Sports

ICCએ 2027 ODI વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કર્યું, ભારત 10 ઓક્ટોબરે પાકિસ્તાન સામે ટકરાશે

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ 2027 ODI વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કર્યું છે. ક્રિકેટનો આ ભવ્ય ઉત્સવ 2 ઓક્ટોબર, 2027ના રોજ શરૂ થશે અને તેની ફાઈનલ મેચ 21 નવેમ્બરે રમાશે. ભારતીય ટીમ ટુર્નામેન્ટની પોતાની પ્રથમ મેચ 7 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે રમશે. ICCએ કેપટાઉનમાં એક ભવ્ય સમારોહ દરમિયાન આ મેગા-ઇવેન્ટનું શેડ્યૂલ જાહેર કર્યું હતું.

2027 ODI વર્લ્ડ કપ દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 10 ઓક્ટોબરે નિર્ધારિત કરવામાં આવી છે. બંને દેશોને એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યા છે. ટુર્નામેન્ટમાં ભારતની પ્રથમ મેચ 7 ઓક્ટોબરે કેપટાઉનમાં ઓસ્ટ્રેલિયા સામે થશે. ત્યારબાદ ટીમ ઈન્ડિયા 10 ઓક્ટોબરે જોહાનિસબર્ગમાં પાકિસ્તાન સામે ટકરાશે. 14 ઓક્ટોબરે ભારતીય ટીમ સેન્ચુરિયનમાં અફઘાનિસ્તાન સામે રમશે. ભારત 17 ઓક્ટોબરે ‘ક્વોલિફાયર A’ માંથી આવનારી ટીમ સામે અને 24 ઓક્ટોબરે ઝિમ્બાવવે સામે પણ રમશે.

2027 ODI વર્લ્ડ કપનું યજમાનપદ દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાવવે અને નામિબિયા સંયુક્ત રીતે સંભાળશે. તમામ મેચો કુલ 12 સ્થળોએ રમાશે જેમાં આઠ દક્ષિણ આફ્રિકામાં, ત્રણ ઝિમ્બાવવે અને એક નામિબિયામાં યોજાશે. ટુર્નામેન્ટમાં કુલ 14 ટીમો ભાગ લેશે અને તેમાં 57 મેચો રમાશે.

ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં
2027 વર્લ્ડ કપનું ફોર્મેટ અનોખું અને રસપ્રદ છે. શરૂઆતમાં જ બે ટીમો બહાર થઈ જશે ત્યારબાદ બાકીની 12 ટીમો ટ્રોફી માટે સ્પર્ધા કરશે. આ 12 ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ગ્રુપ Aમાં અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, ભારત, પાકિસ્તાન, ઝિમ્બાવવે અને ‘ક્વોલિફાયર A’ ની ટીમનો સમાવેશ થાય છે. જ્યારે ગ્રુપ Bમાં બાંગ્લાદેશ, ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, ન્યુઝીલેન્ડ અને ક્વોલિફાયર Bનો સમાવેશ થાય છે.

10 ટીમો ક્વોલિફાય થઈ; વેસ્ટ ઈન્ડિઝનો સમાવેશ નથી
અત્યાર સુધીમાં ICC 2027 ODI વર્લ્ડ કપ માટે કુલ 10 ટીમોએ ક્વોલિફાય કર્યું છે; જેમાં વેસ્ટ ઈન્ડિઝનો સમાવેશ થતો નથી. ભારત, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાને ICC ODI રેન્કિંગના આધારે સીધી લાયકાત મેળવી છે. દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વેએ યજમાન દેશો તરીકે ટુર્નામેન્ટમાં સીધો પ્રવેશ મેળવ્યો છે. જોકે નામિબિયા પણ સહ-યજમાન છે, તેમ છતાં તેને સીધો પ્રવેશ મળ્યો નથી કારણ કે તે ICCનું પૂર્ણ સભ્ય નથી. બાકીની ચાર ટીમો ક્વોલિફાયર રાઉન્ડ દ્વારા આગળ વધશે; વેસ્ટ ઈન્ડિઝ પણ આ ક્વોલિફાયર્સમાં ભાગ લેશે.

Most Popular

To Top