India

અયોધ્યા રામ મંદિર ચઢાવા ચોરી કાંડમાં મોટો ખુલાસો! SITના રિપોર્ટમાં CCTV કંટ્રોલ રૂમના અધિકારી પણ તપાસના ઘેરામાં

70થી વધુ વખત થઈ હોવાના આરોપભક્તોના ચઢાવામાં ગેરરીતિના કેસમાં તપાસ વધુ તેજ; 8 આરોપીઓની ધરપકડ બાદ હવે CCTV દેખરેખ અને આંતરિક સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો

અયોધ્યાના શ્રી રામ મંદિરના ચઢાવામાં થયેલી કથિત ચોરીના મામલે તપાસ સતત નવા ખુલાસા કરી રહી છે. ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની તપાસમાં હવે માત્ર ચઢાવાની ગણતરી કરનાર કર્મચારીઓ જ નહીં પરંતુ મંદિરના CCTV કંટ્રોલ રૂમ સાથે જોડાયેલા અધિકારીની ભૂમિકા પણ તપાસના ઘેરામાં આવી છે. SITના પ્રાથમિક રિપોર્ટમાં સુરક્ષા વ્યવસ્થામાં ગંભીર ખામીઓ અને આંતરિક સ્તરે થયેલી ગેરરીતિઓ અંગે મહત્વપૂર્ણ વિગતો સામે આવી છે.

તપાસ મુજબ મંદિરમાં ભક્તો દ્વારા ચઢાવવામાં આવતી રોકડ રકમ અને અન્ય કિંમતી ચીજવસ્તુઓની હેરાફેરી એકાદ વખત નહીં પરંતુ લાંબા સમય સુધી સતત ચાલતી રહી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. CCTV ફૂટેજના વિશ્લેષણ દરમિયાન તપાસ એજન્સીને અનેક શંકાસ્પદ હલચલ જોવા મળી છે. આરોપીઓએ કેટલીક જગ્યાએ કેમેરાની નજરથી બચવા માટે અલગ-અલગ યુક્તિઓ અપનાવી હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે.

SITના રિપોર્ટ અનુસાર મંદિરના CCTV કંટ્રોલ રૂમની કામગીરી પણ હવે તપાસ હેઠળ છે. તપાસ અધિકારીઓ જાણવા પ્રયાસ કરી રહ્યા છે કે શંકાસ્પદ પ્રવૃત્તિઓ લાંબા સમય સુધી ચાલતી રહી છતાં સમયસર કાર્યવાહી કેમ ન થઈ. કેટલાક CCTV કેમેરા યોગ્ય રીતે મોનિટર થયા હતા કે નહીં, રેકોર્ડિંગની સમીક્ષા નિયમિત રીતે કરવામાં આવતી હતી કે નહીં અને કોઈએ જાણતા હેતુપૂર્વક બેદરકારી દાખવી હતી કે કેમ તે તમામ મુદ્દાઓની તપાસ ચાલી રહી છે.

આ કેસમાં અત્યાર સુધી કુલ 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા મોટાભાગના આરોપીઓ મંદિરના ચઢાવાની ગણતરી સાથે સંકળાયેલા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. પોલીસે આરોપીઓ પાસેથી અંદાજે ₹80 લાખની રોકડ પણ જપ્ત કરી છે. તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા બાદ ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.
SITને મળેલા પુરાવાઓ દર્શાવે છે કે ચઢાવાની ગણતરી દરમિયાન કેટલીક પ્રક્રિયાઓનો ગેરલાભ લેવામાં આવ્યો હતો. રોકડની ગણતરી, પેકિંગ અને સંગ્રહ દરમિયાન સુરક્ષા પ્રોટોકોલનું સંપૂર્ણ પાલન ન થવાથી ગેરરીતિ માટે તક ઉભી થઈ હોવાનું માનવામાં આવે છે. આથી તપાસનો વ્યાપ હવે વ્યક્તિગત જવાબદારીથી આગળ વધીને સમગ્ર વ્યવસ્થાની સમીક્ષા સુધી પહોંચી ગયો છે.

