ગુજરાતમાં ચોમાસું હવે ધીમે-ધીમે જોર પકડી રહ્યું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને નર્મદા જિલ્લામાં ધોધમાર વરસાદને કારણે નદીઓ અને ખાડીઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 2 જુલાઈ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ તેમજ કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ 27 અને 28 જૂન દરમિયાન અમરેલી, ગીર સોમનાથ, દીવ, ભાવનગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આગામી ત્રણથી ચાર દિવસ દરમિયાન દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ઉત્તર ગુજરાત સહિત રાજ્યના વધુ વિસ્તારોમાં આગળ વધવા માટે અનુકૂળ પરિસ્થિતિ બનશે.
છેલ્લા 24 કલાક દરમિયાન નર્મદાના સાગબારા અને ડેડિયાપાડા વિસ્તારમાં ભારે વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદના કારણે જંગલ વિસ્તારમાં આવેલી નદીઓ અને ખાડીઓમાં પાણીનો પ્રવાહ વધી ગયો હતો. અનેક ગ્રામ્ય રસ્તાઓ ધોવાઈ જતાં લોકોની અવરજવર મુશ્કેલ બની હતી. કેટલાક વિસ્તારોમાં 108 એમ્બ્યુલન્સ પણ સીધી પહોંચી શકી નહોતી. ડેડિયાપાડાના પૂર્વ પટ્ટી વિસ્તારમાં 108 ઇમરજન્સી સેવા સાથે જોડાયેલા પાયલોટ મેહુલ વસાવા અને EMT સુનિલ રાઠવાએ ફરજનિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ભારે વરસાદ અને કાદવથી ભરાયેલા રસ્તાઓને કારણે એમ્બ્યુલન્સ દર્દી સુધી પહોંચી શકી નહોતી. આવી સ્થિતિમાં બંને કર્મચારીઓએ દર્દીને ઝોલીમાં બેસાડીને પગપાળા કાદવ અને મુશ્કેલ રસ્તો પાર કરાવ્યો અને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડ્યો. ત્યારબાદ દર્દીને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન વલસાડના ઉમરગામમાં સૌથી વધુ અંદાજે 12 મિમી વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત કચ્છના રાપર, જૂનાગઢના ભેંસાણ, મહીસાગરના ગોધરા, વલસાડ અને નર્મદાના સાગબારા સહિતના વિસ્તારોમાં પણ છૂટાછવાયો વરસાદ નોંધાયો હતો. જોકે કચ્છના મોટા ભાગના વિસ્તારોમાં વાતાવરણ હજુ પણ સૂકું રહ્યું છે. ચોમાસાની સત્તાવાર એન્ટ્રીને ચાર દિવસ થઈ ગયા હોવા છતાં રાજ્યના હજુ પણ 54 તાલુકાઓ એવા છે જ્યાં અત્યાર સુધી એક ટીપું પણ વરસાદ નોંધાયો નથી. બીજી તરફ 177 તાલુકાઓમાં અત્યાર સુધી બે ઈંચ સુધી વરસાદ વરસ્યો છે, જ્યારે 28 તાલુકાઓમાં બેથી પાંચ ઈંચ સુધી વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી સાત દિવસ દરમિયાન ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. જોકે રાજ્ય માટે હાલ કોઈ ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું નથી.
અમદાવાદમાં શુક્રવારે મહત્તમ તાપમાન 40.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આગામી દિવસોમાં શહેરમાં આકાશ વાદળછાયું રહેવાની શક્યતા છે અને મહત્તમ તાપમાન 41 ડિગ્રી આસપાસ રહેવાનો અંદાજ છે. બીજી તરફ રાજકોટમાં પણ ગરમી વચ્ચે વરસાદ પડતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ હાલમાં મધ્ય પ્રદેશથી અરબી સમુદ્ર સુધીની ટ્રફ લાઇન મહારાષ્ટ્ર તરફ સક્રિય છે, જ્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર ઉપર નવું સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે. આ સિસ્ટમોના કારણે આગામી દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી પ્રવૃત્તિમાં વધારો થઈ શકે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં 15થી 20 નોટ્સની ઝડપે દક્ષિણ-પશ્ચિમ દિશાના પવન ફૂંકાવાની શક્યતા છે અને ઝાપટા દરમિયાન તેની ઝડપ 25 નોટ્સ સુધી પહોંચી શકે છે. જોકે હાલ માછીમારો માટે કોઈ વિશેષ ચેતવણી જાહેર કરવામાં આવી નથી.
દેશના અન્ય રાજ્યોમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને હિમાચલ પ્રદેશમાં પ્રી-મોન્સૂન વરસાદ ચાલુ છે. મધ્ય પ્રદેશ, ઝારખંડ અને છત્તીસગઢમાં વીજળી પડવાની ઘટનાઓમાં અનેક લોકોના મોત થયા છે, જ્યારે ઉત્તરાખંડના ચમોલીમાં ભારે વરસાદ બાદ વાદળ ફાટવા જેવી ઘટનાથી ભારે નુકસાન થયું છે. હાલમાં ચોમાસું દેશના 22 રાજ્યોમાં પહોંચી ગયું છે અને હવામાન વિભાગના અનુમાન પ્રમાણે આગામી 5 જુલાઈ સુધીમાં દેશના બાકીના વિસ્તારોને પણ આવરી લે તેવી શક્યતા છે.