ભારતે શ્રીલંકાને ૧૨૪ રનથી હરાવીને એશિયન ગેમ્સ ક્રિકેટની ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. હવે ભારત શનિવારે ગોલ્ડ મેડલ માટે પાકિસ્તાન સામે ટકરાશે. એશિયન ગેમ્સમાં ક્રિકેટ મેચને સ્થાન મળ્યા બાદ આ બંને ટીમો વચ્ચે પ્રથમ મુકાબલો હશે. એશિયન ગેમ્સમાં ભારત પાકિસ્તાન સામ સામે હોવાથી મુકાબલો રોમાંચક હશે. ભારતીય ક્રિકેટ પ્રેમીઓની નજર આ મુકાબલા પર છે.
જાપાનના નિશિનમાં રમાયેલી સેમીફાઇનલમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે ૨૦ ઓવરમાં ૭ વિકેટ ગુમાવીને ૧૬૯ રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાની ટીમ ૯.૫ ઓવરમાં ૪૫ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. શ્રીલંકાના છ બેટ્સમેન ખાતું પણ ખોલાવી શક્યા ન હતા. જસપ્રીત બુમરાહ, અક્ષર પટેલ અને અભિષેક શર્માએ બે-બે વિકેટ ઝડપી હતી, જ્યારે ત્રણ બેટ્સમેન રન આઉટ થયા હતા. ઈશાન કિશને ૮૦ રનની અણનમ ઇનિંગ્સ રમી હતી અને વૈભવ સૂર્યવંશીએ ૨૧ બોલમાં ૩૮ રન બનાવ્યા હતા.
૯ વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો
ભારતે શ્રીલંકા સામે તેની સૌથી મોટી T20 ક્રિકેટ જીતનો રેકોર્ડ બનાવ્યો. અગાઉ સૌથી મોટી જીતનો રેકોર્ડ ૨૦૧૭માં કટક ખાતે મળેલી ૯૩ રનની જીતનો હતો.
પાકિસ્તાને બાંગ્લાદેશ સામે ૧૩ ઓવરની મેચ જીતી
પુરુષોની ક્રિકેટ સેમીફાઇનલમાં પાકિસ્તાને બાંગ્લાદેશને ૬ વિકેટથી હરાવ્યું. વરસાદને કારણે મેચ પ્રભાવિત થઈ હતી અને તેને પ્રતિ ટીમ ૧૩ ઓવરની કરવામાં આવી હતી. પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશે ૭ વિકેટ ગુમાવીને ૧૧૧ રન બનાવ્યા હતા. પાકિસ્તાને ૧૧.૩ ઓવરમાં ૪ વિકેટ ગુમાવીને જીત મેળવી હતી.
શ્રીલંકા ૪૫ રનમાં ઓલઆઉટ
શ્રીલંકાની ઇનિંગ્સ ૧૦મી ઓવરમાં ૪૫ રન પર સમાપ્ત થઈ હતી. ભારતે આ મેચ ૧૩૪ રનથી જીતી લીધી. ભારતે ૧૦મી ઓવર દરમિયાન સતત ત્રણ વિકેટ ઝડપી હતી. ઓવરના ત્રીજા બોલ પર તિલક વર્માએ થરિન્દુ રત્નાયકેને રન આઉટ કર્યો હતો. ચોથા બોલ પર અભિષેક શર્માએ ચમિકા કરુણારત્નેને સ્ટમ્પ આઉટ કર્યો. પાંચમા બોલ પર અભિષેકે બિનુરા ફર્નાન્ડોને બોલ્ડ કર્યો.
હોકીમાં પણ ગોલ્ડ મેળવી ઇતિહાસ રચવાનો અવસર
એક રોમાંચક મુકાબલામાં પાકિસ્તાનને ૪-૩થી હરાવીને ભારતે એશિયન ગેમ્સની પુરુષ હોકી ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. અભિષેકે મેચની અંતિમ મિનિટમાં ગોલ કરીને ભારતની જીત નિશ્ચિત કરી હતી. ગોલ્ડ મેડલ માટે ભારત ૩ ઓક્ટોબરે કોરિયા અને મલેશિયા વચ્ચે રમાનારી બીજી સેમી-ફાઇનલના વિજેતા સામે ટકરાશે.