તપાસમાં ટેક્નોલોજીનો પણ મહત્વનો ઉપયોગ કરવામાં આવ્યો છે. CCTV ફૂટેજ ઉપરાંત હિડન કેમેરા, ડિજિટલ રેકોર્ડ્સ અને અન્ય ઇલેક્ટ્રોનિક પુરાવાઓના આધારે આરોપીઓની હિલચાલને ટ્રેસ કરવામાં આવી હતી. આ તમામ પુરાવાઓના આધારે તપાસ એજન્સીએ ઘટનાક્રમને જોડવામાં સફળતા મેળવી હોવાનું અધિકારીઓનું કહેવું છે.

કેટલાક મીડિયા અહેવાલોમાં એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે એપ્રિલના અંતથી જૂનની શરૂઆત સુધી લગભગ 70 જેટલી શંકાસ્પદ ઘટનાઓ CCTVમાં નોંધાઈ હતી. જોકે કુલ કેટલી રકમની ગેરરીતિ થઈ છે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર આંકડો જાહેર કરવામાં આવ્યો નથી. આ મામલે અંતિમ તપાસ પૂર્ણ થયા બાદ જ સંપૂર્ણ માહિતી જાહેર કરવામાં આવશે.
SITએ પોતાની પ્રાથમિક ભલામણોમાં મંદિરની સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. ચઢાવાની ગણતરી માટે વધુ પારદર્શક પદ્ધતિ, નિયમિત ઓડિટ, CCTV મોનિટરિંગની જવાબદારી સ્પષ્ટ કરવી અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા સમયાંતરે દેખરેખ રાખવા જેવી ભલામણો કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

આ સમગ્ર ઘટનાએ દેશભરના કરોડો રામભક્તોમાં ચિંતા ફેલાવી છે. ભક્તો દ્વારા શ્રદ્ધાપૂર્વક અર્પણ કરવામાં આવતી રકમની સુરક્ષા અને પારદર્શિતા અંગે હવે વધુ સવાલો ઉઠી રહ્યા છે. મંદિર ટ્રસ્ટ અને સંબંધિત સંસ્થાઓ પર પણ સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાનો દબાણ વધી રહ્યો છે.ઉલ્લેખનીય છે કે આ કેસ બહાર આવ્યા બાદ ઉત્તર પ્રદેશ સરકારના નિર્દેશ પર SITની રચના કરવામાં આવી હતી. તપાસ આગળ વધતાં અનેક કર્મચારીઓ સામે ગુનો નોંધાયો અને ઝડપથી ધરપકડની કાર્યવાહી હાથ ધરવામાં આવી. હાલમાં તપાસ હજુ ચાલુ છે અને વધુ લોકોની ભૂમિકા સામે આવે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.

તપાસ અધિકારીઓનું કહેવું છે કે દરેક પુરાવાની વૈજ્ઞાનિક રીતે તપાસ કરવામાં આવી રહી છે. કોઈ પણ વ્યક્તિની જવાબદારી પુરાવા વિના નક્કી કરવામાં આવશે નહીં. CCTV કંટ્રોલ રૂમ સાથે સંકળાયેલા અધિકારીની ભૂમિકા અંગે પણ તપાસ પૂર્ણ થયા બાદ જ અંતિમ નિર્ણય લેવામાં આવશે.આ સમગ્ર મામલો માત્ર ચોરીનો નહીં પરંતુ ભક્તોના વિશ્વાસ સાથે જોડાયેલો હોવાથી રાજ્ય સરકાર અને તપાસ એજન્સીઓ આ કેસને અત્યંત ગંભીરતાથી લઈ રહી છે. આગામી દિવસોમાં SIT પોતાની વિસ્તૃત રિપોર્ટ સરકારને સોંપે તેવી શક્યતા છે, જેના આધારે વધુ વહીવટી તેમજ કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી શકે છે.

Most Popular

To Top