ઝડપી બોલિંગમાં પેચ ફસાયો,બીજા વનડેમાં બદલાશે ટીમ ઈન્ડિયા?
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝનો બીજો મુકાબલો આજે ગૌહાટી ખાતે રમાવાનો છે. પ્રથમ વનડેમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરીને વેસ્ટ ઈન્ડિઝને 8 વિકેટે હરાવ્યું હતું. હવે ભારતીય ટીમની નજર બીજા મુકાબલામાં જીત મેળવીને સિરીઝ પોતાના નામે કરવાની રહેશે. મેચ બપોરે 2 વાગ્યાથી રમાશે. પ્રથમ મેચમાં વિરાટ કોહલી અને કેપ્ટન શુભમન ગિલે સદી ફટકારીને ભારતને 296 રનના લક્ષ્ય સુધી સરળતાથી પહોંચાડ્યું હતું. જોકે બેટિંગમાં ટીમ મજબૂત દેખાઈ રહી છે, પરંતુ ઝડપી બોલિંગનું કોમ્બિનેશન હજુ પણ ચર્ચાનો વિષય બન્યું છે.પ્રથમ વનડેમાં શુભમન ગિલે કેપ્ટન તરીકે શાનદાર ઇનિંગ રમી હતી, જ્યારે વિરાટ કોહલીએ માત્ર 74 બોલમાં સદી ફટકારી હતી.
આ સદી સાથે કોહલીએ વનડે ક્રિકેટમાં વધુ એક મોટી સિદ્ધિ મેળવી અને 15 હજાર આંતરરાષ્ટ્રીય રન પૂર્ણ કરનાર સચિન તેંડુલકર બાદ બીજો ભારતીય બેટર બન્યો. હવે ગૌહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં પણ તેની પાસેથી મોટી ઇનિંગની અપેક્ષા છે. ખાસ વાત એ છે કે આ જ મેદાન પર કોહલીએ જાન્યુઆરી 2023માં શ્રીલંકા સામે પોતાનું 45મું વનડે સદી ફટકારી હતી.ભારતીય ટીમ માટે સૌથી મોટો પ્રશ્ન ઝડપી બોલિંગ વિભાગને લઈને છે. પ્રથમ મેચમાં જસપ્રીત બુમરાહ અને હાર્દિક પંડ્યાની ગેરહાજરી વચ્ચે ટીમ મેનેજમેન્ટે નીતીશ કુમાર રેડ્ડીને નવી બોલ સોંપી હતી, જ્યારે મોહમ્મદ સિરાજને આરામ આપવામાં આવ્યો હતો. જોકે રેડ્ડી આ પ્રયોગમાં ખાસ અસરકારક સાબિત થઈ શક્યો નહોતો.તેણે સાત બોલના એક ઓવરમાં 18 રન આપ્યા હતા.
વેસ્ટ ઈન્ડિઝના ઓપનર જસ્ટિન ગ્રીવ્સે તેનો લાભ ઉઠાવીને 108 બોલમાં 101 રનની સદી ફટકારી હતી અને પોતાની ટીમને 295/7ના મજબૂત સ્કોર સુધી પહોંચાડવામાં મદદ કરી હતી.આ સ્થિતિમાં બીજા વનડેમાં મોહમ્મદ સિરાજની વાપસીની સંભાવના વધી છે. સિરાજ ટીમમાં આવે તો ભારતના ઝડપી બોલિંગ આક્રમણને વધુ અનુભવ અને સંતુલન મળી શકે છે. બીજી તરફ જમ્મુ-કાશ્મીરના ઝડપી બોલર અકિબ નબી પણ આંતરરાષ્ટ્રીય ડેબ્યૂની રાહ જોઈ રહ્યા છે. નબીને શ્રીલંકા સામેની ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમમાં સ્થાન મળ્યું હતું, પરંતુ હજુ સુધી તેને આંતરરાષ્ટ્રીય મેચ રમવાની તક મળી નથી. ટીમ મેનેજમેન્ટ આગામી વનડે વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને એવા ખેલાડીઓ તૈયાર કરવા માગે છે જે બોલિંગની સાથે બેટિંગમાં પણ યોગદાન આપી શકે.
પ્રથમ મેચમાં નમન ધીરે પાંચ ઓવર બોલિંગ કરીને 33 રન આપ્યા હતા, પરંતુ તેને બેટિંગ કરવાની તક મળી નહોતી. જો સિરાજની ટીમમાં વાપસી થાય તો ઓલરાઉન્ડર કોમ્બિનેશનમાં ફેરફાર કરવો પડી શકે છે. બીજી તરફ અકિબ નબીને તક આપવામાં આવે તો એક વધારાના નિષ્ણાત બોલરને રમાડવા માટે ટીમનું સંતુલન ફરી ગોઠવવું પડશે. એટલે બીજા વનડેમાં ભારતીય પ્લેઇંગ-11માં ફેરફાર થાય છે કે નહીં તેના પર સૌની નજર રહેશે.સ્પિન વિભાગમાં કુલદીપ યાદવે પ્રથમ વનડેમાં શાનદાર બોલિંગ કરીને ચાર વિકેટ ઝડપી હતી. તેથી બીજા મુકાબલામાં તેને બહાર રાખવાની શક્યતા ઓછી દેખાઈ રહી છે. બેટિંગની વાત કરીએ તો રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી, ઋતુરાજ ગાયકવાડ અને કેએલ રાહુલ જેવા અનુભવી બેટર્સ ટીમને મજબૂત આધાર આપે છે.
રવિન્દ્ર જાડેજા પણ ઓલરાઉન્ડર તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.બીજી તરફ વેસ્ટ ઈન્ડિઝ માટે આ મેચ અત્યંત મહત્વપૂર્ણ છે. ત્રણ મેચની સિરીઝમાં ટકી રહેવા માટે તેને બીજો મુકાબલો જીતવો જરૂરી રહેશે. પ્રથમ મેચમાં તેની ફિલ્ડિંગ પણ નબળી રહી હતી અને શુભમન ગિલને શરૂઆતમાં મળેલા જીવતદાનનો તેણે પૂરો ફાયદો ઉઠાવીને સદી ફટકારી હતી. વેસ્ટ ઈન્ડિઝ છેલ્લે 2002માં ભારત સામે વનડે સિરીઝ જીતી શક્યું હતું. હવે કેપ્ટન શાઈ હોપ અને કોચ ડેરેન સેમીની ટીમ આ લાંબા અંતરને ઘટાડવાનો પ્રયાસ કરશે. બીજી તરફ ભારતીય ટીમની નજર સિરીઝ સીલ કરવા સાથે વર્લ્ડ કપ 2027 માટે યોગ્ય કોમ્બિનેશન તૈયાર કરવા પર રહેશે.