખર્ચમાં સીધો ઉછાળો આવશે.

તહેવારોના સમયમાં હોટલ, રેસ્ટોરન્ટ, ફૂડ સ્ટોલ, કેટરિંગ અને ખાસ કરીને મીઠાઈ-નમકીનની દુકાનોમાં ગ્રાહકોની ભારે ભીડ રહેતી હોય છે અને મોટા પ્રમાણમાં LPG ગેસનો વપરાશ થાય છે. કોમર્શિયલ સિલિન્ડર મોંઘા થવાથી આ તમામ વ્યવસાયોનું ઓપરેશનલ કોસ્ટ વધી જશે, જેની અંતિમ અસર તહેવારો દરમિયાન સામાન્ય નાગરિકોના ખિસ્સા પર પડવાની પૂરેપૂરી શક્યતા છે. નાસ્તા અને ખાણીપીણીની ચીજવસ્તુઓ મોંઘી થવાથી સામાન્ય જનતાનું બજેટ ખોરવાઈ શકે છે.

એક તરફ જ્યાં કોમર્શિયલ ગેસ મોંઘો થયો છે, ત્યારે બીજી તરફ રાહતની વાત એ છે કે ૧૪.૨ કિલોગ્રામના ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી. આજે પણ દેશના મુખ્ય શહેરોમાં ઘરેલુ સિલિન્ડરના જૂના ભાવ જ જળવાઈ રહ્યા છે.

સરકાર દ્વારા ઘરેલુ ગ્રાહકોને આંતરરાષ્ટ્રીય બજારની અસ્થિરતાથી બચાવવા માટે સતત સહાય પૂરી પાડવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ પાત્ર મહિલા લાભાર્થીઓને પ્રતિ સિલિન્ડર ₹૩૦૦ની લક્ષ્યાંકિત સબસિડી પણ યથાવત રાખવામાં આવી છે. મે ૨૦૨૬ સુધી દેશભરમાં આશરે ૧૦.૫૭ કરોડ પરિવારોને આ યોજનાનો લાભ મળ્યો છે.

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અને મહત્વપૂર્ણ દરિયાઈ સપ્લાય રૂટમાં ઊભી થયેલી અડચણોના કારણે વૈશ્વિક સ્તરે LPGની સપ્લાય ચેઇન પ્રભાવિત થઈ છે. ભારત પોતાની જરૂરિયાતનો મોટો હિસ્સો આયાત કરતું હોવાથી, સરકારે અમેરિકા, નોર્વે, કેનેડા, અલ્જેરિયા અને રશિયા જેવા વૈકલ્પિક દેશોમાંથી આયાત વધારી છે. આ ઉપરાંત, સ્થાનિક સ્તરે રિફાઇનરીઓને ઉત્પાદન વધારવા સૂચનાઓ અપાઈ છે જેથી દેશમાં ઘરેલુ ગેસનો અવિરત પુરવઠો જળવાઈ રહે અને સામાન્ય ગ્રાહકોને અછતનો સામનો ન કરવો પડે.

Most Popular

To Top